+

શું શોધી રહ્યો છે માણસ ઈશ્વરમાં?

પ્રશ્ન એ નથી કે માણસને ઈશ્વરની શી જરૂર છે ? પ્રશ્ન એ પણ નથી કે માણસ શા માટે ઈશ્વરને શોધતો રહે છે? પ્રશ્ન તો એ પણ નથી કે ઈશ્વરની ખોજથી…

પ્રશ્ન એ નથી કે માણસને ઈશ્વરની શી જરૂર છે ? પ્રશ્ન એ પણ નથી કે માણસ શા માટે ઈશ્વરને શોધતો રહે છે?

પ્રશ્ન તો એ પણ નથી કે ઈશ્વરની ખોજથી માણસને શું મળી જવાનું છે.

પ્રશ્ન એ છે કે માણસ ઈશ્વરમાં શું ખોજે છે. પ્રશ્ન એ છે કે માણસ ઈશ્વરના નામે શું શોધે છે.

પ્રશ્ન એ નથી કે ઈશ્વર માણસ માટે કોયડો શા માટે છે. પ્રશ્ન એ પણ નથી કે ઈશ્વર નામની સમસ્યાનું સમાધાન શું છે.

પ્રશ્ન એ પણ નથી કે ઈશ્વર માણસથી સંતાતો કેમ ફરે છે.

શું શોધી રહ્યો છે માણસ ઈશ્વરમાં? આ જગત જો હયાત છે તો એને બનાવનારો કોઈ હોવો જ જોઈએ એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. માણસ જેવા કુતૂહલયુક્ત પ્રાણીને તો આવો પ્રશ્ન થાય જ પણ ઈશ્વરની ખોજ શું એટલી સામાન્ય પ્રશ્નના જવાબ માટે થતી હશે? પોતાને જે રહસ્યમય લાગે, ન સમજાય, સમજથી પરે હોય એ બધું ઓઢાડી દેવા માટે માણસે ઈશ્વરની કલ્પના કરી છે એવું કહેનારા પણ સાવ ખોટા તો નથી જ લાગતા, તર્કની દૃષ્ટિએ જોઈએ તો વાતમાં દમ લાગે છે. આ સૃષ્ટિમાં ઘણું ન સમજાય એવું બનતું હોય છે. જે પલ્લે ન પડે એ ઈશ્વર કૃત અથવા ઈશ્વર પોતે. પણ જે સમજાઈ ગયું છે એ પણ પૂરું સમજાયું છે ખરું? ઈશ્વર માત્ર કલ્પના જ હોય તો એ કલ્પના દરેક મનુષ્યને શા માટે સતાવે છે?

ઈશ્વર એટલે પ્રજ્ઞા

બ્રહ્માંડની રચના અદ્ભુત છે. એના એક-એક કણની ગોઠવણ નિયમ મુજબ થઈ છે. આટલું કૉમ્પ્લેક્સ બ્રહ્માંડ બનાવનાર કોઈ સર્જનહાર, કોઈ સ્થપતિ હોવો જોઈએ જે મહાબુદ્ધિમાન હોય. કૃષ્ણના શબ્દોમાં કહીએ તો મહાપ્રાજ્ઞ હોય. આ મહાપ્રાજ્ઞ એટલે ઈશ્વર?

ઘણા લોકો આવું કહે છે. ઈશ્વર એટલે બુદ્ધિ એવું તેઓ કહે છે. ઈશ્વર એટલે પ્રજ્ઞા. બ્રહ્માંડમાં રહેલી બુદ્ધિ એટલે ઈશ્વર. આવું કહેનારાઓ આજના જમાના પહેલાં જન્મી અને મરી ગયા નહીંતર તેમને ભયંકર આંચકો લાગ્યો હોત. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, એઆઇ અત્યારે પ્રાજ્ઞ છે. એ મહાપ્રાજ્ઞ બનશે, પછી અતિપ્રાજ્ઞ બનશે, પછી સર્વપ્રાજ્ઞ બનશે અને પછી પરમપ્રાજ્ઞ બનશે, ઑમ્ની ઇન્ટેલિજન્સ બનશે. ત્યારે માત્ર બુદ્ધિ જ હશે, અન્ય કશું નહીં. સ્કારલેટ જોહાનસનની એક ફિલ્મ છે, લુસી. આ ફિલ્મમાં લુસીને સાયકેડેલિક ડ્રગ્સ આપવામાં આવે છે. આ નશાકારક ડ્રગ એવું છે કે એનાથી મગજની કામ કરવાની શક્તિ વધી જાય. વિશ્વમાં એક એવી સામાન્ય માન્યતા છે કે, માણસ પોતાના મગજની શક્તિનો માત્ર દસ જ ટકા ઉપયોગ કરે છે. આ ફિલ્મમાં પણ એ માન્યતાના પાયા પર જ વાર્તા છે જેમાં પેલા ડ્રગને કારણે લુસીના મનની શક્તિ વધતી જાય છે. ફિલ્મમાં જે બને છે એની સાથે આપણે લેવાદેવા નથી, ફિલ્મનો અંત મહત્ત્વનો છે. અંતે લુસી એટલી વધુ માત્રામાં ડ્રગ લે છે કે તેનું મગજ સો ટકાની શક્તિથી કામ કરવા માંડે છે. ત્યારે શું થયું હશે? જ્યારે સો ટકાની મૅક્સિમમ કૅપેસિટી પર તેનું મગજ કામ કરવા માંડે ત્યારે એ માત્ર ઇન્ટેલિજન્સ, બુદ્ધિ, પ્રજ્ઞા બની જાય છે, શરીર રહેતું નથી છતાં લુસી હોય છે. બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈને અત્યાર સુધીનું તમામ જ્ઞાન તેને આપમેળે થઈ જાય છે. તે સર્વજ્ઞ અને સર્વવ્યાપી બની જાય છે. ઈશ્વર પ્રજ્ઞામાત્ર છે એવું કહેનારાઓ પૂર્ણપણે સાચા હશે? ઈશ્વર નામની થિયરી એનાથી સ્પષ્ટ થઈ જાય છે? કોયડો ઉકેલાઈ જાય છે? ના. ઉકેલની નજીક હોવાનો આભાસ જરૂર કરાવે છે પણ એ ઉકેલ પ્રતીત થતો નથી.

માણસ ઈશ્વરમાં જીવનનો અર્થ શોધી રહ્યો છે?

વિક્ટર ફ્રેન્કલનું એક પુસ્તક છે, મેન્સ સર્ચ ફૉર મીનિંગ : આ પુસ્તકમાં ફ્રેન્કલે એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે માણસ જીવનનો અર્થ શોધવા સતત સંઘર્ષરત રહે છે. માણસને કશું પણ કરવાનું મોટિવેશન પૂરું પાડનાર તાકાત કશુંક સાર્થક, કશુંક મહત્ત્વપૂર્ણ તત્ત્વ શોધી કાઢવાની ઇચ્છા છે. ઈશ્વરની શોધ પણ અર્થ શોધવાની મનુષ્યની ઇચ્છા માત્ર છે એવું ફ્રેન્કલનું કહેવું છે. વાત સાર્થક લાગે છે. ગળે ઊતરી જાય એવી પણ છે. પરંતુ, પરંતુ, પરંતુ. અર્થ શોધવાની વાત ઓપન એન્ડેડ છે. એના અનેક અર્થ કરી શકાય, જેને જેવો સમજાય એવો અર્થ કાઢી શકાય. આને લીધે જ માનવાનું મન થાય એવી આ થિયરી છે. પણ માણસની ઈશ્વર પાછળની દોટ અર્થને પાછળ રાખી દે છે, બન્ને અર્થમાં.
આત્મા જ પરમાત્માની ખોજ માટે તડપતો રહે છે

પ્રશ્ન તો એ પણ છે કે ઈશ્વરની ખોજ માણસમાં ઇનબિલ્ટ કેમ હોય છે? શું ઈશ્વરની શોધ માણસના ડીએનએમાં વણાયેલી છે? કે પછી માણસના આત્મામાં જ પ્રસરેલી છે? કે પછી આત્મા જ પરમાત્માની ખોજ માટે તડપતો રહે છે? કંઈક તો એવું છે જેને લીધે દરેક ધર્મના, દરેક સંસ્કૃતિના માણસને દરેક યુગમાં ઈશ્વરને શોધવાની ઇચ્છા થતી જ રહે છે. ઈશ્વરની એ ખોજમાં ધર્મ ભળ્યો.

મૂળે તો ધર્મ કદાચ સામાજિક નિયમો માત્ર હતો, બધી જ સંસ્કૃતિમાં, ધર્મ વિશેના ઉલ્લેખો જોઈએ તો સમજાય કે સમાજ બદલ્યો તેમ ધર્મ પણ બદલાયો, શ્વેતકેતુનું ઉદાહરણ જોતાં એ સમજાશે. શ્વેતકેતુના સમયમાં કોઈ પણ સ્ત્રી સાથે કોઈ પણ પુરુષ સમાગમ કરી શકતો અને એમાં સ્ત્રીનો પતિ તેને રોકી શકતો નહીં, કથા મુજબ એક પરિવ્રાજક આવીને શ્વેતકેતુ તથા તેના પિતાની હાજરીમાં તેની માતાનો હાથ પકડીને સમાગમ માટે લઈ જવા લાગ્યો. શ્વેતકેતુને આ જોઈને ગુસ્સો આવ્યો. તેણે તેમના પિતાને કહ્યું કે ‘તમે આવું કઈ રીતે થવા દઈ શકો?’ ત્યારે પિતાએ જવાબ આપ્યો કે ‘આ જ ધર્મ છે. સ્ત્રીઓ ગાયની જેમ સ્વતંત્ર છે, તેની સાથે કોઈ પણ સમાગમ કરે તેને રોકી શકાય નહીં.’ શ્વેતકેતુએ તે પછી લગ્ન વિશેના નિયમો બનાવ્યા જે આજ સુધી ચાલે છે. શ્વેતકેતુ પહેલાં નિયમ અલગ હતા, પછી નિયમ અલગ છે. મહાભારત વખતે એવો નિયમ હતો કે કોઈ જુગાર રમવા માટે આમંત્રણ આપે તો જવું જ પડે.

Silhouette of human hand with open palm praying to god at sunset background

યુધિષ્ઠિર એટલે જ જૂગટું રમવા ગયા હતા. તેમણે પણ એવું જ કહ્યું હતું કે ‘આ જ ધર્મ છે.’ બહુ શરૂઆતના સમયમાં ધર્મ માત્ર સામાજિક નિયમોની સંહિતા જ હતી, ઈશ્વરની ખોજ એમાં ભળી એટલે ધર્મનું સ્વરૂપ બદલાઈ ગયું. ધર્મની સાથે અધ્યાત્મ જોડાયું અને એનાથી જે ભયંકર ગોટાળો પેદા થયો એમાંથી માનવી હજી બહાર નીકળી શક્યો નથી. ધર્મ અને ઈશ્વરની એવી ભેળસેળ થઈ ગઈ છે કે ઈશ્વરની શોધ માટે ધર્મ જ એકમાત્ર રસ્તો હોય એવું નિશ્ચિત થઈ ગયું. વાસ્તવમાં આજના ધર્મ (સંપ્રદાય. સંપ્રદાયને જ અત્યારે ધર્મ ગણી લેવામાં આવે છેને!)નો રસ્તો ઈશ્વર સુધી તો નહીં, ઈશ્વર તરફ પણ જતો નથી. ઈશ્વરથી વિરુદ્ધ દિશામાં જાય છે. કોઈ ધર્મમાં નહીં માનનાર માણસ ઈશ્વરને ન મેળવી શકે? ધર્મમાં નહીં માનનારા આસ્તિક ન હોઈ શકે? ઈશ્વરને પામવા માટે ધર્મનું અવલંબન હોવું અનિવાર્ય છે? ઈશ્વર પર શ્રદ્ધા હોવી પૂરતું નથી? ઈશ્વરને મેળવવાની ઇચ્છા ધર્મની મોહતાજ છે?

માણસ ઈશ્વરમાં પોતાને શોધી રહ્યો છે?

જાતને જાણી જાઓ, ઈશ્વરને ઓળખી જશો એવું કહેનારાઓનું માનીએ તો માણસ ઈશ્વરમાં પોતાની જાતને જ ગોતી રહ્યો છે. પણ જાતને જ ખોળવી હોય તો ઈશ્વરના અવલંબનની શી જરૂર? સ્વ કરતાં ઈશ્વર વધુ ગહન છે. જાતને જાણી જવાથી ઈશ્વરને ખોળવાનો રસ્તો ચોક્કસ મળી જાય, ઈશ્વર ન મળે. ઈશ્વર વિશેની જેટલી થિયરી બાબતે વિચારશો એ દરેક અધૂરી લાગશે. દરેકમાં કશુંક સત્ય પણ ભાસશે અને ઊણપ પણ દેખાશે.

વાસ્તવમાં યુગોથી ઈશ્વરને શોધતા રહેલા માણસને સ્પષ્ટતા જ નથી કે તે ઈશ્વરમાં શું શોધી રહ્યો છે અને આ અસમંજસ જ મુખ્ય મુદ્દો છે. ઈશ્વરની ખોજ માટેનાં અનેક કારણો માણસ પાસે છે પણ કોઈ એક કારણ પર તે સ્થિર થઈ શકતો નથી. માણસ એ અસમંજસનો જવાબ શોધી રહ્યો છે ઈશ્વરમાં. જેને જવાબ મળી જાય છે તે એને યોગ્ય રીતે વર્ણવી શકતો નથી, કારણ કે એ જવાબ અનુભૂતિરૂપે મળે છે, ભાષારૂપે નહીં. અનુભૂતિને શબ્દોમાં યથાતથ ઢાળવી સંભવ નથી. એટલે પામી ગયેલા પાસેથી પણ પૂરો જવાબ મળતો નથી. જો પૂરો જવાબ મળી જઈ શકે એટલો સહેલો ઈશ્વર હોય તો એ ઈશ્વર ન હોય.

Whatsapp share
facebook twitter