+

CM Japan Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાપાનની વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠક

મુખ્યમંત્રીના જાપાન-પ્રવાસ ત્રીજો દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાપાનની વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠક રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, જેવા ફ્યુચરિસ્ટિક ક્ષેત્રોનું હબ બનવા ગુજરાત સજ્જ છેઃ મુખ્યમંત્રી ગ્રીન હાઈડ્રોજન-રિન્યુએબલ એનર્જી-લોજિસ્ટિક્સ-સેમિકન્ડક્ટર-ફાર્માસ્યુટિકલ્સ એન્ડ…

મુખ્યમંત્રીના જાપાન-પ્રવાસ ત્રીજો દિવસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાપાનની વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠક
રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, જેવા ફ્યુચરિસ્ટિક ક્ષેત્રોનું હબ બનવા ગુજરાત સજ્જ છેઃ મુખ્યમંત્રી
ગ્રીન હાઈડ્રોજન-રિન્યુએબલ એનર્જી-લોજિસ્ટિક્સ-સેમિકન્ડક્ટર-ફાર્માસ્યુટિકલ્સ એન્ડ ડ્રગ્સ-ઈન્ડસ્ટ્રિયલ ઓટોમેશન ક્ષેત્રના અગ્રણી જાપાનીઝ ઉદ્યોગગૃહોને વાઈબ્રન્ટ સમિટ-2024માં સહભાગી થવાનું આમંત્રણ પાઠવતા મુખ્યમંત્રી
રાજ્યમાં નવા ઉત્પાદન એકમો સ્થાપવામાં સરકારના જરૂરી સહયોગ માટે તત્પરતા દર્શાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ત્રીજા દિવસે વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન મીટિંગ્સની શ્રૃંખલા કરી હતી.

ટેપ્કો રિન્યુએબલ એન્ડ પાવર

આ શ્રૃંખલામાં મુખ્યમંત્રીએ ટેપ્કો રિન્યુએબલ એન્ડ પાવર કંપનીના પ્રેસિડન્ટ માસાશી નેગસાવા, મેનેજિંગ ડિરેક્ટર્સ હિરોયુકી નિશાયામા અને માસાકી હોન્ડા સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં 2030 સુધીમાં 500 ગીગાવોટ રીન્યુએબલ ઊર્જા ક્ષમતા સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના આ લક્ષ્યમાં ગુજરાત અગ્રેસરતાથી યોગદાન આપવા સજ્જ છે. ગુજરાતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા ભારતની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતાના 15.5% જેટલી છે. રાજ્ય સરકારે ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતની ડેડિકેટેડ રિન્યુએબલ પોલિસી-2023 વિશે જણાવ્યું હતું અને રિન્યુએબલ અનર્જી ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓની માહિતી આપી હતી. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં દેશમાં ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસની સરળતાને કારણે વિદેશી રોકાણો માટે ભારત આવવું સુગમ બન્યું છે, તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ઓત્સુકા ઈન્ટરનેશનલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓત્સુકા ઈન્ટરનેશનલ કંપનીના વાઈસ પ્રેસિડન્ટ યોસુકે ફુકાસે સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ કંપનીના પદાધિકારીઓ સાથેની ચર્ચામાં, લાંબા સમયથી ગુજરાતમાં કાર્યરત ઓત્સુકા ઈન્ટરનેશનલ કંપનીના નવા પ્રોજેક્ટ્સ વિશે વાત કરી હતી. મુખ્યમંત્રીએ કંપનીના પ્રોડક્ટ ઈનોવેશનની સરાહના કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ગુજરાતમાં તૈયાર થઈ રહેલા બલ્ક ડ્રગ પાર્ક અને મેડિકલ ડિવાઇસ પાર્ક વિશે પણ વિગતો આપી હતી.

મારુબેની કોર્પોરેશન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારુબેની કોર્પોરેશનના સિનિયર ઓપરેટિંગ ઓફિસર નાઓશી હિરોશે અને જી.એમ. ડિયાગો ઓદાવારા સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કંપનીના ભારતમાં સ્થિત ઓપરેશન્સનો પણ ઉલ્લેખ થયો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કંપનીને ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું અને રાજ્ય સરકાર જરૂરી સહયોગની તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની ગ્રીન હાઈડ્રોજન પોલિસી અને ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ એન્ડ લોજિસ્ટિક્સ પાર્ક પોલિસી વિશે પણ તેમને માહિતગાર કર્યા હતા.

ઉદ્યોગગૃહોને આમંત્રણ

મુખ્યમંત્રીએ રિન્યુએબલ એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાતમાં રહેલા અપાર અવસરોનો લાભ લેવા આ ઉદ્યોગગૃહોને આમંત્રણ આપ્યું હતું. આ બેઠકમાં સેમિકન્ડક્ટર્સ, બેટરી મેન્યુફેક્ચરિંગ જેવા નવા ઊભરતાં ક્ષેત્રો માટે ગુજરાતમાં અદ્યતન ઈન્ડસ્ટ્રિયલ પાર્ક તૈયાર થઈ રહ્યા છે, તે વિશે પણ ચર્ચા હાથ ધરાઈ હતી. ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, જેવા ફ્યુચરિસ્ટિક ક્ષેત્રોનું હબ બનવા સજ્જ છે.

મિત્સુઈ ઓ.એસ.કે. લાઈન્સ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્સુઈ ઓ.એસ.કે. લાઈન્સના મેનેજિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર અજય વિક્રમ સિંહ સહિતના પદાધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં ગુજરાતના ગિફ્ટ સિટીમાં કંપનીના એસેટ લીઝિંગ માટેનું કેન્દ્ર સ્થાપવાની ચર્ચા હાથ ધરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલગ-અલગ ક્ષેત્રો માટે ગુજરાતમાં રહેલી તકોનો લાભ આ કંપની લઈ શકે છે, તેમ જણાવ્યું હતું અને કંપનીના ભવિષ્યના આયોજનો માટે મહત્વના કેન્દ્ર તરીકે ગુજરાત ઉત્તમ સ્થળ બની શકે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
આ મીટિંગમાં ટેકનોલોજી-ડ્રીવન લોજિસ્ટિક સેક્ટર, શીપ-બિલ્ડિંગ અને મેઈન્ટેઈનન્સ વગેરે વિષયોની પણ ચર્ચા થઈ હતી.

ડી.આઈ.એસ.સી.ઓ. કોર્પોરેશન

મુખ્યમંત્રીએ ડી.આઈ.એસ.સી.ઓ. કોર્પોરેશનના એક્ઝેક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ શ્રી નોબોરુ યોશીનાગા સાથે ચર્ચા કરી હતી. તેમણે મુખ્યમંત્રીશ્રીને વિવિધ દેશોમાં ચાલી રહેલા કંપનીના સેમિકન્ડક્ટર સેક્ટર્સના પ્રોજેક્ટ્સ અંગે માહિતી આપી હતી. ધોલેરામાં કંપનીના સંભવિત પ્લાન્ટની સ્થાપના માટે પણ તેમણે રસ દાખવ્યો હતો અને જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ કંપનીના પદાધિકારીઓને રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે રહેલી સંભાવનાઓ અને ગુજરાત સરકારની ડેડિકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી તથા સરકારના વિઝન અંગે જાણકારી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ફ્યુચરિસ્ટિક સેક્ટર્સ માટે ગુજરાતમાં તૈયાર થઈ રહેલી ઈકોસિસ્ટમ વિશે પણ વાત કરી હતી.

એર વોટર આઈ.એન.સી.

વન ટુ વન મીટિંગ્સની શ્રૃંખલામાં મુખ્યમંત્રી એર વોટર આઈ.એન.સી.ના ડિરેક્ટર શિગેકી ઓત્સુકા તથા અન્ય પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. કંપનીના પદાધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીને સેમિ કન્ડક્ટર ક્ષેત્રમાં કંપનીની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી અને ગુજરાત સરકાર સાથે કામ કરવા માટે ઉત્સુકતા પણ દર્શાવી હતી.

ફેનુક ગ્લોબલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકોની આ જ શ્રૃંખલામાં ફેનુક ગ્લોબલના પ્રેસિડન્ટ એન્ડ સી.ઈ.ઓ. યુકી કિતા સાથે પણ બેઠક કરી હતી. ફેનુકના પદાધિકારીઓએ મુખ્યમંત્રી તથા ગુજરાત ડેલિગશન સમક્ષ ઈન્ડસ્ટ્રિયલ ઓટોમેશન ક્ષેત્રે કંપનીની પ્રવૃત્તિઓ દર્શાવતું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શોમાં પણ કંપનીની પ્રવૃત્તિઓ શોકેસ કરવામાં રસ દાખવ્યો હતો.
આ વન-ટુ-વન મીટિંગ્સમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કંપનીઓના પદાધિકારીઓને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં સહભાગી થવાનું આમંત્રણ પાઠવ્યું હતું. આ વન-ટુ-વન બેઠકોમાં મુખ્યમંત્રીશ્રી સાથે મુખ્ય સચિવશ્રી રાજકુમાર સહિત ડેલિગેશનના સભ્યો જોડાયા હતા.

આ પણ વાંચો—ATGL : અમદાવાદ ખાતે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ

Whatsapp share
facebook twitter