+

ઘરેથી જાણ કર્યા વગર માતાને શોધવા નીકળી ગયેલ બાળકીને અભયમ ટીમે પરિજનો સુધી પહોંચાડી

અહેવાલ – રહિમ લાખાણી રાજ્ય સરકારની ૧૮૧ અભયમની ટીમ અનેક દીકરીઓ-મહિલાઓને મુશ્કેલ સ્થિતિમાં મદદરૂપ બને છે. ત્યારે રાજકોટમાં ઘરેથી ભાગીને આવેલ દીકરીને ૧૮૧ ની ટીમે તેના પરિવારજનો સુધી સહીસલામત પહોંચાડી…

અહેવાલ – રહિમ લાખાણી

રાજ્ય સરકારની ૧૮૧ અભયમની ટીમ અનેક દીકરીઓ-મહિલાઓને મુશ્કેલ સ્થિતિમાં મદદરૂપ બને છે. ત્યારે રાજકોટમાં ઘરેથી ભાગીને આવેલ દીકરીને ૧૮૧ ની ટીમે તેના પરિવારજનો સુધી સહીસલામત પહોંચાડી હતી

૨૬ સપ્ટેમ્બરે દસ વર્ષની એક દીકરી તેના ઘરેથી ભાગીને રેસકોર્સ ખાતે આવેલ હતી, તેની જાણ ૧૮૧ અભયમની ટીમને થતા રેસકોર્સ ૧૮૧ના કાઉન્સિલર જીનલ વણકર અને કોન્સ્ટેબલ નાઝિયાબેન સહિતની ટીમ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દીકરીનું કાઉન્સિલિંગ કર્યું હતું. આ દીકરીએ કાઉન્સિલિંગમાં જણાવ્યું કે તેમના માતા-પિતા વારંવાર નાની નાની બાબતમાં ઝઘડા કરે છે. તેમના પિતા કેફી દ્રવ્યનું સેવન કરે છે. જેના કારણે ઘરમાં અવાર-નવાર ઝઘડા થયા કરે છે અને આ બધા ઝઘડાના કારણે તેમની માતા ઘરેથી નીકળી ગઈ હતી. તેથી દીકરીને એવું લાગેલ કે તેમની માતા તેમને અને તેમના નાના ભાઈને છોડીને ચાલી ગયેલ છે.

પરિવારમાં આવો બનાવ પહેલા પણ બનેલ હતો તેથી તેમની માતાને મનાવવા માટે અને ઘરે લઈ જવા માટે આ ૧૦ વર્ષની દીકરી અમરેલીથી રાજકોટ પહોંચી ગઈ હતી. રાજકોટ હોસ્પિટલમાં આ દિકરીના કાકી થોડાક સમય પહેલા એડમિટ હતા તેથી દીકરી હોસ્પિટલમાં તેની માતાની શોધખોળમાં આવેલી હતી તેમ દીકરીએ જણાવ્યું હતું. તેથી ૧૮૧ ટીમે હોસ્પિટલમાંથી તેમના કાકા કાકીનો નંબર શોધી અને દીકરીના પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમના માતા પિતા પાસે કોઈ ફોન ન હોવાથી ગામના સરપંચનો નંબર મેળવી અને દીકરીના માતા-પિતા સાથે વાતચીત કરી હતી. જેમાં દીકરીના પિતાએ જણાવ્યું કે દીકરીની માતા ત્યાં ઘરે હતા અને દીકરીની માતાને જાણવા મળ્યું કે તેમની દીકરી તેમને શોધવા માટે રાજકોટ ગયેલ છે તો માતા પણ દીકરીને શોધવા માટે રાજકોટ આવવા માટે નીકળી ગયા હતા.

૧૮૧ અભયમની ટીમે દીકરીના પિતાને પણ કાઉન્સિલિંગમા સમજાવ્યું હતું કે, તેમણે તેમની પત્ની જોડે ઝઘડા કરવા નહીં, ઝઘડાની અસર બાળકોના મગજ ઉપર થાય છે અને આવું પરિણામ આવે છે.આમ પિતાના કાઉન્સિલિંગ બાદ પિતાએ પોતાની ભૂલ સુધારવા ખાત્રી આપી હતી. ત્યાર બાદ દીકરીના પિતાએ જણાવેલ કે રાજકોટમાં દીકરીના માસી રહેતા હોવાથી તેમની માતા પણ તેમના માસીના ઘરે આવવાના હોવાથી બાળકીને તેના માસીને સોંપવા જણાવ્યું હતું. ત્યાર બાદ બીજા દિવસે દિકરી તેના માતા સાથે અમરેલી વતન પહોંચી હતી.

આમ ૧૦ વર્ષની દીકરી જે તેમની માતાને શોધવા માટે અમરેલીથી રાજકોટ આવી ગઈ હતી તેને અભયમ ટીમે સહી સલામત તેમના પરિવારને સોંપી હતી. દીકરીના પરિવારે આ માટે ૧૮૧ ટીમનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter