+

સુરત શહેર જિલ્લામાં ભારે વરસાદના કારણે 19 રસ્તા બંધ કરાયા

છેલ્લી 3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના 19 રસ્તા ઉપર પાણી…
છેલ્લી 3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના 19 રસ્તા ઉપર પાણી ફરી વળતાં તંત્રને આ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે.
19 રસ્તા પર પાણી ફરી વળતાં રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરાયા
ભારે વરસાદ પડતાં સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. વરસાદના કારણે જિલ્લાના 19 રસ્તા પર પાણી ફરી વળતાં રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.  વરસાદના કારણે પાણીનો ભરાવો થઇ જતાં બારડોલીના ૧૧, પલસાણાના ૫, માંડવી ૩ અને ચોર્યાસીનો ૧ રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
સુરતમાં વીતેલા ત્રણ દિવસથી અવિરત વરસાદ 
સુરત શહેર જિલ્લામાં વીતેલા ત્રણ દિવસથી ભારે અને અવિરત વરસાદ વરસી રહ્યો છે. બુધવારે બારડોલીમાં ૭ ઇંચ, પલસાણામાં ૯ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ રાત્રે પણ ધીમી ધારે વરસાદ યથાવત રહેતા પાણીનો નિકાલ નહીં થઈ શકતા નીચાણવાળા વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. ઉપરાંત કેટલાક લો લેવલ કોઝવે અને ગરનાળા ઉપર પણ પાણી ફરી વળ્યાં હતા. જેને પગલે સુરત જિલ્લાના બારડોલી, પલસાણાના કુલ ૧૯ રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ રસ્તા બંધ કરતા વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આ રસ્તા બંધ 
ગુરુવારે સવારે બારડોલીના ૧૧, પલસાણાંના ૫, માંડવીના ૩ અને ચોર્યાસીનો એક મળીને ૧૯ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. બારડોલીમાં પારડી- વાલોડ રોડ, ઉતારા વધારા કરચકા રોડ, સુરાલીથી ધારિયા કોઝવે, ખરવાસાથી મોવાચી તરફનો રસ્તો, બાલદા – જુનવાણી રોડ, રામપુરા એપ્રોચ રોડ, ખોજ પારડીથી વાઘેચ રોડ, રામપુરા- બારડોલીથી મોટાગામને જોડતો રોડ જયારે પલસાણાના બગુમરા- તુંડીરોડ,  તુંડી- દસ્તાન રોડ, બગુમરા- બળેશ્વર રોડ, ચલથાણ- બળેશ્વર રોડ તથા માંડવીનો વીરપોર- ઘલારોડ, ઉસ્કેર- મુંજલાવ રોડ તેમજ ખરવાસાથી ખંભાસલા રોડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
Whatsapp share
facebook twitter