+

Adoration-શ્રીકૃષ્ણની ભક્તિ કરવી એ કોઈ કાચાપોચાનું કામ નથી

Adoration-સાચા કૃષ્ણ કયા, આરાધ્ય કૃષ્ણ કયા, રિલેવન્ટ કૃષ્ણ કયા? Adoration-ભક્તિ એટલે વેવલાવેડા નહીં પણ ભક્તિ એટલે સંપૂર્ણ શ્રદ્ધાનું આરોપણ. ભક્તિ એટલે લાલાને જમાડવો, ઝુલાવવો, સુવડાવવો નહીં પણ ભક્તિ એટલે નિરાકાર…

Adoration-સાચા કૃષ્ણ કયા, આરાધ્ય કૃષ્ણ કયા, રિલેવન્ટ કૃષ્ણ કયા?

Adoration-ભક્તિ એટલે વેવલાવેડા નહીં પણ ભક્તિ એટલે સંપૂર્ણ શ્રદ્ધાનું આરોપણ. ભક્તિ એટલે લાલાને જમાડવો, ઝુલાવવો, સુવડાવવો નહીં પણ ભક્તિ એટલે નિરાકાર બ્રહ્મની શક્તિને શરણે જઈ એ શક્તિ પર અખંડ ભરોસો રાખવો. કૃષ્ણનું ભજન કરવું એટલે મજીરાં લઈને મંડી પડવું એવું નહીં પણ કૃષ્ણ રાજી થાય એવી પ્રવૃત્તિઓમાં ધ્યાન પરોવવું.

ભગવાન ક્યારે રાજી થાય? તમારાં દીવા – આરતીથી? તમે ધરાવેલા પ્રસાદથી? ના. માનસિક, બૌદ્ધિક, શારીરિક રીતે તમે એને ગમે એવાં કામોમાં લીન રહો એનાથી એ પ્રસન્ન થાય.

ગીતાના બારમા અધ્યાય-ભક્તિયોગનું ખોટું ઈન્ટરપ્રીટેશન

ગીતાના બારમા અધ્યાય નામે ભક્તિયોગનું ખોટું ઈન્ટરપ્રીટેશન કરીને ભક્તિ એટલે વેવલાવેડા એવું સ્થાપિત કરવામાં આવ્યું. ગાંધીજીએ પણ નોંધવું પડ્યું કે, ‘લૌક્કિ કલ્પનામાં ભક્ત એટલે વેવલો, માળા લઈને જપ જપનાર, સેવાકર્મ કરતાં પણ તેની માળામાં વિક્ષેપ આવે, તેથી તે ખાવાપીવા વગેરે ભોગ ભોગવવાને સમયે જ માળાને હાથમાંથી મૂકે, ઘંટી ચલાવવાને સારું કે દરદીની સારવાર કરવાને સારું કદી નહીં.’ (‘અનાસક્તિયોગ’ની પ્રસ્તાવનામાં).

તમારા ભગવાન છે, કંઈ તમારું લફડું કરવાનું બહાનું નથી

Adoration-ભક્તિના ખોટા અર્થઘટનની સાથોસાથ રાધા અને રુક્મણી અને દ્રૌપદી અને રાસલીલાવાળા કૃષ્ણ પણ જનમાનસમાં છવાઈ ગયા. કૃષ્ણ કંઈ તમારી ખાનગી ફૅન્ટસીઓની પરિપૂર્તિ કરવા માટે નથી. કૃષ્ણનો પ્રેમ, કૃષ્ણની કાળજી અને કૃષ્ણની મૈત્રીનાં ખોટાં અર્થઘટનો કરી કરીને એક આખી ઈન્ડસ્ટ્રી ઊભી થઈ છે જે આ બધાં સ્ત્રીપાત્રો તથા લીલાઓનાં નામે પર્સનલ ફૅન્ટસીઓને સંતોષે છે.

ધર્મનો ધંધો થાય છે આવી વાતો દ્વારા. જે સ્ત્રીઓને પતિ ઉપરાંત એક બૉયફ્રેન્ડ પણ જોઈતો હોય તો એ રાખે, એની અંગત ચૉઈસ છે, એ એનો અંગત મામલો છે. પણ દ્રૌપદીના સખા શ્રીકૃષ્ણ હતા એવી આડશ હેઠળ આવી ફૅન્ટસીઓને ના પોષે કે પોતાના એવા વ્યવહારોને જસ્ટિફાય ના કરે. આ તમારા ભગવાન છે, કંઈ તમારું લફડું નથી. જરા તો સમજીએ અને મર્યાદા રાખીએ.

Adoration-પ્રવૃત્તિમાં શાંતિ અને શાંતિમાં પ્રવૃત્તિ એ જ કર્મયોગ

સ્વામી વિવેકાનંદે ‘ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ ગીતા’ નામની પુસ્તિકામાં શું કહ્યું તે જોઈએ. સ્વામી વિવેકાનંદ કર્મ અને અકર્મને લગતા ચોથા અધ્યાયના ૧૮મા શ્ર્લોકનું મૌલિક અર્થઘટન કરતાં કહે છે: ‘અત્યંત પ્રવૃત્તિમાં જે મનુષ્ય અત્યંત શાંતિ મેળવી શકે છે અને અત્યંત શાંતિમાં જે મનુષ્ય પ્રવૃત્તિ કરી શકે છે તે જ યોગી છે.’

ગાંધીજીએ તો ‘અનાસક્તિયોગ’ની પ્રસ્તાવનામાં લખ્યું જ છે કે: ‘… ગીતાનો મોક્ષ એટલે પરમ શાન્તિ.

મોક્ષ કોઈ હવે પછીના જન્મમાં મેળવવાની ચીજ નથી અને શાંતિ એટલે? શાંતિ એટલે બધી પળોજણમાંથી મુક્તિ એવું દુનિયા માને છે.

હકીકતમાં તો તમને તમારી જાત સાથે, તમે જે કંઈ કરી રહ્યા હો એ કામ સાથે, તમારામાં રહેલા વિચારો સાથે સંતોષ પ્રાપ્ત થતો હોય તો ગમે એવા ટેન્શનમાં, ગમે એવી અંધાધૂંધીમાં પણ તમે શાંતિ અનુભવી શકો છો. શાંતિ કંઈ પગ પર પગ ચડાવીને દિમાગને ફુરસદ પમાડવાની ક્ષણો સર્જાય ત્યારે નથી આવતી. શાંતિ તમારા તમામ સંઘર્ષો સાથે લડતાં લડતાં, એનું પરિણામ ભગવાનના હાથોમાં સોંપી દેવાથી સર્જાય છે.

શ્રીકૃષ્ણ અદ્ભુતમાં અદ્ભુત સંન્યાસી હતા તો  અદ્ભુતમાં અદ્ભુત ગૃહસ્થાશ્રમી પણ

સ્વામી વિવેકાનંદ કહે છે કે શ્રીકૃષ્ણ એક સાથે અદ્ભુતમાં અદ્ભુત સંન્યાસી હતા તેમ અદ્ભુતમાં અદ્ભુત ગૃહસ્થાશ્રમી પણ હતા. એમનામાં અતિ અદ્ભુત પ્રમાણમાં રજસ્ શક્તિ હતી અને સાથોસાથ તેઓ અતિ અદ્ભુત ત્યાગમય જીવન જીવતા હતા. જ્યાં સુધી તમે ગીતાનો અભ્યાસ ન કરો ત્યાં સુધી કૃષ્ણને સમજી શકશો નહીં.

દુર્બળતા અને નામર્દાઈ એ ક્ષમા કે ત્યાગ નથી

સ્વામી વિવેકાનંદે સાન ફ્રાન્સિસ્કોમાં ૨૮ મે, ૧૯૦૦ના દિવસે આપેલા ભાષણના આ શબ્દો પણ પુસ્તિકામાં છે: ‘આ જગતમાં આપણા સૌના માટે જીવન એ સતત યુદ્ધ છે… ઘણી વખત એવો પ્રસંગ ઊભો થાય છે જ્યારે આપણી દુર્બળતા અને નામર્દાઈને આપણે ક્ષમા અને ત્યાગ તરીકે વટાવીએ છીએ.

ભિખારીના ત્યાગની કોઈ કિંમત નથી. સામો પ્રહાર કરી શકે તેવી વ્યક્તિ સહન કરી લે તો જ તેની કિંમત છે; સંપત્તિવાન વ્યક્તિ જો ત્યાગ કરે તો તેનું મૂલ્ય છે. આપણે જાણીએ છીએ કે આળસ અને નામર્દાઈને લીધે ઘણી વાર આપણે જીવનસંગ્રામનો ત્યાગ કરીએ છીએ, અમે બહાદુર છીએ – એવી માન્યતાથી આપણા મનને મનાવી લેવા પ્રયાસ કરીએ છીએ. (એટલે જ) આ અર્થપૂર્ણ શ્લોકથી ગીતાની શરૂઆત થાય છે: ‘હે અર્જુન, ઊભો થા! આ હૃદયની દીનતા, આ નિર્બળતા છોડી દે! ઊભો થા અને યુદ્ધ કર’ (૨:૩).

સ્વામી વિવેકાનંદ કહે છે: ‘શ્રીકૃષ્ણ પરણેલા હતા. એમના વિશે હજારો પુસ્તકો લખાયેલાં છે. મને તેમાં ઝાઝો રસ નથી. તમે જાણો છો કે હિંદુઓ વાર્તાઓ કહેવામાં ઘણા કુશળ છે. જો ખ્રિસ્તી મિશનરીઓ એમના બાઈબલમાંથી એક વાર્તા કહે તો હિંદુઓ વીસ વાર્તાઓ સામી ટાંકે. તમે કહો છો કે વહેલ માછલી જોનાહને ગળી ગઈ; હિંદુઓ કહે છે કે કોઈક હાથીને ગળી ગયું…’ અને સ્વામી વિવેકાનંદ જે કહેવા માગે છે તે બિટ્વીન ધ લાઈન્સ છે. સાચા શ્રીકૃષ્ણ કયા, કયા શ્રીકૃષ્ણ તમારા આરાધ્ય દેવ હોવા જોઈએ અને કયા શ્રીકૃષ્ણ તમારા માટે રિલેવન્ટ છે? આ બધાના જવાબ તેઓ આપે છે:

કૃષ્ણ સાથે દંતકથાઓ જોડાઈ ગઈ 

વિવેકાનંદ કહે છે  ‘બાળક હતો ત્યારથી હું શ્રીકૃષ્ણના જીવન વિશે સાંભળતો આવ્યો છું. શ્રીકૃષ્ણ નામની કોઈ વ્યક્તિ થઈ ગઈ છે એ હું સ્વીકારી લઉં છું; એમની ગીતા દર્શાવે છે કે એ પોતાની પાછળ એક અદ્ભુત ગ્રંથ મૂકી ગયા છે. મેં તમને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાથે ગૂંથાયેલી દંતકથાઓનું પૃથક્કરણ કરવાથી તે વ્યક્તિને તમે સમજી શકો. દંતકથાઓ તો શોભારૂપ છે. તમે જોશો કે જીવનચરિત્ર સામે સુસંગત થાય તેવી રીતે દંતકથાઓ સુધારીને રજૂ કરવામાં આવે છે.’

હજુ પણ જો થોડી ઘણી અવઢવ હોય તો સ્વામી વિવેકાનંદ ફોડ પાડીને કહે છે:

‘… તમે આ બધી કથાઓનો વિચાર કરીને તેમાંનો સાર કાઢો છો; પછી જાણો છો કે એ વ્યક્તિના ચરિત્રનો મુખ્ય મુદ્દો કયો છે. તમે જોશો કે શ્રીકૃષ્ણના જીવનનો મધ્યવર્તી વિચાર છે અનાસક્તિ. એને કશાની જરૂર નથી; એને કશાની આકાંક્ષા નથી. એ કર્મની ખાતર કર્મ કરે છે. કર્મ ખાતર કર્મ કરો, ઉપાસના ખાતર ઉપાસના કરો, સત્કર્મ કરવું તે સારું છે માટે સત્કર્મ કરો, વધારે કંઈ માગો નહીં – આ જ શ્રીકૃષ્ણનું ચરિત્ર હોવું જોઈએ.’

જીવનની દરેક ક્ષણ કર્મથી ભરેલી

‘હું જાણું છું ત્યાં સુધી શ્રીકૃષ્ણ સૌથી વિશેષ સંપૂર્ણ ચારિત્ર્યવાળા હતા. બુદ્ધિ, હૃદય અને કર્મ એમનામાં સમાન રીતે અદ્ભુત વિકાસ પામેલાં હતાં. એમના જીવનની દરેક ક્ષણ કર્મથી ભરેલી છે. એ કર્મ કાં તો ગૃહસ્થ તરીકે, કાં યોદ્ધા તરીકે, કાં મંત્રી તરીકે કે પછી બીજા કંઈ રૂપમાં હોય છે. ગૃહસ્થ તરીકે, વિદ્વાન તરીકે, કવિ તરીકે એ મહાન છે. ગીતા અને અન્ય ગ્રંથોમાં એમની આ બધી જાતની અદ્ભુત કર્મશીલતા અને બુદ્ધિ તથા હૃદયનો સુમેળ આપણને જોવા મળે છે. આ પુરુષની જબ્બર કર્મશીલતાની છાપ હજુ પણ આપણા ઉપર છે.’

કૃષ્ણની અવધારણા કઇ?

અમિતાભનો ‘શોલે’વાળો રોલ પણ ગમે ને ‘દીવાર’વાળો પણ ગમે ને ‘અમર-અકબર-એન્થની’વાળો પણ ગમે ને ‘ડૉન’વાળો પણ ગમે એવું ભગવાનની બાબતમાં ન હોય. ભગવાનની એક છબિ હૃદયમાં અંકાઈ જાય અને પછી જીવનની દરેક પળે એ છબિ તમને પ્રેરણા આપતી રહે, તમારો હાથ ઝાલતી રહે, તમારી પીઠ પસવારતી રહે, તમારું માર્ગદર્શન કરતી રહે, તમારી રક્ષા કરતી રહે.

ઈટ ઈઝ ઍન્ટાયરલી અપ ટુ યુ કે તમારે તમારા હૃદયમાં કયા શ્રીકૃષ્ણની છબિ સંઘરવી છે?

પ્રૌઢાઓ અને ડોશીઓ જેને ઝૂલે ઝુલાવતાં થાકતી નથી એ લાલાની? કે પછી સતત ફૅન્ટસીમાં રાચતી અને કલ્પનાની ભીનાશમાં ભીંજાઈ જતી પોતાને રાધા કે દ્રૌપદી માનતી અને કૃષ્ણને પોતાના ‘સખા’ (યુ નો વૉટ આય મીન) માનતી સ્ત્રીઓના મનમાં જે છે તે રાસલીલાવાળા કૃષ્ણની? કે પછી ગીતાકાર શ્રીકૃષ્ણની? જે પ્રતાપી છે, વ્યવહારું પણ છે અને આદર્શવાદી પણ છે, જેમનામાં કરુણતા છે અને દૃઢતા પણ છે. જેમનામાં જ્ઞાન, સમજણ અને ડહાપણનો ભંડાર છે અને જેમનામાં આ સંસારનાં તમામ સુખ માણવાની, તમામ કષ્ટ સહન કરવાની ક્ષમતા છે, એવું સામર્થ્ય છે.

શ્રીકૃષ્ણની ભક્તિ (Adoration) કરવી એ કોઈ કાચાપોચાનું કામ નથી

શ્રીકૃષ્ણની ભક્તિ કરવી એ કોઈ કાચાપોચાનું કામ નથી, વેવલાઓનું કામ નથી. જેમનામાં શૌર્ય નથી, ખમીર નથી ને સાહસિક બનીને કામ કરવાની વૃત્તિ નથી તેઓ તમને કૃષ્ણની બાળલીલા – રાસલીલામાં રચ્યાપચ્યા રહેવાની પ્રેરણા આપતા રહે છે. ઓરિજિનલ જે કૃષ્ણ છે તે મહાભારતના કૃષ્ણ છે, ગીતાકાર કૃષ્ણ છે. એ પછી હજારો વર્ષ બાદ કૃષ્ણના જીવનચરિત્રમાં અસંખ્ય આડકથા વણાઈ – પુરાણોના જમાનામાં પણ જનમાનસમાં આ પુરાણોની સ્વછંદ કૃષ્ણ કથાઓ જડાઈ ગઈ, મૂળ પુરુષ ભુલાઈ ગયા.

આ પણ વાંચો- Hanuman-જગતમાં એક જ જનમ્યો રે કે જેણે રામને ઋણી રાખ્યા 

Whatsapp share
facebook twitter