+

Hey Jagannath-રથયાત્રા નિમિત્તે એક પ્રાર્થના

Hey Jagannath,હે ઈશ્વર, જ્યારે પણ તારા પ્રત્યેની શ્રદ્ધાની પરાકાષ્ઠામાં કોઈ ચોક્કસ પરિસ્થિતિની અપેક્ષા રાખું તો તેને કેમ નકારવામાં આવે છે, તેની મને સમજ નથી પડતી. અમારી આસ્થાને ચોટ કેમ પહોંચાડે…

Hey Jagannath,હે ઈશ્વર, જ્યારે પણ તારા પ્રત્યેની શ્રદ્ધાની પરાકાષ્ઠામાં કોઈ ચોક્કસ પરિસ્થિતિની અપેક્ષા રાખું તો તેને કેમ નકારવામાં આવે છે, તેની મને સમજ નથી પડતી.

અમારી આસ્થાને ચોટ કેમ પહોંચાડે છે ?

 જો મને તારા કોઈ સ્વરૂપ વિશેષ માટે વધારે ભાવ હોય, તારા અસ્તિત્વ સાથે સંકળાયેલ કોઈ સ્થાન વિશેષ માટે લગાવ હોય, તારી સાથે સંકળાયેલ ભક્તિની કોઈ એક બાબત માટે વધુ આસ્થા હોય, તો તે મુજબની પરિસ્થિતિ સર્જાય તેમાં લોકો વિઘ્નો કેમ ઊભા કરે છે. Hey Jagannath , મને સમજાતું નથી કે પોતાની આસ્થાને આક્રમકતા સહિતની દ્રઢતાથી વળગી રહેનાર અન્યની આસ્થા માટે પ્રતિકૂળ સંજોગો કેમ ઊભા કરે છે – અન્યની આસ્થાને ચોટ કેમ પહોંચાડે છે.

હે ઈશ્વર, એક દલીલ એવી કરવામાં આવે છે કે, સર્વનો ઈશ્વર સર્વત્ર છે. સનાતની સંસ્કૃતિમાં તો કહેવામાં આવે છે કે કણ કણમાં ઈશ્વરનો વાસ છે. તો પછી પ્રશ્ન પુછાય એ સ્વાભાવિક છે કે અમુક સ્થાન માટે આગ્રહ કેમ.

પથ્થરની મૂર્તિ નથી તું,આસ્થા છે અમારી 

હે ઈશ્વર, હું તો એમ સમજ્યો છું કે, તસવીરની વાત કરીએ તો, મૂળમાં તો એ કાગળ જ છે. તેના પર જ્યારે ચોક્કસ છબી અંકિત થાય ત્યારે તે કાગળ સાથે ભાવના જોડાય, શ્રદ્ધા જોડાય, તે સાથે સમર્પણનો ભાવ જોડાય. મૂર્તિ તો પથ્થરમાંથી જ બનાવવામાં આવે છે. પણ એકવાર તે પથ્થરને સાકાર સ્વરૂપે રહેલા નિરાકારનો આકાર અપાય, શાસ્ત્રોક્ત રીતે પ્રાણ-પ્રતિષ્ઠા થાય, પછી તે પથ્થર ઈશ્વરનો પ્રતિનિધિ બને છે.

પૃથ્વી પરનું પ્રત્યેક સ્થાન એક જમીનનો ટુકડો માત્ર જ છે. પણ તેની સાથે જ્યારે ધાર્મિક ઇતિહાસ જોડાય, ઈશ્વરની કોઈ ગાથા સંકળાય, તથ્યોને આધારે શ્રદ્ધાનાં સમીકરણો સ્થપાય, જન-સમુદાયની આધ્યાત્મિક લાગણીઓ પ્રતિબિંબિત થાય, ત્યારે તે ભૂખંડ સમગ્ર બ્રહ્માંડનો એક અતિ-વિશેષ ભૂખંડ બની રહે. કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ આ ભૂખંડ સાથે સંકળાયેલ ભાવનાઓ સાથે ક્રૂરતા ન અપનાવી શકે. હે ઈશ્વર, સંવેદનશીલ વ્યક્તિઓનો આ અવકાશ ક્યાંથી.

તારી વગાડેલી વાંસળીનો સ્પર્શ જોઈએ

હે ઈશ્વર, મારે તો તારી વગાડેલી વાંસળીનો સ્પર્શ જોઈએ છે, અને તે વાંસળીના સ્વર તારી પાસેથી સાંભળવા છે. હે ઈશ્વર, મારે તો તારા કેશ-ગુચ્છમાં સ્થાન પામેલ મોરપીંછ જોઈએ છે. હે ઈશ્વર મારે તો તે જે મટકી ફોડી છે એની નાની ઠીકરી જોઈએ છે.

મારે તો ઉધ્ધવની જેમ વૃંદાવનની રમણરેતીમાં આળોટવું છે 

હે માધવ, મારે તો તે જ્યાં લીલા સ્વરૂપે પ્રથમ શ્વાસ લીધો હતો તે ભૂમિની રજને માથે ચઢાવવી છે.

એ ઈશ્વર, ત્યાં જઈ, મથુરાના તારા બાળપણની લીલાની ઝાંકી મારા માનસપટ પર મેળવીશ. જો કોઈ રોકશે તો તેમને વિનંતી કરીશ, જણાવીશ કે અહીં મારી અને મારા જેવા અનેકની શ્રદ્ધા બિરાજમાન છે. જો કોઈ અડચણ ઊભી કરશે તો સમજાવટથી, વિનંતીથી તે સ્થાન સાથે જોડાયેલી મારી અને મારા જેવા અનેકની આસ્થાની દ્રઢતા જણાવીશ. શ્રદ્ધાની બહારના દાયરામાં તર્કબદ્ધ દલીલની જરૂર પડે તો તે પણ નમ્રતાપૂર્વક ઉગ્રતાથી પ્રસ્તુત કરીશ.

અહીં મારા કાનુડાએ પોતાના દૈહિક માવતર પર પ્રથમ નજર નાખી હતી તે વાત વારંવાર જણાવીશ, અને ફરીથી વારંવાર જણાવીશ. જણાવ્યા જ કરીશ. હે ઈશ્વર, જે વ્યક્તિ શ્રદ્ધા અને આસ્થાનું મહત્ત્વ સમજતી હશે તે તો મારી ભાવનાની કદર કરશે જ. તેમની પણ કોઈક આસ્થા હશે, તેમની પણ ક્યાંક શ્રદ્ધા હશે – અને Hey Jagannath,હે ઈશ્વર, તેનું મહત્ત્વ પણ તેઓ સમજતા જ હશે.

હે ઈશ્વર, ત્યાંથી આપણે બંને સાથે મહાદેવની ભૂમિ પર આવીશું. જો તું સહાય કરીશ તો, જ્યાં મહાદેવે મા પાર્વતીને જ્ઞાન આપેલું તે સ્થાન પર બેસીને તે જ જ્ઞાન ફરીથી મહાદેવ પાસેથી પ્રાપ્ત કરીશું.

મહાદેવને પ્રસન્ન કરવા અધિષ્ઠાન આદરીશું

હે માધવ, જો મહાદેવ જ્ઞાનની પ્રસાદી આપવા પ્રત્યક્ષ ન થાય તો મહાદેવને પ્રસન્ન કરવા અધિષ્ઠાન આદરીશું, તેમની ભાવાત્મક તૃપ્તિ સુધી અભિષેક અને બિલ્વાર્પણ કરીશું, સતત રૂદ્રી પાઠ કરીશું, ૐ નમ: શિવાયના નિરંતર જાપની વ્યવસ્થા કરીશું; મહાદેવ ભોળાનાથ છે તેથી કૃપા તો કરશે જ. મહાદેવ પાસેથી પ્રાપ્ત થયેલ તે જ્ઞાનને સમગ્ર વિશ્વમાં સ્થાપિત કરીશું.

હે ઈશ્વર, હે માધવ, મારે તો તારા જન્મ સમયના બાળ સ્વરૂપ પાસેથી, તે જ તારા જન્મ-સ્થાને, ગીતા સાંભળવી છે. તો સાથે સાથે મહાદેવ પાસેથી તે જજ્ઞાન-સ્થાને પૂર્ણ જ્ઞાન મેળવવું છે.

મારે તો પ્રેમસભર તારા ઓવારણા લેવા છે

હે ઈશ્વર, મારે તારા જન્મ-સ્થળની ભૂમિના સ્પર્શ કરી તેમાંથી તારા પ્રેમની હૂંફ મેળવવી છે તો મહાદેવના જ્ઞાન સ્થળની ભૂમિને તિલક બનાવી આજ્ઞાચક્રના સ્થાને સ્થાપિત કરવી છે. મારે તો પ્રેમસભર તારા ઓવારણા લેવા છે અને ભક્તિસભર મહાદેવને પોખવા છે. હે ઈશ્વર, મારા મનમાં જરાય પાપ નથી.

હે ઈશ્વર, તારા સિવાય મને કશામાં રસ નથી. નથી મારે ધન જોઈતું, નથી કીર્તિ જોઈતી, નથી જમીનનો કોઈ ટુકડો જોઈતો, કે નથી કોઈ પ્રકારની કીર્તિની ખેવના. મારે તો તારા અસ્તિત્વ સાથે સંકળાયેલી નિશાનીઓ ને દિલથી લગાવવી છે. તે નિશાનીઓ સાથે મહાદેવની નિશાનીઓને પણ ગૌરવ અપાવવું છે.

હે ઈશ્વર, હું જાણું છું કે દરેક વૃક્ષ અગત્યનું છે, પરંતુ પીપળો એ પીપળો છે. હે ઈશ્વર, હું જાણું છું કે પ્રત્યેક પાંડવ પ્રત્યે તને પ્રેમ હતો છતાં પણ અર્જુન એ અર્જુન છે.

જમીનના પ્રત્યેક ભાગમાં તારું જન્મ સ્થળ અતિ વિશેષ ગણાય

ચારે વેદ પોતપોતાનું કાર્ય કરવા પ્રગટ થયા છે તો પણ સામવેદ એટલે સામવેદ. જેમ રુદ્રોમાં શંકર, યક્ષમાં કુબેર, વસુઓમાં અગ્નિ, કવિઓમાં શુક્રાચાર્ય, તેમ જમીનના પ્રત્યેક ભાગમાં તારું જન્મ સ્થળ અતિ વિશેષ ગણાય. જેમ દેવર્ષિમાં નારદ, સિદ્ધમાં કપિલ મુનિ, ગાંધર્વમાં ચિત્રરથ અને શસ્ત્રમાં વજ્ર તેમ જ્ઞાન પામવાનાં સ્થાનોમાં શ્રેષ્ઠ સ્થાન કાશીની એ જગ્યા જ્યાં મહાદેવે સ્વયં જ્ઞાનનો યજ્ઞ આદર્યો હતો.

હે ઈશ્વર, સૃષ્ટિનું દરેક તત્ત્વ પ્રશંસનીય છે પણ આત્મા એટલે આત્મા, હે ઈશ્વર, સમગ્ર પૃથ્વી પૂજનીય છે પણ મથુરાનું કે કાશીનું તે સ્થાન એટલે પરમધામ. ઈશ્વરનું પ્રત્યેક વરદાન ઈચ્છનીય છે, પરંતુ ગીતા કે શિવ-પાર્વતીના સંવાદ સ્વરૂપે પ્રગટેલું જ્ઞાન એટલે સર્વોચ્ચ જ્ઞાન. આ જ્ઞાન સાથે મારી અને મારા જેવા અનેકની આસ્થા જોડાયેલી છે.

હે ઈશ્વર, આ પરમધામ સાથે મારી અને મારા જેવા અનેકની શ્રદ્ધા અટવાયેલી છે. હે ઈશ્વર, આ ધર્મના આત્મા સમકક્ષ હકીકત સાથે મારી અને મારા જેવા અનેકની પૂર્વધારણાઓ સ્થપાયેલી છે.

હે ઈશ્વર, કૃપા કર, કરૂણા કર, વિશ્વાસની સ્થાપના કર

હે ઈશ્વર, હું તને પ્રાર્થના કં છું કે આ બધામાં ખલેલ પડે તેવી પરિસ્થિતિ ઊભી ન થવા દેતો. હે ઈશ્વર, કૃપા કર, કરૂણા કર, વિશ્વાસની સ્થાપના કર, શ્રદ્ધાને બળ આપ, આસ્થા ટકાવી રાખ.

Hey Jagannath , તારા જ સ્થાપેલા સિદ્ધાંતો અનુસાર અમે તો એમ માનીએ છીએ કે સંગચ્છધ્વમ્‌‍ સં વદધ્વમ્. હે ઈશ્વર, અમે તો સર્વે સુખીન:’ સંતુમાં માનનારા તારાં સંતાનો છીએ. અમે તો ‘સહનાવવતુ સહનૌ ભુનકતું’ની વિચારસરણી વાળા છીએ. તારી શીખ પ્રમાણે બધાનું ભલું ઈચ્છીએ છીએ. અમને ક્યાંય દ્વેષ નથી.

હે ઈશ્વર, અમારા પૂર્વજો એ તો બધાને આશરો આપ્યો છે, તેમની શ્રદ્ધામાં ક્યારેક ખલેલ નથી પહોંચાડી, સત્તા કે સામર્થ્યને આધારે ક્યાંય અન્યાય નથી કર્યો, અને હે ઈશ્વર, અમને પણ તારાથી એવી જ અપેક્ષા છે.

અમે હિંસક નથી એ તેં પ્રબોધ્યું છે અને તેં ય એક હાથમાં વાંસળી અને બીજા હાથમાં સુદર્શન ધાર્યું છે અને તેં જ  તો ગીતામાં અધર્મ સામે,અન્યાય સામે અર્જુનને ગાંડીવ ઉપાડવા ‘સાંખ્ય’ ઊપદેશ્યો હતો.  

.. અમે વિમાસણમાં છીએ.. કૃપા કરી તું જ કહે કે અમારે શુ કરવું?

આ પણ વાંચો- Jagannath Yatra 2024: જગન્નાથ મંદિર અને યાત્રામાં કેમ અવિવાહિત યુગલો નહીં આવતા, શું રહસ્ય છુપાયેલું છે પુરાણોમાં? 

Whatsapp share
facebook twitter