+

Amazon ના કર્મચારીને વર્ક ફ્રોમ હોમમાંથી ઓફિસમાં બોલાવતા નોકરીને મારી લાત, થયું કરોડોનું નુકસાન

કોરોનાકાળમાં એક શબ્દ તમે સૌથી વધુ સાંભળ્યો હશે અને તે છે વર્ક ફ્રોમ હોમ. જોકે, ઘણા લોકો આજે પણ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. તાજેતરમાં વર્ક ફ્રોમ હોમને લઇને…

કોરોનાકાળમાં એક શબ્દ તમે સૌથી વધુ સાંભળ્યો હશે અને તે છે વર્ક ફ્રોમ હોમ. જોકે, ઘણા લોકો આજે પણ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. તાજેતરમાં વર્ક ફ્રોમ હોમને લઇને એક સમાચાર સામે આવ્યા છે જેમા શખ્સને પોતાની નોકરી છોડવાનો વારો આવ્યો છે. જીહા, મળી રહેલી માહિતી અનુસાર Amazon ના એક કર્મચારી કે જે ઘરેથી કામ કરી રહ્યો હતો તેને ઓફિસમાં કામ કરવા બોલાવ્યા બાદ તેણે આ વાત ન માનતા પોતાની નોકરીથી જ રાજીનામું આપી દીધું છે. જાણો શું છે સમગ્ર ઘટના વિશે…

વર્ક ફ્રોમ હોમમાંથી પરત બોલાવતા શખ્સે છોડી નોકરી

કોરોનાકાળ બાદ ઘણા લોકોને ઘરેથી જ કામ કરવાની આદત પડી ગઇ છે. આવી જ આદત એક એમેઝોનના કર્મચારીને થઇ હતી. જેને ઓફિસ પરત આવવાનો આદેશ મળ્યો તો તેણે રાજીનામું આપી દીધું હતું. કર્મચારીના આ નિર્ણયને કારણે તેને કરોડોનું નુકસાન પણ થયું હતું. આ કર્મચારી એમેઝોનનો હતો અને તેને રિમોટ કર્મચારી તરીકે રાખવામાં આવ્યો હતો. એમેઝોનની નવી વર્ક પોલિસી હેઠળ, જ્યારે કર્મચારીને અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસમાંથી કામ કરવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તેણે નોકરી છોડી દીધી. કર્મચારીએ જણાવ્યું હતું કે, તેને મે મહિનામાં જાણ કરવામાં આવી હતી કે તેણે જૂનથી શરૂ થતા અઠવાડિયામાં ત્રણ દિવસ સિએટલ ઓફિસ પર પાછા ફરવું પડશે. કર્મચારીએ કહ્યું કે, આ તેને અનિશ્ચિત સમય માટે દૂરસ્થ રીતે કામ કરવાની મંજૂરી આપવાના કંપનીના મૂળ વચન સાથે વિશ્વાસઘાત છે. કર્મચારીએ કહ્યું કે, તેણે એમેઝોન સાથે રિમોટથી કામ કરવાનું ચાલુ રાખવા વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંપની ટસથી મસ ન થઇ.

નોકરી છોડતા થયું કરોડોનું નુકસાન

એક અહેવાલ મુજબ, કર્મચારીએ ઘરેથી કામ કરવાની શરતે જ એમેઝોનમાં નોકરી શરૂ કરી હતી. આ કારણે તેણે ઓફિસથી દૂર ઘર ખરીદ્યું. કર્મચારી કહે છે, “આખરે હું જે જીવનનું સપનું જોતો હતો તે જીવી શક્યો. હું માની શકતો ન હતો કે એમેઝોન તે ઘર મારી પાસેથી છીનવી લેશે.” કર્મચારીએ એમેઝોન પાસેથી રિલોકેશન પેકેજની માંગણી કરી. તેણે દલીલ કરી હતી કે ઓફિસવાળા શહેરમાં શિફ્ટ થવા માટે $1.5 લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે. કંપની તરફથી કોઈ જવાબ ન મળતાં કર્મચારીએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. એમેઝોનમાં આ કર્મચારીને 2.03 લાખ ડોલર એટલે કે લગભગ રૂ. 1.60 કરોડના સ્ટોક ઓપ્શન મળ્યા હતા. રાજીનામાના કારણે કર્મચારીએ એમેઝોનના સ્ટોક ઓપ્શન્સનો લાભ ગુમાવવો પડ્યો હતો.

નોકરી છોડ્યા પછી શું થયું ?

તેની પોસ્ટમાં કર્મચારીએ એ પણ જાહેર કર્યું કે આખરે તેણે તેની નોકરી છોડી દીધી, જેમાં રોકાણ વગરના શેરોમાં $203,000 છોડવાનો સમાવેશ થાય છે. કર્મચારીએ જણાવ્યું કે એમેઝોનની નોકરી છોડ્યા બાદ તે હવે કોઈ અન્ય કંપનીમાં કામ કરી રહ્યો છે. નવી કંપનીમાં તેને ઘરેથી કામ કરવાની સુવિધા મળી છે. પગાર પણ લગભગ જૂનો છે. નવી કંપની નાની છે અને તેને એમેઝોન જેવા સ્ટોક ઓપ્શન્સ જેવા ફાયદા નથી મળી રહ્યા.

એમેઝોને આ બાબતે શું કહ્યું ?

એમેઝોનના પ્રવક્તા બ્રાડ ગ્લાસરે ઈમેલ દ્વારા ઈન્સાઈડરને જણાવ્યું કે, તેઓ કર્મચારીની વાર્તાની પુષ્ટિ કરી શક્યા નથી. ગ્લાસરે કહ્યું, “અમે વારંવાર અમારી સ્થિતિ સ્પષ્ટ કરી છે. ફેબ્રુઆરીમાં, અમે કર્મચારીઓ સાથે શેર કર્યું હતું કે અમે તેમને મે મહિનાથી શરૂ થતા અઠવાડિયામાં ત્રણ કે તેથી વધુ દિવસ ઓફિસમાં આવવાનું શરૂ કરવાનું કહીશું કારણ કે અમે માનીએ છીએ કે “આનાથી શ્રેષ્ઠ પરિણામો મળશે. ” એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે “ઓફિસમાં સાથે રહેવું એ આપણી સંસ્કૃતિ માટે મહત્વપૂર્ણ છે.”

આ પણ વાંચો – Mukesh Ambani ને ત્રીજી વખત મળી જાનથી મારી નાખવાની ધમકી, 400 કરોડની કરી માંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter