+

Nadabet Border : સરહદ પર અનેક પડકારો વચ્ચે આપણું રક્ષણ કરતાં BSF જવાનો

Nadabet Border  : આજે 26 જાન્યુઆરી..પ્રજાસત્તાક દિવસ..દેશમાં ભારે ઉત્સાહથી દેશના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે. દેશના નાગરિકો માટે બે દિવસ ખૂબ મહત્વના છે. એક 15 ઓગસ્ટ, 1947 કે જ્યારે…

Nadabet Border  : આજે 26 જાન્યુઆરી..પ્રજાસત્તાક દિવસ..દેશમાં ભારે ઉત્સાહથી દેશના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે. દેશના નાગરિકો માટે બે દિવસ ખૂબ મહત્વના છે. એક 15 ઓગસ્ટ, 1947 કે જ્યારે દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો..અને બીજો 26મી જાન્યુઆરી 1950નો છે જ્યારે ભારતના બંધારણનો અમલ થયો. આ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. દેશના વીર જવાનો દેશની સરહદે 24 કલાક ખડેપગે રહીને દેશનું રક્ષણ કરે છે અને તેના કારણે જ આપણે દેશના નાગરીકો શાંતિની ઉંઘ લઇ શકીએ છીએ અને આપણે સલામત છીએ.

પાકિસ્તાનને તેની ઓકાત બતાવીને ધુળ ચટાડી હતી

આજના પ્રજાસત્તાક દિવસે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું ગુજરાતની એ બનાસકાંઠા સરહદે જ્યાં 1965માં બીએસએફના જવાનોએ ઝીરો પોઇન્ટ પર રહીને બહાદુરીપૂર્વક પાકિસ્તાનનો સામનો કર્યો હતો હતો અને પાકિસ્તાનને તેની ઓકાત બતાવીને ધુળ ચટાડી હતી. આ બોર્ડર નડાબેટ (Nadabet) બોર્ડર તરીકે ઓળખાય છે.

ગુજરાત ફર્સ્ટની ટીમ ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલા નડાબેટના ઝીરો પોઈન્ટ પર પહોંચી

આજે ગુજરાત ફર્સ્ટની ટીમ ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલા નડાબેટ (Nadabet)ના ઝીરો પોઈન્ટ પર પહોંચી.આ બોર્ડર કચ્છ દરિયાઈ વિસ્તારથી લઈને બનાસકાંઠા અને રાજસ્થાનના રણ વિસ્તારથી છેક જમ્મૂ-કશ્મીરના બર્ફિલા પહાડો સુધી પથરાયેલી છે. બનાસકાંઠાનો રણ વિસ્તાર પાકિસ્તાની સીમાઓ સુધી પથરાયેલો છે.અને આ રણરૂપી સમુદ્રમાં દૂરદૂર સુધી માણસ તો શું પણ કોઇ પ્રાણી પણ જોવા નથી મળતું અને આવી પરિસ્થિતીમાં પણ બીએસએફના જવાનો દેશની સરહદે ખડેપગે રહીને દુશ્મનનો મુકાબલો કરે છે. આ એવો વિસ્તાર છે જ્યાં કડકડતી હાડ થીજાવતી ઠંડી પડે છે તો આગ ઝરતી ગરમી અને ચોમાસામાં ધોધમાર વરસાદ પડે છે પણ છતાં બીએસએફના જવાનો આપણા દેશનું રક્ષણ કરવા તમામ પરિસ્થિતીમાં સજ્જ રહે છે.

અનેક પડકારો અને ખરાબ પરિસ્થિતિમાં બીએસએફના જવાનો દેશનું રક્ષણ કરે છે

નડાબેટના રણની આગળ એક અલગ જ દુનિયા છે. જ્યા હજુ પણ મોબાઈલ ટાવર કે મોબાઈલ નેટવર્ક નથી . જવાનોને દૂર સુધી ડ્યુટીમાં મુકવામાં આવે છે જે એક એક મહિના સુધી ફોન કે અન્ય રીતે પરિવાર સાથે વાત પણ નથી કરી શકતા છતાં અનેક પડકારો અને ખરાબ પરિસ્થિતિમાં બીએસએફના જવાનો આકરા તાપ અને કડકડતી ઠંડીમાં રેતીના ડુંગરો વચ્ચે દુશ્મન દેશ પાકિસ્તાનની દરેક હરકત પર નજર રાખે છે.

મને ગર્વ છે કે હું બોર્ડર પર દેશની રક્ષા કરી રહ્યો છું

અમે નડાબેટ બોર્ડર પર પહોંચીને બીએસએફના જવાનો સાથે વાતચીત કરી હતી. તેઓ કેટલી મુશ્કેલી અને પડકારો વચ્ચે સરદહે ઉભા રહીને દેશની સુરક્ષા કરી રહ્યા છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો. બીએસએફ જવાન રામદયાલે કહ્યું કે હું રાજસ્થાનનો છું. મારું નાનપણથી જ દેશ સેવાનું સપનું હતું જે સાકાર થયું છે અને મને ગર્વ છે કે હું બોર્ડર પર દેશની રક્ષા કરી રહ્યો છું. વરસાદ કે આંધી કે તોફાન હોય પણ અમારી નજર હંમેશા દુશ્મનો સામે જ હોય છે. અમારી ટ્રેનીંગ જ એવી હોય છે કે અમે તમામ સ્થિતીમાં દેશની રક્ષા કરીએ છીએ. અમારી પાસે એવા જ ઇક્વીપમેન્ટ છે.

દુશ્મન શું હરકતો કરે છે તેની પર અમારી હંમેશા નજર

બીએસએફના કોન્સ્ટેબલ સંદીપ કુમારે કહ્યું કે હું બિહારનો છું અમારી ડ્યુટી બોર્ડરની સુરક્ષા છે. તે અમારી પ્રાથમિકતા છે. તમામ તહેવારો ઘેર જઇને જ ઉજવું છું પણ મારુ પ્રથમ કર્તવ્ય છે દેશની સુરક્ષા કરવાનું. દુશ્મન શું હરકતો કરે છે તેની પર અમારી હંમેશા નજર રહેતી હોય છે. લોકો અહીં આવે છે અને અમને મળે છે ત્યારે અમને બહુ સારું લાગે છે.

20 દિવસ સુધી તમામ મુશ્કેલીઓને સહન કરી

બે વર્ષ પહેલાં જ્યારે બિપોરજોય વાવાઝોડું આવ્યું ત્યારે ઝીરો પોઇન્ટ પર જે રસ્તો જાય છે તે આ ભયંકર વાવાઝોડામાં 200 મીટરનો રસ્તો તૂટી ગયો હતો. આ રસ્તો રિપેર થતાં 20 દિવસ લાગ્યા હતા પણ છતાં 20 દિવસ સુધી તમામ મુશ્કેલીઓને સહન કરીને બીએસએફ જવાનો રાતદિવસ અહીં પહેરો ભરીને દેશની સુરક્ષા કરી રહ્યા હતા.

ભારે વાવાઝોડામાં ઝીરો પોઇન્ટ તરફ જતો રસ્તો તૂટી ગયો હતો

આ વિશે બીએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ રીતેશ રંજને ગુજરાત ફર્સ્ટને કહ્યું કે બિપોરજોય વાવાઝોડા અંગે અમને અગાઉથી જ માહિતી મળી ચુકી હતી તેથી અમે એલર્ટ હતા. અમારા સિનીયર અધિકારીઓ અને હું પોતે પણ અહીં જ હતો. ભારે વાવાઝોડામાં ઝીરો પોઇન્ટ જે રસ્તો જાય છે તે રસ્તા પૈકીનો 200 મીટરનો રસ્તો પાણીના ભારે પ્રવાહમાં વહી ગયો હતો. ચારે તરફ અહીં પાણી જ પાણી હતું. આ રસ્તો રિસ્ટોર થતાં 20 દિવસ લાગ્યા હતા. વાવાઝોડામાં વીજળીના થાંભલા પણ તુટી ગયા હતા અને તેથી વીજળી પણ ન હતી. અમારા જવાનો બોટમાં જઇને જીવનજરુરી ચીજો લાવતા હતા. ઝીરો પોઇન્ટ પર ટેન્કરમાં માત્ર 5 લાખ લિટર જ પાણી હતું અને તેની સામે જવાનોની સંખ્યા વધુ હતું જેથી અમે પાણીની બચત કરી હતી. દુરથી અમે ટેન્કર મોકલીને પાણી મોકલી રહ્યા હતા પણ પાણીની અમને બહું તકલીફ પડી હતી. વર્દી પહેર્યા પછી આપો આપ તમારી ઓળખ બને છે. જે પ્રેમ દેશવાસીઓથી મળે છે તે અમને મોટીવેટશન આપે છે.

બીએસએફના જવાનો નાગરીકો સમક્ષ પોતાની બહાદુરીનું પ્રદર્શન કરે છે

નડા બાટે બોર્ડ પર દેશના નાગરીકો માટે સીમા દર્શન પણ શરું કરાયું છે. વાઘા બોર્ડરની જેમ અહીં પણ બીએસએફના જવાનો નાગરીકો સમક્ષ પોતાની બહાદુરીનું પ્રદર્શન કરે છે. અહીં બીએસએફની રિટ્રેટ સરેમની લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે અને લોકો મોટી સંખ્યાંમાં સીમા દર્શન જોવા ઉમટી પડે છે. નડાબેટ બોર્ડર અમદાવાદ એરપોર્ટથી 203 કિમી દુર છે જ્યારે ટ્રેન દ્વારા પાલનપુર પહોંચી ત્યાંથી 112 કિમી દુર નડાબેટ જઇ શકાય છે. ગાંધીનગરથી અંદાજે 200 કિમી દુર છે.

અહેવાલ–ઉમંગ રાવલ, અમદાવાદ

આ પણ વાંચો–-NATIONAL FLAG: દહેગામ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter