+

Junagadh: કૃષિ યુનિ. ખાતે રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો

અહેવાલ–સાગર ઠાકર, જુનાગઢ સામાજીક સમરસતામાં સંત સાહિત્યની ભૂમિકા કૃષિ યુનિ. ખાતે રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો 100 જેટલા સંશોધકોએ પોતાના સંશોધનો રજૂ કર્યા વિદ્વાનો દ્વારા સામાજીક સમરસતા પર વ્યાખ્યાનો રજૂ થયા સામાજીક…
અહેવાલ–સાગર ઠાકર, જુનાગઢ
  • સામાજીક સમરસતામાં સંત સાહિત્યની ભૂમિકા
  • કૃષિ યુનિ. ખાતે રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો
  • 100 જેટલા સંશોધકોએ પોતાના સંશોધનો રજૂ કર્યા
  • વિદ્વાનો દ્વારા સામાજીક સમરસતા પર વ્યાખ્યાનો રજૂ થયા
  • સામાજીક સમરસતા વિશે યુવાનો જાણે તે હેતુ આયોજન
  • સામાજીક સમરસતામાં સંતોની ભૂમિકા અંગે ચર્ચા કરાઈ
  • સાહિત્ય અકાદમી દ્વારા પરિસંવાદ અંગે પુસ્તક પ્રકાશિત થશે
કેશવ સ્મારક પ્રતિષ્ઠાન, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા સાહિત્ય અકાદમી ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે ‘સામાજીક સમરસતામાં સંત સાહિત્યની ભૂમિકા વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના પરિસંવાદનું આયોજન કરાયું હતું જેમાં 100 જેટલા સંશોધકોએ પોતાના સંશોધનો રજૂ કર્યા હતા. સામાજીક સમરસતા વિશે યુવાનો જાણે તે હેતુ પરિસંવાદ યોજાયો જેમાં સામાજીક સમરસતામાં સંતોની ભૂમિકા અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને સાહિત્ય અકાદમી દ્વારા આ પરિસંવાદનું પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવશે.
સમાજની સમતુલા જાળવવામાં સંતોની ભૂમિકા મહત્વની
સમગ્ર દિવસ દરમિયાન ચાર સેશનમાં યોજાયેલ એક દિવસીય રાજ્યકક્ષાના પરિસંવાદમાં દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો એ આજના જમાનામાં સમરસતાનું મહત્વ સમજાવ્યું હતું, સમાજની સમતુલા જાળવવામાં સંતોની ભૂમિકા મહત્વની રહી છે અને અખંડ ભારત રાખવા માટે સંતો મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. આજના યુગમાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી ને બદલે જીવનલક્ષી અભ્યાસ કરાવવામાં આવે તે જરૂરી છે, જ્ઞાતિવાદ, જાતિવાદ દૂર કરી રાષ્ટ્રભાવનાનું  સાતત્ય જાળવાય તે જરૂરી છે, ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ રાજ્ય અને દેશમાં અનેક એવા સંતો મહંતો થઈ ગયા કે જેમણે સમાજને એક નવો રાહ ચિંધ્યો છે અને નરસિંહ મહેતા, કબીર, તુકારામ, જલારામ બાપા,દાસારામ, બાપા સીતારામ,રવિદાસ,ગુરુનાનક, ચૈતન્યજી, રૈદાસ, લલ્લેશ્વરી વગેરે અનેક મહાપુરૂષોએ ભારતની ધરતી પર સામાજીક સમરસતાનું ઉદાહરણ પુરૂં પાડ્યું છે. આ સંતોના સમાજીક યોગદાન અંગે વિદ્યાર્થીઓ અને યુવાનોને જ્ઞાન મળે તથા તેના પર સંશોધનો થાય અને સામાજીક સમરસતાનો સંદેશ સમગ્ર વિશ્વ સુધી પહોંચાડી વસુધૈવં કુટુંબકમની ભાવના ચરિતાર્થ થાય તે હેતુ આ પરિસંવાદ યોજાયો હતો, આ પરિસંવાદ દરમિયાન જે સંશોધકોએ તેમના સંશોધનો રજૂ કર્યા તેમનું આગામી દિવસોમાં સાહિત્ય અકાદમી દ્વારા એક પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવશે જેથી દરેક નાગરીકો સુધી સમાજીક સમરસતાનો સંદેશો પહોંચી શકે.
અધ્યાત્મિક જીવનનું મહત્વ
આ પરિસંવાદમાં મોરબીમાં આશ્રમ ધરાવતા ભાણદેવજીએ સંતોની સમરસતામાં શું ભૂમિકા છે તેનું મહત્વ સમજાવ્યું હતું અને ગંગા સતી,પાનબાઇ ના અધ્યાત્મિક જીવન નું મહત્વ સમજાવ્યું હતું.  આનંદ આશ્રમ ઘોઘાવદરના નિરંજનભાઇ રાજ્યગુરુએ પ્રાચીન, મધ્યકાલીન તથા આધુનિક ભારતના જીવતર  વિશે મહત્વની વાત કરી હતી અને સાથે સહન કરે તે સંત આપે તે સંસારી તે વિષય પર સંત ના લક્ષણો વર્ણવ્યા હતા.  જ્યારે કેશોદના સાહિત્યકાર નાથાલાલ ગોહિલે ગિરનાર સમરસતાનું બિંદુ અને વિવિધતામાં એકતા એટલે કે ભારતીય અને ભારતમાતાનો ઉલ્લેખ કરીને વર્ગભેદ, જ્ઞાતિભેદ,જાતિભેદ, ધર્મભેદ વિગેરે એક પણ જાતનો ભેદ ન રાખવા જણાવ્યું હતું.
રાષ્ટ્રભાવના કઈ રીતે વિકસિત થાય તે વિશે વિસ્તૃત ચર્ચા
આ પરિસંવાદમાં પસંદગી પામેલ સંશોધનપત્રોનું વાંચન કરવામાં આવ્યું હતું.જેમાં અધ્યાપક વિભાગમાં અને વિદ્યાર્થી વિભાગમાં સંશોધનપત્રોનું વાંચન થયું હતું જેમાં ચેરમેન તરીકે સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો.ડો. જયસિંહ ઝાલા રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝાએ સંતોની સમરસતામાં શું ભૂમિકા હોઈ શકે અને સમાજમાં કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર આપણે કઈ રીતે રહી શકીએ, રાષ્ટ્રભાવના કઈ રીતે વિકસિત થાય તે વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ સમાજમાં સમરસતાનું શું મહત્વ છે, સમરસતાના સંદર્ભમાં ગુજરાત અને ભારતની હકારાત્મક ઓળખ કેવી રીતે થઈ શકે, ભારત દેશને કઈ રીતે વિકસિત કરી શકાય અને ભારત દેશને કઈ રીતે વિશ્વગુરુ બનાવી શકાય તે વિશે વાત કરી હતી. કાર્યક્રમમાં નરસિંહ મહેતા યુનિ ના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી, કૃષિ યુનિ ના કુલપતિ ડો. વિ.પી. ચોવટીયા, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા કેશવ સ્મારક પ્રતિષ્ઠાનના ડો. રાજેન્દ્રસિંહ પરમાર, સંતશ્રી મુક્તાનંદજી, સાહિત્ય અકાદમી દિલ્હીના વાઈસ ચેરમેન કુમુદજી શર્મા સહીતના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા અને સામાજીક સમરસતામાં સંત સાહિત્યની ભૂમિકા અંગે વક્તવ્ય આપ્યું હતું.
Whatsapp share
facebook twitter