Ahmedabad: ગુજરાતમાં અત્યારે ગુજરાત પોલીસ પર જ હુમલાઓ થઈ રહ્યા છે. બુટલેગરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. હમણાં બે દિવસ પહેલા જ વડોદરા શહેરમાં બુટલેગરોએ જાહેર રસ્તા પર જન્મ દિવસની ઉજવણી કરી હતી અને આતશબાજી પણ કરી હતી. એટલું જ નહીં પરંતુ પોલીસને ઘમકીઓ આપી હતી કે, ‘અમે કોઈ કાયદાને નથી માનતા’ નોંધનીય છે કે, બુટલેગરોને હવે કાયદાનો જરા પણ ડર રહ્યો નથી. કારણે કે, અમદાવામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે.
વધુ એક વખતે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો
તમને જણાવી દઇએ કે, અમદાવાદ શહેરમાં વધુ એક વખતે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે કુબેરનગરમાં પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો થયો છે. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, આ જીવલેણ હુમલો મહિલા બુટલેગરના સાગરીતોએ કર્યો હતો. બુટલેગરોએ કરેલા જીવલેણ હુમલામાં કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
પોલીસ પર જ હુમલાઓ થશે તો સામાન્ય લોકોનું શું?
મળતી જાણકારી પ્રમાણે કુબેરનગરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રમેશસિંહને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જેથી તેમને ત્યારે પ્રાથમિક સારવાર આપી શકાય. ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસે હુમલો કરનાર 3 શખ્સની ધરપકડ પણ કરી લીધી છે. પરંતુ શું આ બુટલેગરોને કાયદાનું ભાન થશે ખરૂ? શું તે લોકો હવે કાયદાનો ડર રાખશે ખરા? કારણ કે, આ શહેરમાં અનેક વખત પોલીસ પણ હુમલો થયાના બનાવો બન્યા છે. જેથી મહત્વની વાત એ છે કે, જો કાયદાનું પાલન કરાવતી પોલીસ પર જ હુમલાઓ થશે તો સામાન્ય લોકોનું શું?
આ રીતે શહેરમાં પોલીસ પર જાહેરમાં હુમલાઓ થાય તો સ્વાભાવિક છે કે, સામાન્ય લોકોમાં ડરનો માહોલ રહેવાનો છે. તો અત્યારે પોલીસે આ લોકોને કાયદાનું ભાન કરાવવું પડશે. જો કે, પોલીસ દ્વારા આ મામલે 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.