+

ACB Trap : પોલીસની લાખોની કમાણીનું રહસ્ય ખુલ્લું પડ્યું, દારૂના કેસમાં આરોપી બદલવા પેટે લાંચ લેતા આણંદ પોલીસના બે હેડ કોન્સ્ટેબલ ઝડપાયા

ગુજરાત પોલીસ (Gujarat Police) માં ભ્રષ્ટાચાર એ કોઈ નવી વાત નથી. ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસ કરી લાખો-કરોડો રૂપિયાના તોડ કરવા, દારૂ-જુગારના અડ્ડા ચલાવવા, આરોપીને ફાયદો થાય તેવા કાગળો તૈયાર કરવા…

ગુજરાત પોલીસ (Gujarat Police) માં ભ્રષ્ટાચાર એ કોઈ નવી વાત નથી. ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસ કરી લાખો-કરોડો રૂપિયાના તોડ કરવા, દારૂ-જુગારના અડ્ડા ચલાવવા, આરોપીને ફાયદો થાય તેવા કાગળો તૈયાર કરવા આવી તો અનેક પદ્ધતિઓ ભ્રષ્ટ પોલીસ અધિકારી-કર્મચારીઓ અપનાવી રહ્યાં છે. વર્ષોથી ચાલી આવતી આ ભ્રષ્ટાચારની પરંપરાથી કોમન મેન થી લઈને CM સુધી સૌ કોઈ અવગત છે. એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) એ રૂપિયા 2 લાખની લાંચ લેતા આણંદના બે હેડ કોન્સ્ટેબલ (Head Constable) ને ઝડપી લીધા છે. ACB ના છટકામાં પોલીસ આરોપી બદલવાનો ધંધો કરતી હોવાનો ખેલ ઉઘાડો પડ્યો છે.

શું છે સમગ્ર મામલો ?

આણંદ ટાઉન પોલીસ સ્ટેશન (Anand Town Police Station) ખાતે ગત સપ્ટેમ્બરમાં નોંધાયેલા દારૂના એક ગુનામાં ગોધરાના એક શખ્સનું નામ ખૂલ્યું હતું. આ મામલે આણંદ ટાઉનના હેડ કોન્સ્ટેબલ ગત 1 ઓક્ટોબરના રોજ ગોધરા ખાતે તપાસ અર્થે ગયા હતા અને ત્યાં એક શખ્સ સાથે મુલાકાત કરી હતી. પ્રોહિબિશનના કેસ (Prohibition Case) ના આરોપીએ પોતાના બદલે મિત્રને આરોપી તરીકે કેસમાં હાજર કરવાની વાત કરી હતી. આરોપી બદલવાની વાતને લઈને તપાસ કરી રહેલા હે.કો. તૈયાર થઈ ગયા હતા અને લાંચ પેટે 2 લાખ રૂપિયા માગ્યા હતા. ACB ના ફરિયાદી (પ્રોહિબિશન કેસના આરોપી) એ હે.કો. સાથેની લાંચની સમગ્ર વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. આ મામલે ACB ને ફરિયાદ કરવામાં આવતા ગઈકાલે 9 ઓક્ટોબરના રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું. ACB એ ગોઠવેલા છટકામાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની બહાર બે હેડ કોન્સ્ટેબલ 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ACB એ આણંદ ટાઉનના ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર ગઢવી અને રફીક વ્હોરાની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.

પ્રોહિબિશન-ગેમ્બલીંગ એટલે રોકડીયો કેસ

દારૂ અને જુગારના કેસમાં તોડ કરવાની પ્રથા અનેક દસકાઓથી ગુજરાત પોલીસમાં ચાલી આવે છે. રાજ્યમાં રોજ પ્રોહિબિશન અને જુગારના સંખ્યાબંધ કેસ (Prohibition and Gambling Case) નોંધાય છે. મોટાભાગના કેસમાં પોલીસ યેનકેન પ્રકારે રોકડી કરતી રહે છે. કેટલાંક અધિકારી-કર્મચારી કેસ કરીને અને કેટલાંક નીલ કાર્યવાહી કરીને લાખો રૂપિયા કમાય છે. દારૂ-જુગારના કેસમાં પકડાયેલા આરોપીના રિમાન્ડ નહીં લેવાના, રિમાન્ડ દરમિયાન પરેશાન નહીં કરવાના, જામીન પર મુક્ત કરવાના તેમજ આરોપી બદલવાના એમ અલગ-અલગ સેવા બદલ હજારોથી લઈને લાખો રૂપિયાની લાંચ લેવાય છે. આ ઉપરાંત તપાસના કાગળોમાં રમત રમવાની અલગ રકમ લેવાય છે.

લાખોના તોડમાં IPS પણ ભાગીદાર

ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસોમાં સૌથી વધુ રસ IPS અધિકારીઓને હોય છે. હજારો કરોડના કેસમાં તપાસ અધિકારી IPS ની મીલીભગતથી લાખો-કરોડો રૂપિયા ખંખેરતા હોવાના અનેક કિસ્સા ઉચ્ચ IPS કે પછી સરકાર સુધી પહોંચ્યા છે. થોડા મહિનાઓ અગાઉ અમદાવાદના માધવપુરામાં થયેલા હજારો કરોડોના ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting Racket) ડબ્બા ટ્રેડિંગના કેસ (Dabba Trading Case) માં એક PI એ આરોપીઓ પાસેથી મસમોટી રકમ પડાવી હતી અને સિનિયર IPS ને હિસ્સો પણ આપ્યો હતો. જો કે, આ મામલામાં અમદાવાદની એક એજન્સીના PI સહિત બેની બદલી કરી પૂર્ણ વિરામ મુકી દેવામાં આવ્યું. પશ્ચિમ અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં ચારેક વર્ષ અગાઉ નોંધાયેલા પ્રોહિબિશનના કેસમાં કુખ્યાત બુટલેગર વિજય ઉધવાણી ઉર્ફે વીજુ સિંધી (Vijay Udhwani alias Viju Sindhi) વિરૂદ્ધ તપાસ અધિકારી PSI એ સમયસર ચાર્જશીટ કર્યું ન હતું. આ પેટે PSI એ વૉન્ટેડ વીજુ સિંધી પાસેથી મસમોટો આર્થિક લાભ મેળવ્યો હતો. જો કે, આ મામલામાં પણ PSI સામે ખાતાકીય તપાસ શરૂ કરાઈ હતી. આ તપાસનું શું થયું તે તો રામ જાણે.

આ પણ વાંચો : Morbi માં મોરારી બાપુએ મૃતકોના મોક્ષ માટે કે પછી આરોપીની મુક્તિ માટે કથા કરી : મૃતકના પરિવારજનો

More in :
Whatsapp share
facebook twitter