+

Jamnagar: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ. 4.30 કરોડના ખર્ચે પુનઃનિર્મિત સર પી.એન. રોડનું લોકાર્પણ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ. 4.30 કરોડના ખર્ચે પુનઃનિર્મિત સર પી.એન. રોડનું લોકાર્પણ પડાણા પાટિયાથી ચંગા પાટિયા સુધીનો 30 કિ.મી. લાંબો રોડ કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા તેમજ સાંસદ…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ. 4.30 કરોડના ખર્ચે પુનઃનિર્મિત સર પી.એન. રોડનું લોકાર્પણ
પડાણા પાટિયાથી ચંગા પાટિયા સુધીનો 30 કિ.મી. લાંબો રોડ કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમબેન માડમના હસ્તે રાજ્ય સરકારને સુપરત
પડાણા પાટિયા સર્કલનું રૂ. 70 લાખના ખર્ચે સુશોભન, રોડની બંને બાજુએ રૂ. 1.53 કરોડના ખર્ચે ટ્રી-ગાર્ડ સાથે 6,113 વૃક્ષોનું રોપણ કરાયું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જામનગર જિલ્લામાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પડાણા પાટિયા – ચંગા પાટિયા વચ્ચેના 30 કિલોમીટર લાંબા મુખ્ય જિલ્લા માર્ગ- સર પી. એન. રોડ (All Weather Road)નું રૂ. 4.30 કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ય ધોરીમાર્ગના ઉચ્ચતમ ગુણવત્તાના માપદંડોથી પણ અધિક ગુણવત્તા મુજબના આ રોડને આજરોજ કંપની દ્વારા કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરા તથા જામનગર સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારને સુપરત કરાયો છે. આ રોડનું પુનઃનિર્માણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

ટ્રાફિક આઇલેન્ડ તૈયાર કરાયો

આ ઉપરાંત, પડાણા પાટિયા પર ટ્રાફિક આઇલેન્ડ સર પી.એન. સર્કલ રૂ. 70 લાખના ખર્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા તૈયાર કરાવામાં આવ્યું છે. તદુપરાંત, સર પી.એન. રોડની બંને બાજુએ વૃક્ષારોપણની કાર્યવાહી હાથ ધરતા કંપનીએ ટ્રી-ગાર્ડ સાથે કુલ 6,113 વૃક્ષોનું રોપણ કર્યું છે અને આગળ ઉપર પણ પર્યાવરણ સંવર્ધન કાર્ય ચાલુ રાખશે. આ કામ પાછળ રિલાયન્સ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) ના ભાગરૂપે રૂ. 1.53 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આગામી ત્રણ વર્ષ સુધી આ વૃક્ષોની માવજત પણ કંપની કરશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આભાર વ્યક્ત કર્યો

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પડાણા ખાતે રિલાયન્સ દ્વારા નિર્મિત અને છેલ્લાં સાત વર્ષથી કાર્યરત પશુ ચિકિત્સાલયની મુલાકાત લીધી હતી, તેમજ સર પી.એન.રોડ તથા પશુ ચિકિત્સાલયના કારણે આસપાસનાં ગામોના લગભગ બે લાખ લોકોના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન આવ્યું હોવાનો ઉલ્લેખ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015-16 દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રાજ્ય ધોરીમાર્ગ નં. 25 ઉપરના પડાણા પાટિયાને રાજ્ય ધોરીમાર્ગ નં. 27 ઉપર આવેલા ચંગા પાટિયા સાથે જોડતા 30 કિ.મી. લંબાઈના મુખ્ય જિલ્લા માર્ગ એવા સર પી. એન. રોડનું પોતાના સામાજિક ઉત્તરદાયિત્વના (CSR) ભાગરૂપે રૂ. 86.96 કરોડના ખર્ચે બાંધકામ કરાયું હતું. ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે જાન્યુઆરી 21 , 2016ના રોજ આ ઓલ-વેધર રોડનું લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ ત્રણ વર્ષ માટે આ રોડનો નિભાવ પણ રિલાયન્સ દ્વારા કરવામાં આવતો હતો.

પુનઃનિર્માણ રિલાયન્સ દ્વારા તેઓની CSR પ્રવૃત્તિના ભાગરૂપે કરી આપવામાં આવ્યું

આ માર્ગના લોકાર્પણના આશરે 6-7 વર્ષ બાદ તેના મહ્દ સમારકામની જરૂરિયાત અનુભવાતા આસપાસના ગામોના સરપંચો તથા સ્થાનિક આગેવાનોની રજૂઆતોને ધ્યાને લઇને આ માર્ગનું ફરીથી એક વખત પુનઃનિર્માણ રિલાયન્સ દ્વારા તેઓની CSR પ્રવૃત્તિના ભાગરૂપે કરી આપવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મૈયબેન ગરસર, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરપર્સન શ્રીમતી મનીષાબેન કણઝારીયા, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરપર્સન શ્રીમતી હુલ્લાસબા જાડેજા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરપર્સન શ્રીમતી પ્રવિણાબેન ચભાડીયા, જિલ્લા પંચાયત સદસ્ય વિનોદભાઈ વાડોદરીયા, લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો—RBIએ રેપો રેટને લઈ લીધો મહત્ત્વનો નિર્ણય, અહીં જાણો RBI ગવર્નરે શું કહ્યું?

Whatsapp share
facebook twitter