Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

KESHOD : સૌરાષ્ટ્રની સનાતન સંત પરંપરામાં શ્રી સોનલ મા પ્રકાશસ્તંભ સમાન

03:59 PM Jan 13, 2024 | Vipul Pandya

KESHOD : કેશોદમાં આઈ શ્રી સોનલ માઁનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો જેમાં શનિવારે ત્રિદિવસીય શતાબ્દી સમારોહનો છેલ્લો દિવસ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમારોહમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતું. મઢડા સોનલધામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. સમારોહમાં મોટી સંખ્યામાં ચારણ ગઢવી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મઢડા ધામ ચારણ સમાજ માટે શ્રદ્ધા-શક્તિનું કેન્દ્ર

મઢડામાં આઈ સોનલ મા જન્મ શતાબ્દી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમારોહમાં વર્ચ્યુઅલ સંબોધન કરતાં કહ્યું કે સોનલ માના આશીર્વાદથી પુનિત કાર્યક્રમમાં જોડાવવાનું સૌભાગ્ય મને મળ્યું છે. ચારણ સમાજ, સોનલ માના ભક્તોને અભિનંદન આપું છું. વડાપ્રધાને કહ્યું મઢડા ધામ ચારણ સમાજ માટે શ્રદ્ધા-શક્તિનું કેન્દ્ર છે અને સંસ્કાર અને પરંપરાનું કેન્દ્ર છે.

સનાતન સંત પરંપરામાં શ્રી સોનલ મા પ્રકાશસ્તંભ સમાન

તેમણે કહ્યું કે હું આઈ સોનલ માને પ્રણામ કરું છું. ભારતભૂમિ કોઈપણ યુગમાં અવતારી આત્માઓથી ખાલી નથી રહેતી તેમ જણાવતા વડાપ્રધાને
સૌરાષ્ટ્રની ભૂમિને મહાન સંતો અને વિભૂતિઓની ભૂમિ ગણાવી હતી. તેમણે કહ્યું કે અનેક સંત, મહાન આત્માઓએ માનવતા માટે કામ કર્યુ છે. પવિત્ર ગિરનાર સાક્ષાત ભગવાન દત્તાત્રેય-સંતોનું સ્થાન છે અને સૌરાષ્ટ્રની સનાતન સંત પરંપરામાં શ્રી સોનલ મા પ્રકાશસ્તંભ સમાન છે.

તેમણે અનેક યુવાઓને દિશા બતાવી

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે સોનલ માની આધ્યાત્મિક ઊર્જા, માનવીય શિક્ષણ, તપસ્યા અદભુત છે. સોનલ માનું જીવન જનકલ્યાણમાં વીત્યું તથા દેશ અને ધર્મની સેવા માટે તેઓ સમર્પિત રહ્યાં. ભગતબાપુ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, કનભાઈ લહેરી, કલ્યાણ શેઠ જેવા મહાન લોકો સાથે તેમણે કામ કર્યુ. તેમણે અનેક યુવાઓને દિશા દેખાડીને જીવન બદલ્યું છે તથા સમાજમાં શિક્ષણના પ્રસાર માટે અદભુત કામ કર્યુ હતું.

સોનલ મા સમાજને કુરુીતિઓથી બચાવવા નિરંતર કામ કરતા રહ્યાં

સોનલ માએ વ્યસનના અંધકારમાંથી સમાજને નીકળીને નવી રોશની આપી તેમ વડાપ્રધાને જણાવ્યું હતું. તેમણે વર્ચ્યુઅલ સંબોધનમાં કહ્યું કે
સોનલ મા સમાજને કુરુીતિઓથી બચાવવા નિરંતર કામ કરતા રહ્યાં હતા. કચ્છના વોવાર ગામથી તેમણે પ્રતિજ્ઞા અભિયાન શરૂ કર્યુ હતું. પરિશ્રમ કરીને આત્મનિર્ભર બનવાની તેમણે શીખ આપી હતી તથા પશુધનની રક્ષા કરવા તેઓ હંમેશા આગ્રહ કરતા હતા. આધ્યાત્મિક, સામાજિક કાર્યોની સાથે સોનલ મા દેશની એકતા અને અખંડતતા માટે મજબૂત પ્રહરી હતા. ભારત વિભાજન સમયે જૂનાગઢને તોડવાની ષડયંત્ર ચાલતું હતું ત્યારે સોનલ મા ચંડીની જેમ ઉભા રહ્યાં હતા.

આઈ શ્રી સોનલમાં મહાન યોગદાનના પ્રતિક

તેમણે કહ્યું કે દેશ માટે આઈ શ્રી સોનલમાં મહાન યોગદાનના પ્રતિક હતા. ભાગવત પુરાણ જેવા ગ્રંથોમાં ચારણ સમાજને સીધા જ શ્રી હરિના સંતાન ગણાવાયા છે. આ સમાજ પર મા સરસ્વતીનો વિશેષ આશીર્વાદ રહ્યો છે. ચારણ સમાજે એકથી એક વિદ્ધાનોની પરંપરા અવિરત ચાલી રહી છે.

આ પણ વાંચો—આ શાળામાં 1000 થી વધુ બાળકો શૈક્ષણિક કાર્યની શરૂઆત જય શ્રી રામ બોલીને કરે છે