+

Kishore Kumar- જિંદગીની વિભીષિકામાં ય હાર ન માની

Kishore Kumarને બદલે બીજો કોઈ હોત તો જે દારુણ સ્થિતિમાંથી બેઠો જ ન થયો હોત. જિંદગીમાં સેકન્ડ ઇનિંગ્સ રમવાની તક સૌ કોઈને નથી મળતી. જેમને મળે છે એ બધામાં ફરી…

Kishore Kumarને બદલે બીજો કોઈ હોત તો જે દારુણ સ્થિતિમાંથી બેઠો જ ન થયો હોત. જિંદગીમાં સેકન્ડ ઇનિંગ્સ રમવાની તક સૌ કોઈને નથી મળતી. જેમને મળે છે એ બધામાં ફરી એક વાર મેદાનમાં ઉતરવાની હામ/ત્રેવડ/ઇચ્છા નથી હોતી. પણ જે લોકો કુદરતે ફરી મોકલેલી તકને ઝડપીને બમણા જોરથી ફરી એક વાર મેદાનમાં ઉતારે છે તેઓ અમિતાભ બચ્ચન કે કિશોર કુમાર જેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે.

Kishore Kumar ની લાઈફમાં, એમની કરિયરમાં દાદામુનિ અશોક કુમારનું મોટું કૉન્ટ્રિબ્યુશન એમની ફર્સ્ટ ઇનિંગ્સમાં હતું. સેકન્ડ ઇનિંગ્સનો શ્રેય એમના પિતા સમાન સચિન દેવ બર્મનને મળે.

૧૯૬૬ની ૮મી એપ્રિલે દેવ આનંદની ‘ગાઈડ’ રિલીઝ થઈ એ પહેલાંની આ વાત છે.

એ ગાળો સચિનદા માટે અને કિશોરદા માટે – બેઉનો ડાઉન પિરિયડ હતો. સચિનદાને સિવિયર હાર્ટ અટેક આવ્યો હતો. એ વખતે એમના સંગીતમાં બે ફિલ્મો તૈયાર થઈ રહી હતી. ગુરુદત્તની ‘બહારેં ફિર ભી આયેગી’ અને દેવ આનંદની ‘ગાઈડ’. ‘બહારેં’… માટે સચિનદાએ પાંચ ગીતો કમ્પોઝ કરી નાખ્યાં હતાં.

ગુરુદત્તની ફિલ્મ ‘બહારે ફીર ભી આયેગી,’માં સચિનદાને બદલે ઑ.પી નય્યર

‘ગાઈડ’નું કામ શરૂ કરવાની તૈયારી ચાલતી હતી. સચિનદાને હાર્ટ અટેક આવ્યો, હૉસ્પિટલાઈઝ કરવામાં આવ્યા. ગુરુદત્તને ફિલ્મ પૂરી કરવાની ઉતાવળ હતી. સચિનદાએ માંદગીને બિછાનેથી કહેવડાવ્યું કે પાંચ ગીતોની ધૂન તૈયાર કરી નાખી છે, મારી ગેરહાજરીમાં મારા દીકરા સહિતના મારા મદદનીશો રેકોર્ડિંગ કરીને તમને આપી દેશે.

ગુરુદત્તને સચિનદા સિવાય બીજાઓ પર ભરોસો નહોતો, બીજું કોઈ એમની ગેરહાજરીમાં રેકોર્ડિંગ કરે તે મંજૂર નહોતું. ગુરુદત્તે રાહ જોવાને બદલે ઓ.પી. નાય્યરને સાઈન કરીને ગીતો તૈયાર કરાવવા માંડ્યા. ‘બહારેં ફિર ભી આયેંગી’નું શૂટિંગ થઈ ગયું. હજુ થોડું કામ બાકી હતું. એ પહેલાં હિન્દી ફિલ્મ જગતમાં કરુણતમ ઘટના બની. ૧૯૬૪ની ૧૦મી ઑક્ટોબર ૩૯ વર્ષની વયના ગુરુદત્તે આત્મહત્યા કરી. એ અધૂરી ફિલ્મ ૧૯૬૬માં ગુરુદત્તને બદલે ધર્મેન્દ્રને લઈને રિલીઝ કરવામાં આવી.

સચિનદા સાજા થાય પછી જ ‘ગાઈડ’નું કામ ચાલુ કરવાનો દેવાનંદનો આગ્રહ

આ બાજુ દેવ આનંદે નક્કી કર્યું કે ‘ગાઈડ’ ત્યારે જ શરૂ થશે જ્યારે સચિન દેવ બર્મન તાજામાજા થઈને ફરી કામે ચઢશે. ૧૯૬૫માં તડામાર તૈયારીઓ સાથે ‘ગાઈડ’ શરૂ થઈ. સચિન દેવ બર્મને તમામ ગીતો રેકોર્ડ કરી લીધાં. મોહમ્મદ રફીના અવાજમાં ‘કયા સે ક્યા હો ગયા’ રેકોર્ડ કર્યું . રફીના જ અવાજમાં ‘તેરે મેરે સપને’ પણ રેકોર્ડ થયું. લતા મંગેશકરે ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ ને કંઠ આપ્યો. બીજાં પણ બે ગીતો ગાયાં: ‘પિયા તોસે નૈના લાગે રે’, ‘સૈયાં બેઈમાન’. મન્ના ડેએ કોરસ સાથે ‘હે રામ, હમારે રામચન્દ્ર’ ગાયું અને સચિનદાએ પોતે ‘અલ્લાહ મેઘ દે, પાની દે’ તેમ જ ‘વહાં કૌન હૈ તેરા…’ ગાયું.

કિશોર કુમારનો એ ડાઉન પિરિયડ

કિશોર કુમારનું એક પણ ગીત ‘ગાઈડ’માં નહોતું, તે વખતે Kishore Kumar નો એ ડાઉન પિરિયડ હતો. ‘ઢાકે કી મલમલ’ (૧૯૫૬), ‘ચલતી કા નામ ગાડી’ (૧૯૫૮), ‘ઝૂમરુ’ (૧૯૬૧) અને ‘હાફ ટિકિટ’માં એમની સાથે જે હીરોઈને કામ કર્યું હતું અને ૧૯૬૦માં જેમની સાથે તેઓ લગ્નબંધનથી જોડાયા તે હિન્દી ફિલ્મ જગતનાં ઈટર્નલ બ્યુટિ મધુબાલા ગંભીર બીમારીથી પીડાતાં હતાં. કિશોરદાને આ બીમારીની ખબર હતી. ટ્રીટમેન્ટ માટે લંડન પણ લઈ ગયા હતા. માંદગીને કારણે મધુબાલાનો સ્વભાવ ઈરિટેટિંગ થઈ ગયો હતો એવું અશોક કુમાર ‘ફિલ્મફેર’ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું.

મધુબાલાની હ્રદયની બીમારી હતી તો ય લગ્ન કર્યાં 

કિશોરદાના મોટાભાગના દિવસો આઉટડોર શૂટિંગમાં જતા હતા. મધુબાલા એમના પિતા (અને દિલીપ કુમારની પર્સનલ લાઈફના વિલન) અતાઉલ્લા ખાનના ઘરે જ મોટે ભાગે રહેતાં થઈ ગયેલાં. પતિ – પત્ની વચ્ચેની દૂરી વધી ગયેલી. Kishore Kumar મધુબાલાથી છૂટા થઈ જવા માગતા હતા એવું પણ ઘણા માને છે. એ હદ સુધી મધુબાલાનો સ્વભાવ આકરો થઈ ગયો હતો પણ આવા સંજોગોમાં છૂટા પડવું યોગ્ય ન ગણાય એમ માનીને કિશોર કુમારે આ બંધન નાછૂટકે નિભાવ્યું જે ૨૩ ફેબ્રુઆરી ૧૯૬૯ના રોજ મધુબાલાનું ૩૬ વર્ષની વયે નિધન થયું ત્યાં સુધી નિભાવ્યું. (‘આરાધના’ મધુબાલાના મૃત્યુના સાત મહિના પછી, ૨૭ સપ્ટેમ્બર, ૧૯૬૯ના રોજ રિલીઝ થઈ).

પર્સનલ અને પ્રોફેશનલ સ્તરે કિશોર કુમારનો સંધિકાળ

૧૯૬૪-૬૫ના ગાળામાં કિશોર કુમારનું કામકાજ ઘણું ઘટી ગયું હતું. ફિલ્મો મળતી ઓછી થઈ ગઈ હતી. ઍક્ટિંગનું કામ મોનોટોનસ થઈ ગયું હતું. પ્લેબેક સિંગિંગ મોટેભાગે દેવ આનંદ માટે જ કરતા અને દેવ આનંદનાં ગીતો માટે મોહમ્મદ રફીને પણ લેવામાં આવતા. પર્સનલ અને પ્રોફેશનલ સ્તરે Kishore Kumar નો આ સંધિકાળ ચાલી રહ્યો હતો.

દેવાનંદે મિત્ર કિશોરકુમારને યાદ કર્યા

‘ગાઈડ’નું શૂટિંગ પૂરું થઈ ગયું. પોસ્ટ પ્રોડકશન ચાલી રહ્યું હતું. દેવ આનંદને પોતાના મિત્ર કિશોર કુમારની યાદ આવી. આજકાલ પ્રોફેશનલી કિશોર કુમારના સમાચાર સંભળાતા નથી, બહુ એકલા પડી ગયા લાગે છે એમ વિચારીને દેવસા’બ કિશોરદાના ઘરે પહોંચી ગયા. સુખદુખની વાતો કરીને એમને સચિન દેવ બર્મનના ખારના ‘જેટ’ બંગલો પર લઈ આવ્યા. સચિનદા અને કિશોર કુમાર બેઉ એકબીજાને જોઈને ભાવવિભોર થઈ ગયા, ભેટી પડ્યા. થોડીવારે સેટલ થયા પછી સચિનદાએ કહ્યું, ‘ચાલ આપણે રિહર્સલ કરીએ. મારી પાસે એક ગીત તૈયાર છે.’ સચિનદાએ હાર્મોનિયમ કાઢીને તાબડતોબ કિશોર કુમાર પાસે ‘ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત’ તૈયાર કરાવ્યું.

આ વાત વિજય આનંદે ૧૯૯૦ના ગાળામાં કલકત્તાના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન પીયૂષ શર્માને આપેલા ઈન્ટરવ્યૂમાં કહી હતી.

જરૂર નહોતી તો ય કિશોરકુમારનું ગીત રેકોર્ડ થયું જે પાછળથી ‘તીન દેવિયાં’માં વપરાયું

મજરૂહ સુલતાનપુરીનું આ ગીત એસ.ડી. બર્મને ગુરુદત્તની ‘બહારેં ફિર ભી આયેગી’ માટે તૈયાર કર્યું હતું. કિશોરદાના અવાજમાં ગીત રેકોર્ડ તો થઈ ગયું. ઘણા લાંબા ગાળા પછી કિશોરદાએ ગીત ગાયું. દેવ આનંદે આ ગીત ‘તીન દેવિયાં’માં કામ લાગશે એ વિચારથી રેકોર્ડ કરી લીધું હતું. આ બહાને કિશોરદાની કરિયર પાટે ચડી જશે એવું પણ વિચાર્યું હતું. પણ પછી ખ્યાલ આવ્યો કે ‘તીન દેવિયાં’ તો હજુ બની રહી છે. એના પહેલાં ‘ગાઈડ’ રિલીઝ થશે. (એ વખતે એવો પ્લાન હતો, પણ છેવટે ‘ગાઈડ’ની રિલીઝ ૧૯૬૬ પર ઠેલાઈ અને એ પહેલાં, ૧૯૬૫માં ‘તીન દેવિયાં’ રિલીઝ થઈ ગઈ).

ગાતા રહે મેરા દિલ, તૂ હી મેરી મંઝિલ-ગીત ‘ગાઈડ’માં પાછળથી ઊમેરાયું

બીજું, ‘ગાઈડ’ની કમ્પેરિઝનમાં ‘તીન દેવિયાં’ ઘણી નાની ફિલ્મ છે. ‘ગાઈડે’ ખૂબ મોટો હાઈપ ઊભો કર્યો હતો. એટલે ‘ખ્વાબ’વાળું ગીત ખોવાઈ જશે. એને બદલે જો ‘ગાઈડ’માં જ કિશોર કુમાર(Kishore Kumar) પાસે ગીત ગવડાવ્યું હોત તો બધાને ઊડીને આંખે વળગે (કાને વળગે!) અને કિશોર કુમાર પાછા મેદાનમાં આવી જાય. દેવ આનંદે દિગ્દર્શકને (એટલે કે ભાઈને) વાત કરી. વિજય આનંદે તરત સિચ્યુએશન ઊભી કરી. સચિનદાએ એક ટ્યુન તૈયાર કરીને શૈલેન્દ્ર પાસે એમાં શબ્દો લખાવી દીધા. ‘સીએનએન – આઈબીએન ટીવી ચેનલને આપેલી એક મુલાકાત દરમ્યાન વહીદા રહેમાને કહ્યું હતું કે ગાઈડનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. એ પછી આ ગીત ઉમેરવામાં આવ્યું.

ગાતા રહે મેરા દિલ, તૂ હી મેરી મંઝિલ. લતાજી સાથેનું કિશોરદાનું આ ડ્યુએટ સંજીવનીની જેમ કિશોર કુમાર માટે સેકન્ડ ઈનિંગ્સ લઈને આવ્યું.

હવે જ્યારે પણ તમે ‘ગાઈડ’ જુઓ ત્યારે માર્ક કરજો કે આ ગીત ન હોત તો પણ ફિલ્મ સંપૂર્ણ જ હતી. પણ આ ગીતને કારણે સોનામાં સુગંધ ભળી છે એવું પણ તમને લાગશે. દેવ આનંદ અને સચિન દેવ બર્મનના કિશોર કુમાર-Kishore Kumar  પ્રત્યેના લગાવને કારણે આ ગીત સર્જાયું. કિશોરદાની કારકિર્દી તો પાટે ચડી જ ગઈ. એમના ચાહકોના જીવમાં પણ જીવ આવ્યો – અને કિશોરદાને, એમના અવાજને સંબોધીને આપણે સૌએ એમને કહ્યું: ઓ મેરે હમરાહી, મેરી બાંહ થામે ચલના. બદલે દુનિયા સારી, તુમ ના બદલના

આ પણ વાંચો- Panjab Kohrra TV Series –“તેનુ પતા પંજાબ દી ટ્રેજેડી કી એ?” 

Whatsapp share
facebook twitter