અદ્ભુત ક્ષણ, અદ્ભુત પળ : દિલ મેં સિર્ફ એક હી બાત, જય શ્રીરામ જય શ્રીરામ
આખરે , ૫૦૦ વર્ષ પછી ફાઇનલી આપણું રામમંદિર તૈયાર થઈ ગયું
રામજી એમના મંદિરમાં બિરાજી ગયા એને ત્રણ દિવસ થયા પણ અલૌકિક અનુભવની અસર હજી પણ મન પર અકબંધ છે. દરેક સનાતની માટે ‘જ્યાં જૂઓ ત્યાં રામજી બીજું કઈં ન ભાસે રે’ જેવી દશા છે।
ફાઇનલી, હાં, ૫૦૦ વર્ષ પછી ફાઇનલી આપણું રામમંદિર તૈયાર થઈ ગયું.
બાબરે આવીને સનાતન પર જે વાર કર્યો હતો અને મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી એ મસ્જિદના સ્થાને Ayodhya Ram Mandir ફરી એક વાર રામલલ્લા બિરાજમાન થયા છે. લાંબો સમય રામજી ટેન્ટમાં રહ્યા અને હવે ફરી પાછા તેઓ મહેલમાં આવી ગયા છે. મહેલથી ટેન્ટ અને ટેન્ટથી મહેલ સુધીની આ જે યાત્રા છે એ યાત્રામાં આપણા અનેક સનાતનીઓએ પોતાનો ભોગ આપ્યો છે.
પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ શહીદીના શ્રાદ્ધ સમાન હતો.
જો તમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળ્યા હોય તો સાંભળ્યું હશે કે તેમણે પણ એ શહીદોને યાદ કર્યા, તેમણે પણ એ કારસેવકોને યાદ કર્યા જેમણે રામમંદિર(Ayodhya Ram Mandir) માટે પોતાનો જીવ આપ્યો છે. એ જીવ નહોતો-રામલલ્લાને ઘર આપવા માટે આરંભાયેલા યજ્ઞમાં પોતાના શ્વાસની આહુતિ હતી, એ આહુતિની અરોમા આજે આખા દેશમાં પ્રસરી છે. પ્રસરી પણ છે અને સાથોસાથ એ અરોમા દેશવાસીઓના શ્વાસમાં પણ રેલાઈ છે.
બાબરે મંદિર તોડ્યું અને ૫૦૦ વર્ષ સુધી એ ખંડિત થયેલી મસ્જિદ દેશ વચ્ચે ઊભી રહી. ૯૦ના દસકામાં કારસેવકોએ એ બાબરી ધ્વંશ કરી અને કૉન્ગ્રેસે છાજિયા લેવાનું શરૂ કર્યું. અરે એ સમયે યુપીની રાજ્ય સરકારે જે પ્રકારના કારસેવકો પર અત્યાચાર કર્યા હતા એની વાત પણ જો તમે સાંભળો તો તમારા રૂંવાડાં ઊભાં થઈ જાય.
સેક્યુલર બનીને માત્ર ને માત્ર પેલી પાંચ ટકા વોટ-બૅન્કને સાચવી રાખવાની માનસિકતા જે પક્ષોએ રાખી હતી એ પક્ષો આજે કોઠીમાં માથું નાખીને ભેંકડો તાણે છે. હવે તેમને સમજાય છે, અત્યારે તેમને આત્મજ્ઞાન થાય છે કે બહુ મોટી ભૂલ તેમનાથી થઈ હતી.
22 જાન્યુઆરી-રામદિવાળી
દેશમાં ચારેકોર દિવાળીનું વાતાવરણ હતું અને એ વાતાવરણ વચ્ચે દર ૫૦૦ મીટરે પ્રસાદ વિતરણ ચાલી રહ્યું હતું , રામનાં ભજન અને રામલલ્લાનો જયજયકાર ચાલી રહ્યો છે, જે દેખાડે છે કે દેશની ૯પ ટકા પ્રજાના મનમાં રામના નામ સિવાય બીજી કોઈ વાત નથી.
નરેન્દ્ર મોદી યુગમાં રામલલ્લા પહોંચ્યા ટેન્ટમાંથી મંદિરમાં
અરે, અત્યારે પણ યાદ છે કે દેશના એ સમયના અગ્રીમ અંગ્રેજી સાપ્તાહિકે બાબરીધ્વંશ પછી લખ્યું હતું કે આ દેશની સૌથી મોટી શરમજનક ઘટના છે અને આજે એ જ સાપ્તાહિક રંગેચંગે દેશમાં અઢળક બસો પર ભગવાન શ્રીરામને વધાવતા સ્લોગનનાં વિનાયલ લગાડીને પોતાના સાપ્તાહિકની જાહેરાત કરી રહ્યું છે. આને કહેવાય-પાપશુદ્ધિ અને આવી પાપશુદ્ધિ દેશના તમામ અંગ્રેજી સેક્યુલરોએ કરવાની જરૂર છે. જો એ શુદ્ધિ કરશે તો અને તો જ એ સનાતનીઓની નજરમાં ફરીથી સ્થાન મેળવશે.
સેક્યુલરોએ પોતાના સ્વાર્થનું તર્પણ કરવાનો દિવસ આવી ગયો
જુઓ તો ખરા, દેશની પ્રજાએ આવા તમામ સેક્યુલરોને ચોક્કસ જગ્યાએ એવી લાત ફટકારી છે જેની પીડા અત્યારે પણ એ છાના ખૂણે ચચરી રહી છે. ચચરાટ બહાર જાય નહીં એની ચીવટ પણ એ લોકોએ રાખી છે અને એમાં તેમની ભલાઈ છે.બધા સેક્યુલરોએ પોતાના સ્વાર્થનું તર્પણ કરવાનો દિવસ આવી ગયો છે અને જો એ પછી પણ પાપમાંથી મુક્તિ જોઈતી હોય તો વહેલામાં વહેલી તકે ઉઘાડા પગે અયોધ્યા(Ayodhya Ram Mandir) આવીને રામલલ્લાને સાષ્ટાંગ કરવાની જરૂર છે. એ સિવાય તેમનો ઉદ્ધાર નથી. કારણ કે પેલા બેચાર ટકા વોટ સાચવવા માટે ઘાંઘી થયેલી કૉન્ગ્રેસ અત્યારે તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહી છે.