+

અમેરિકાના સ્વામિનારાયણ અક્ષરધામ બાબતે વિશ્વ પ્રસિદ્ધ-ન્યૂ યોર્ક ટાઈમ્સનો ખુલાસો

વિશ્વ પ્રસિદ્ધ ન્યૂ યોર્ક ટાઈમ્સએ અમેરિકાના સ્વામિનારાયણ અક્ષરધામ ના ઉદ્ધઘાટન અંગે પ્રકાશિત કર્યા સમાચાર વિશ્વના પ્રસિદ્ધ વર્તમાનપત્ર ન્યૂ યોર્ક ટાઈમ્સમાં અમેરિકા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તાજેતરમાં ઉદઘાટિત થયેલ સ્વામિનારાયણ…

વિશ્વ પ્રસિદ્ધ ન્યૂ યોર્ક ટાઈમ્સએ અમેરિકાના સ્વામિનારાયણ અક્ષરધામ ના ઉદ્ધઘાટન અંગે પ્રકાશિત કર્યા સમાચાર

વિશ્વના પ્રસિદ્ધ વર્તમાનપત્ર ન્યૂ યોર્ક ટાઈમ્સમાં અમેરિકા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તાજેતરમાં ઉદઘાટિત થયેલ સ્વામિનારાયણ અક્ષરધામ ઉપર વિસ્તૃત સમાચાર છાપવામાં આવ્યા છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટર શ્રી સારાહ જણાવે છે તે મુજબ આ હિન્દુ તીર્થની યાત્રાએ આવેલા દર્શનાર્થીઓ ખુલ્લા પગે અહીંની યાત્રા દ્વારા મૂર્તિઓ અને અદભુત નકશીકામ સાથે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના શ્રદ્ધાપૂર્વક દર્શન કરતા આનંદ અને આશ્ચર્ય અનુભવે છે.

તાજેતરમાં આ મહામંદિરનો ઉદ્ઘાટન પ્રસંગ હિન્દુઓ માટે એક ઐતિહાસિક અવસર તરીકે યોજાઈ ગયો. એવું માનવામાં આવે છે કે પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધમાં આ મહામંદિર એ સૌથી મોટામાં મોટું હિન્દુ મંદિર છે જે વિશ્વભરના યાત્રાળુઓને અહીં આકર્ષશે.

લગભગ 200 ફૂટ ઊંચા આ મંદિરમાં હજારો યાત્રાળુઓ અહીંનું અદભુત આર્કિટેક્ચર, કલા અને આધ્યાત્મિક અનુભવથી પ્રભાવિત થશે – એમ કહીને ન્યુયોર્ક ટાઈમ્સ જણાવે. અહીં દર્શનાર્થે આવેલા કેટલાક દર્શનાાર્થીઓના સુંદર અભિપ્રાયો પણ ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા ટાંકવામાં આવ્યા છે,

લગભગ અઢી વર્ષ પહેલાં આ મંદિર ઉપર કેટલાક કારીગરોએ કરેલા કેસનો પણ ન્યૂયોર્ક ટાઈમ્સમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને કાસ્ટ સિસ્ટમ અને ઓછા મહેનતાણા અંગે કરવામાં આવેલા આક્ષેપનો ઉલ્લેખ કરીને ન્યુયોર્ક ટાઈમ્સે મંદિરના પ્રવક્તા રોનક પટેલને ટાંક્યા છે. રોનક પટેલે ન્યુયોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે હકીકતે એ કારીગરો કર્મચારી નહીં, પરંતુ સ્વયંસેવકો તરીકે આ નિર્માણમાં જોડાયા હતા. શ્રદ્ધાપૂર્વક સેવા એ આ મંદિરના પાયાના મૂલ્યોમાંની એક મહત્વની બાબત છે.

અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે ત્યારે મંદિરના કન્સ્ટ્રક્શન દરમિયાન કેટલાક લોકોએ કરેલી ફરિયાદનો પુનઃ ઉલ્લેખ કરીને ન્યુયોર્ક ટાઈમ્સ જણાવે છે કે જે 21 કારીગરોએ મંદિર પર કેસ દાખલ કર્યો હતો તે પૈકી 12 કારીગરોએ તો કેસ પાછો ખેંચી લીધો છે. તેમના વકીલ આદિત્ય સોનીએ જણાવ્યું છે કે આ કારીગરો માને છે કે મંદિર ઉપર કરવામાં આવેલ કેસની હકીકતો ખોટી છે, તે માટે અને પોતાની ધાર્મિક શ્રદ્ધા ભાવનાને કારણે તેમણે આ કેસ પાછો ખેંચ્યો છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ એ પણ જણાવે છે કે અમેરિકાના લેબર લોઝ અને હિન્દુઓની નિસ્વાર્થ સેવા ભાવના વચ્ચે એક ભેદરેખા છે જે ઘણી જટિલ છે. હિન્દુઓ માને છે કે નિસ્વાર્થ ભાવે સેવા કરવી એ એમની ધાર્મિક પરંપરાનો એક મહત્વનો ભાગ છે. અંતે ન્યૂયોર્ક ટાઈમ્સ ચાર્લ્સ હેન્સ નામના ધાર્મિક સ્વતંત્રતાના હિમાયતી એક મહાનુભાવને ટાંકીને આ લેખનું સમાપન કરતા લખે છે કે જો ધાર્મિક સંસ્થાઓ પર અન્ય લોકોને લાગુ પડતી તમામ બાબતો લાગુ પાડવામાં આવે તો તે તેઓ જે કરવા સક્ષમ છે તે તેઓ નહીં કરી શકે.

More in :
Whatsapp share
facebook twitter