Gujarat: આજે રાજ્યભરમાં કમોસમી વરસાદ થયો છે. જેથી અનેક જગ્યાએ નુકશાન ગયાની ભીતિ પણ જોવા મળી રહીં છે. નોંધનીય છે કે, કમોસમી વરસાદના કારણે અત્યારે ખેડૂતો વધારે ચિંતિત છે. આથી મુખ્યમંત્રી દ્વારા વરસાદથી થયેલા નુકશાનની સમિક્ષા કરવાના આદેશ કર્યા છે. મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશને પગલે શ્રીમતિ સુનયના તોમરે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લામાં થયેલા વરસાદ, પવન અને વીજળીની સ્થિતિ વગેરેની તલસ્પર્શી મહિતી મેળવી હતી. તેમણે જિલ્લા તંત્રવાહકોને એલર્ટમોડ પર રહેવા અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યુ છે.
રાહત કમિશનર આલોક પાંડેએ આ સમિક્ષા બેઠકની વિગત આપતા કહ્યું કે, રાજ્યમાં કુલ ૪૧ તાલુકાઓમાં બે(૨) મિલિમીટર થી લઇને ૩૮ મિલિમીટર જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં બે માનવ મૃત્યુ નોંધાયા છે. પવનને કારણે ૨૪૯ ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી, તે તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના કંટ્રોલરૂમ સતત કાર્યરત રહે તેમજ ક્યાંય જાનહાની ન થાય અને માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી વ્યવ્સ્થાઓ સુનિશ્ચિત કરવા પણ કાર્યકારી મુખ્ય સચિવને સુચના આપી છે.
રાજ્યમાં આજે સાંજે વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિ સંદર્ભે અધિકારીઓને જરૂરી સમીક્ષા અને કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા દિશાનિર્દેશ આપ્યા છે.
આ ઉપરાંત, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના કંટ્રોલરૂમ સતત કાર્યરત રહે તેમજ ક્યાંય જાનહાનિ ન થાય અને માલ-મિલકતને ઓછામાં…
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 13, 2024
ગુજરાતમાં અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 16 મે, 2024 સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા સંદેશો આપવામાં આવ્યો છે.