+

પ્રિયંકા ગાંધીના રાજકીય સફરનો આરંભ થશે વાયનાડથી

કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારી વાયનાડથી લોકસભાની પેટાચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાની પ્રથમ ચૂંટણી માટે પ્રિયંકા ગાંધી તૈયાર Wayanad Bypolls Priyanka Gandhi : ચૂંટણી પંચ (Election Commission) દ્વારા વાયનાડ લોકસભા…
  • કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારી
  • વાયનાડથી લોકસભાની પેટાચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી વાડ્રા
  • પોતાની પ્રથમ ચૂંટણી માટે પ્રિયંકા ગાંધી તૈયાર

Wayanad Bypolls Priyanka Gandhi : ચૂંટણી પંચ (Election Commission) દ્વારા વાયનાડ લોકસભા સીટ (Wayanad Lok Sabha seat) પર પેટાચૂંટણી (by-election) ની જાહેરાત સાથે, કોંગ્રેસે સત્તાવાર રીતે પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) ની ઉમેદવારી જાહેર કરી છે. કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકા ગાંધીને વાયનાડ લોકસભા સીટ પરથી તેમની પ્રથમ ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. હાલમાં પ્રિયંકા ગાંધી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રભારી છે. તે મોટાભાગે મોટા મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે.

પ્રથમ ચૂંટણી માટે તૈયાર પ્રિયંકા ગાંધી

આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાંથી લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણી માટે પક્ષના ઉમેદવાર તરીકે સભ્યોને નામાંકિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમાંથી પ્રિયંકા ગાંધી વાડ્રાને કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કેરળની પલક્કડ વિધાનસભા બેઠક પરથી રાહુલ મમકુટાથિલ અને ચેલક્કારા (SC)થી રામ્યા હરિદાસને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે વાયનાડથી કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધી, તેમની બહેન અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાયનાડ લોકસભા સીટથી પોતાની રાજકીય ઇનિંગ્સ શરૂ કરે તેવી શક્યતાઓ પહેલાથી જ હતી, રાહુલ ગાંધી કેરળના વાયનાડ બેઠક પરથી કોંગ્રેસના સાંસદ હતા પરંતુ તેમણે આ બેઠક ખાલી કરી હતી.

13 નવેમ્બરે મતદાન થશે

જણાવી દઇએ કે, બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે, ચૂંટણી પંચે કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે, ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર, કેરળની વાયનાડ લોકસભા બેઠક પર 13 નવેમ્બરના રોજ મતદાન થશે. આ જ દિવસે દેશની 47 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી પણ યોજાશે. ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે. જણાવી દઈએ કે, ચૂંટણી પંચે મંગળવારે 48 વિધાનસભા અને બે લોકસભા સીટો પર પેટાચૂંટણી સાથે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની પદ્ધતિઓની જાહેરાત કરી હતી. તેમાં એક સીટ કેરળની વાયનાડ હતી, જે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી હતી. બધાની નજર આ સીટ પર રહેશે.

રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપ્યું હતું

ઉલ્લેખનીય છે કે, વાયનાડ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ લોકસભા ચૂંટણી દરમિયાન તેમના પરિવારની પરંપરાગત બેઠક રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી હતી. બંને બેઠકો પર તેમનો જંગી વિજય થયો હતો. જોકે, ચૂંટણી જીત્યા બાદ રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું હતું, જેના પછી આ સીટ ખાલી થઈ ગઈ અને પેટાચૂંટણી જરૂરી બની ગઈ.

આ પણ વાંચો:  મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી

Whatsapp share
facebook twitter