+

C. V. Sridhar-એક જ સેટ પર શૂટિંગ સાથે ૨૮ દિવસમાં ફિલ્મનું પેક-અપ

C. V. Sridhar-સી.વી.શ્રીધરે ૬૦ વર્ષ પહેલા રાજેન્દ્રકુમાર-મીના કુમારી–રાજ કુમારને લઈને બનાવેલી સાઉથની આ હિન્દી રિમેકમાં ‘ફિલ્મની વાર્તાનો સમયગાળો હતો માત્ર ૧૫ દિવસનો’ ‘પ્યાર કિયે જા’ અને ‘દિલ એક મંદિર’ ફિલમોદ્યોગમાં…

C. V. Sridhar-સી.વી.શ્રીધરે ૬૦ વર્ષ પહેલા રાજેન્દ્રકુમાર-મીના કુમારી–રાજ કુમારને લઈને બનાવેલી સાઉથની આ હિન્દી રિમેકમાં ‘ફિલ્મની વાર્તાનો સમયગાળો હતો માત્ર ૧૫ દિવસનો’

‘પ્યાર કિયે જા’ અને ‘દિલ એક મંદિર’

ફિલમોદ્યોગમાં ફિલ્મો બૉલીવુડની  અને સાઉથની એટલેકે દક્ષિણની એમ બે ભાગ પાડી શકાય. હિન્દી ફિલ્મો લોકભોગ્ય બની પણ પ્રાદેશિક ફિલ્મો ખાસ કરીને બંગાળી,મરાઠી અને એમાંય સાઉથની ફિલ્મો વધુ લોકપ્રિય થઈ. ત્યાં સુધી કે સાઉથના ફિલ્મ સ્ટારનો ક્રેઝ એ હદે રહ્યો છે કે જેમિની ગણેશન,એમ.જી.રામચંદ્રન. જય લલીતા જેવા કેટલાય કલાકારોને લોકો પૂજતા. એમજી રામચંદ્રન જેવા સ્ટારના મૃત્યુ પછી કેટલાય લોકોએ આત્મહત્યા કરેલી.

આજે વાત કરીએ સાઉથના મોટાગજાના ફિલ્મ દિગ્દર્શક સી. વી. શ્રીધર(C. V. Sridhar)ની જેમણે ‘દિલ એક મંદિર’ અને ‘પ્યાર કિયે જા’ જેવી લેન્ડ માર્ક ફિલ્મો આપી.

તમિળ અને તેલુગુ ભાષામાં ફિલ્મ બનાવનારા દિગ્દર્શક સી. વી. શ્રીધરે સાઉથના કેટલાક ચિત્રપટનું પુન: સંસ્કરણ (રિમેક) હિન્દીમાં કરી દર્શકોને ભાવનાત્મક અને કોમેડી ફિલ્મોની ભેટ આપી છે.

શ્રીધર મૂળ હતા  લેખક

આ ડિરેક્ટરનો હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ કેવી રીતે થયો એ વાત રોચક છે. ૧૮ વર્ષની ઉંમરે નાટ્ય લેખનથી અનેક લોકોને પ્રભાવિત કરનારા આ યુવાનને તમિળ ફિલ્મોમાં પટકથા અને સંવાદ લેખક તરીકે કામ બહુ જલદી મળી ગયું. ૧૯૫૪માં શ્રીધરની કલમથી અવતરેલી Ratha Prasam (લોહીની સગાઈ) ફિલ્મ રિલીઝ થઈ અને એને સારો આવકાર મળ્યો અને શ્રીધર માટે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરવાજા ફટાક કરી ખૂલી ગયા. સાઉથની એ સફળ ફિલ્મ પરથી અશોક કુમાર અને કિશોર કુમારને ચમકાવતી હિન્દી ફિલ્મ ભાઈ ભાઈ’ (ગીતા દત્તનું ‘અય દિલ મુજે બતા દે, તૂ કિસ પે આ ગયા હૈ, વો કૌન હૈ જો આકર ખ્વાબોં પે છા ગયા હૈ’ યાદ છેને?) બની, જેને ઠીક ઠીક સફળતા મળી.

લવ સ્ટોરી અને કોમેડીના અદભૂત સંમિશ્રણ પર કાબેલિયત  

૧૯૫૮માં શ્રીધર(C. V. Sridhar)ને ફિલ્મનું દિગ્દર્શન કરવાનો મોકો મળ્યો અને તમિળ – તેલુગુમાં રજૂ થયેલી ‘નઝરાના’ (૧૯૬૧ – રાજ કપૂર, વૈજયંતિમાલા અને ઉષા કિરણ) હિન્દીમાં શ્રીધરે ડિરેક્ટ કરેલી પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મથી શ્રીધરની આગામી ફિલ્મોનો ઢાંચો બંધાયો: લવ સ્ટોરી અને સાથે કોમેડીનો સબ પ્લોટ. ‘નઝરાના’નું મુકેશે ગાયેલું ‘એક વો ભી દિવાલી થી, એક યે ભી દિવાલી હૈ, ઉજડા હુઆ ગુલશન હૈ, રોતા હુઆ માલી હૈ’ આજે પણ સંગીત રસિયાઓના હૈયે સચવાયું છે. આ ફિલ્મ પણ દર્શકોને પસંદ પડી હોવાથી હિન્દીમાં વધુ ફિલ્મ બનાવવાની શ્રીધરની હિંમત ખૂલી.

દિલ એક મંદિર’નું મેકિંગ હિન્દી ફિલ્મઉદ્યોગની એક અનન્ય ઘટના  

૧૯૬૩માં આવી ‘દિલ એક મંદિર’ જેની કથા અને મેકિંગ હિન્દી ફિલ્મઉદ્યોગની એક અનન્ય ઘટના ગણાય છે. ફિલ્મ સાથે સંબંધિત પહેલી અને ઘણી મહત્ત્વની બાબત એ છે કે એ સમયના અત્યંત વ્યસ્ત એવા ત્રણ જાણીતા અદાકાર રાજેન્દ્રકુમાર- મીના કુમારી અને રાજ કુમાર ફિલ્મમાં હોવા છતાં અથથી ઇતિ – સમગ્ર શૂટિંગ માત્ર ૨૮ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

એક જ સેટ પર પૂરી ફિલ્મ

ફિલ્મ મેકિંગના ધોરણે બીજી રસપ્રદ અને સૌથી મહત્ત્વની વાત એ હતી કે એક બેકગ્રાઉન્ડ સોન્ગને બાદ કરતાં સમગ્ર ફિલ્મ એક જ સેટ પર શૂટ કરવામાં આવી હતી. આજથી ૬૦ વર્ષ પહેલા આવો અખતરો અનન્ય કહેવાય. આવી કોશિશને કારણે ફિલ્મના બજેટમાં ઘણી કરકસર શક્ય બને છે.

કથાનો સમયગાળો માત્ર પંદર દિવસ

અચરજ અને અજાયબી હજી બાકી છે. ફિલ્મની કથા શ્રીધરની પોતાની હતી અને અઢી કલાક લાંબી ફિલ્મની મુખ્ય વાર્તાનો સમયગાળો હતો માત્ર ૧૫ દિવસપટકથા કેવી ચુસ્ત હશે એનો અંદાજ બાંધવો મુશ્કેલ નથી.

રાજેન્દ્ર કુમાર અને મીના કુમારી જે પ્રકારની ભૂમિકા માટે જાણીતા હતા એવા જ એમનાં રોલ છે અને ‘વક્ત’ પહેલાના રાજ કુમાર ટિપિકલ ડાયલોગ ડિલિવરી (‘ચિનોય શેઠ:જિનકે ઘર શિશે કે હોં વો દૂસરોં કે ઘર પર પત્થર ફેંકા નહીં કરતે…!’ ) અને અનોખી ચાલ વગર પણ આ ફિલ્મમાં અભિનયથી પ્રભાવ પાડી જાય છે. આ ફિલ્મ માટે રાજકુમારને શ્રેષ્ઠ સહાયક ‘અભિનેતા’નો ‘ફિલ્મફેર’ એવોર્ડ એનાયત થયો હતો.

ફિલ્મના ગીત – સંગીત પણ લાજવાબ હતા. એક ગીતનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. શૈલેન્દ્રએ લખેલું ’જુહી કી કલી મેરી લાડલી, નાઝોં કી કલી મેરી લાડલી’ ગીત સાંભળતાં કોઈ પણ કદાચ ‘લતાદીદીએ કેવું સરસ ગાયું છે’ એવું બોલી ઊઠે,પણ જાણ સહજ, આ ગીત લતાજીએ નહીં, સુમન કલ્યાણપુરે ગાયું છે…!

આ ફિલ્મ બીજી ત્રણ ભાષામાં બની

હજુ એક મજેદાર વાત એ પણ છે કે શ્રીધરની તમિળ ફિલ્મની રિ-મેક માત્ર હિન્દીમાં જ નહીં, તેલુગુ-કન્નડ-મલયાલમ ભાષામાં પણ બની. સાઉથની એક ફિલ્મની ચાર ભાષામાં રિ-મેક…. એ સમયે તો આવું ભાગ્યે જ જોવા મળતું .

ફિલ્મ ઈતિહાસના અદભુત સીનની યાદીમાં -મહેમુદ અને ઑમ પ્રકાશની ભૂતકથા  

‘દિલ એક મંદિર’ પછી શ્રીધરે આઠેક હિન્દી ફિલ્મ બનાવી, જેમાં સૌથી નોંધપાત્ર હતી કોમેડી ફિલ્મ ‘પ્યાર કિયે જા’ (૧૯૬૬ – શશી કપૂર- કિશોર કુમાર) ફિલ્મમાં મહેમૂદ પિતાશ્રી ઓમ પ્રકાશને જે ‘ભૂત-કથા’ સંભળાવે છે એ સીન હિન્દી ફિલ્મ ઈતિહાસના અદભુત સીનની યાદીમાં વટથી બિરાજે છે.

અમિતાભ બચ્ચન અને જીતેન્દ્રને સાથે ચમકાવતી એકમાત્ર ફિલ્મ ‘ગેહરી ચાલ’ (૧૯૭૩)ના દિગ્દર્શક શ્રીધર જ હતા.

આ પણ વાંચો Bollywoodનાકોહિનૂર સમી અભિનેત્રી ઝોહરા સહગલની 112મી જન્મજયંતિ 

Whatsapp share
facebook twitter