+

મેચ જોવા આવનારા દેશ વિદેશના દર્શકોને અમદાવાદના જોવાલાયક સ્થળો નિહાળવા અપીલ

આઇસીસી વર્લ્ડ કપ હવે પૂર્ણાહૂતિ તરફ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલનો જંગ જીતી લીધા બાદ હવે બંને ટીમો વચ્ચે ફાઇનલ જંગ ખેલાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે 19 નવેમ્બરે…

આઇસીસી વર્લ્ડ કપ હવે પૂર્ણાહૂતિ તરફ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલનો જંગ જીતી લીધા બાદ હવે બંને ટીમો વચ્ચે ફાઇનલ જંગ ખેલાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ યોજાશે. આ મેચ માટે બંને ટીમો અમદાવાદ આવી પહોંચી છે. કરોડો ક્રિકેટ રસીકોને પણ આ મેચનો ઇંતેજાર છે અને ભારત ત્રીજી વાર વર્લ્ડ કપ જીતે તે માટે દુઆ અને પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ આ મેચ નિહાળવા દેશ વિદેશથી હજારોની સંખ્યામાં દર્શકો અમદાવાદ આવે તેવી શક્યતા છે ત્યારે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન અને અમદાવાદના ટુર ઓપરેટર્સ અને હોટલ માલિકોએ આ દર્શકોને અમદાવાદમાં રોકાઇ જવા અને અમદાવાદના જોવાલાયક સ્થળોની મુલાકાત લેવા અપીલ કરી છે.

દેશ વિદેશમાંથી ક્રિકેટ રસિકો અમદાવાદ આવશે

અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ક્રિકેટ વિશ્વકપની ફાઈનલ મેચના કારણે દેશ વિદેશમાંથી ક્રિકેટ રસિકો અમદાવાદ આવી રહ્યાં છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ક્રિકેટ રસિકો આતુર છે તો બીજી તરફ અમદાવાદના મહેમાન બનતા ક્રિકેટ રસિકોનુ સ્વાગત કરવા અમદાવાદના ટુર ઓપરેટર્સ અને હોટલ માલિકોએ પણ તૈયારીઓ આરંભી દીધી છે.

દર્શકોને રોકાણ લંબાવવા આગ્રહ કરાશે

મેચ જોવા આવતા ટુરીસ્ટ ફક્ત મેચ જોઈને પરત ન જાય પરંતુ અમદાવાદમાં વધુ સમય રોકાય અને વર્લ્ડ હેરિટેજ સીટીના અન્ય જોવાલાયક સ્થળોની પણ મુલાકાત લે તે માટે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન અને અમદાવાદના હોટલ માલિકો અને ટુર ઓપરેટર્સે સહિયારો પ્રયાસ હાથ ધર્યો છે. હોટલ્સમાં ટુરીસ્ટ ડેસ્ક પરથી અમદાવાદના જોવાલાયક પ્રવાસન સ્થળોની માહિતી મેચ જોવા આવનાર દર્શકોને આપવામાં આવશે અને તેમને તેમનુ રોકાણ લંબાવવાનો આગ્રહ પણ કરવામાં આવશે.

સ્ટેડિયમ તરફના રસ્તાઓ પર વિશેષ લાઈટીંગનુ આયોજન

દિવાળીના તહેવારો દરમ્યાન શહેરના વિવિધ સ્થળોએ કરવામાં આવેલી રોશનીનો પ્રકાશ પણ શહેરમાં ઝગમગતો રહેશે.એક અંદાજ પ્રમાણે હાલ 50 હજારથી વધુ પ્રવાસીઓ શહેરમાં છે.કોર્પોરેશનના અધિકારીઓએ શહેરના હોટલ માલિકો સાથે મીટીંગ કરી પ્રવાસીઓને શહેરના જોવાલાયક સ્થળોનો સારી રીતે પ્રચાર કરવા અંગે ટ્રેનીંગ આપી છે. સ્ટેડિયમ તરફના રસ્તાઓ પર વિશેષ લાઈટીંગનુ આયોજન પણ એએમસીએ કર્યુ છે. વર્લ્ડકપની ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ બાદ અમદાવાદ કોર્પોરેશનના પ્રયાસોના કારણે પ્રવાસીઓ તેમનું રોકાણ શહેરમાં લંબાવશે તો શહેરની ટુરીઝમ ઈન્ડસ્ટ્રીને પણ ફાયદો કરાવશે તે નિશ્ચીત છે.

આ પણ વાંચો—WORLD CUP 2023 : ફાઇનલ મેચ પૂર્વે અમદાવાદ એરપોર્ટ પર એર ટ્રાફિક વધતા મુસાફરો અટવાયા

Whatsapp share
facebook twitter