- વડોદરા શહેર 3 દિવસથી પાણીમાં
- લોકોની હાલાકી સોશિયલ મીડિયામાં જોવા મળી
- 2 મંત્રીની વડોદરાની મુલાકાત અંગે પણ નારાજગી
- વડોદરાના અખબારોએ મંત્રીઓએ જે પ્રકારે મુલાકાત લીધી તેની ઝાટકણી કાઢી
Floods in Vadodara : વડોદરામાં એકધારા ખાબકેલા 13.5 ઇંચ વરસાદ અને આજવા સરોવરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજવા સરોવરના દરવાજા ખોલવા પડ્યા અને 20 વર્ષ બાદ ફરી એક વાર વડોદરામાં માનવસર્જિત પૂર (Floods in Vadodara) આવ્યું. છેલ્લા 3 દિવસથી ચોથાભાગનું શહેર પૂરના પાણીમાં છે. બુધવારે રાજ્યના 2 મંત્રીઓ સ્થિતીનો તાગ મેળવવા વડોદરા પહોંચ્યા હતા અને ડમ્પર બેસીને કેટલાક વિસ્તારોમાં ફર્યા હતા. નેતાઓની આવી મુલાકાતથી પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વડોદરાના અખબારોમાં પણ લોકોની આ જ વ્યથા જોવા મળી છે. આજે ગુરુવારે વિશ્વામિત્રીની સપાટી ઘટવા માડતાં સોસાયટીઓમાં અને રસ્તા પર ફરી વળેલા પૂરના પાણી ધીમે ધીમે ઓસરવાનું શરુ થયું છે જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સમગ્ર પૂરની સ્થિતી માટે વડોદરા મહાનગરપાલિકા જવાબદાર હોવાનું વડોદરાવાસીઓ સ્પષ્ટપણે માની રહ્યા છે.
લોકોનો રોષ
સોશિયલ મીડિયામાં લોકો પોસ્ટ મુકીને વડોદરાનું પૂર માનવસર્જિત હોવાના આરોપ લગાવી રહ્યા છે. એક નાગરીક આક્રોષ સાથે વીડિયોમાં કહેતા સાંભળવા મળે છે કે આજનો દિવસ અમારા માટે ઐતિહાસીક દિવસ છે. જન્માષ્ટમી પછી પારણા હોય પણ અમે વડોદરાવાસીઓ પારણા ઉજવી રહ્યા છે. લોકો હેલ્પલાઇન મુકી રહ્યા છે મગરો પકડવા માટે પણ ઓરીજનલ મગર તો ખંડેરાવ માર્કેટમાં બેઠા છે. આજ લોકો વડોદરાના ભૌગોલિક પરિસ્થિતમાં 20 વર્ષમાં કોતરો ખાઇ ગયા છે, ફોટા પડાવી ટ્રેક્ટરો લઇને નીકળે છે…તમને શરમ આવવી જોઇએ.
શબાસનની મુદ્રા ધારણ કરવા ફરજ પડી
વડોદરા અગ્રણી અખબાર ગુજરાત સમાચારે રાજ્યના 2 મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માની વડોદરાની મુલાકાતનો ફોટો પ્રસિદ્ધ કર્યો છે. જેમાં લખાયુ છે તે રાજ્યના મંત્રી ઋષિકેષ પટેલ અને જગદીશ વિશ્વકર્મા સ્થિતિની સમિક્ષા કરવા વડોદરાની મુલાકાતે આવ્યા હતા . બંધ બારણે અધિકારીઓ સાથે બેઠક થઇ પણ શહેરની જનતાને મળવું મુશ્કેલ હતું. ડમ્પર મંત્રીએ કેટલાક વિસ્તારોમાં ચક્કર માર્યા હતા. આ ડમ્પર એક અંડરપાસ નીચેથી પસાર થયું ત્યારે કેબિન પર બેઠેલા મંત્રીએ પોતાને બચાવવા માટે તેના પર શબાસનની મુદ્રા ધારણ કરવા ફરજ પડી હતી. મંત્રીએ તાકીદે સહાય કેવી રીતે મળે, શહેરીજનોને રાહત આપી શકાય એના બદલે લાંબા ગાળે પૂરપ્રકોપ નિવારવા શું કરી શકાય એવી વાતોનું જ્ઞાન આપ્યું હતું.
પૂરના પાણીમાં પગ મુક્યા વગર ફ્લડ ટુરીઝમ કરી મંત્રીઓ રવાના
ગુજરાત સમાચારે રિપોર્ટીંગ કર્યું હતું કે પૂરના પાણીમાં પગ મુક્યા વગર ફ્લડ ટુરીઝમ કરી મંત્રીઓ રવાના થયા હતા. બંને મંત્રીઓએ વડોદરાના પાણીમાં પગ મુકવાનું પણ મુનાસીબ સમજ્યું ન હતું. તેમના માટે સૌથી વધુ ઉંચાઇ ધરાવતા ડમ્પરની વ્યવસ્થા કરવી પડી હતી. મંત્રીઓ જાણે સિંહાસન પર બીરાજીને શોભાયાત્રામાં નીકળ્યા હોય તે રીતે વડોદરામાં પૂરની સ્થિતીનો તાગ મેળવવા નીકળ્યા હતા.
આ પણ વાંચો—VADODARA : વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટવાનું શરૂ, તંત્રને મોટી રાહત
મંત્રીજી વડોદરામાં પૂર જોવા નીકળ્યા
વડોદરા દિવ્યભાસ્કરે પણ મંત્રીજી વડોદરામાં પૂર જોવા નીકળ્યાના હેડીંગ સાથે તસવીરો પ્રગટ કરી છે અને મંત્રીઓ અંડરપાસમાં સુઇ ગયા તે તસવીર પણ પ્રસિદ્ધ કરી હતી અને ત્યાં લખ્યું છે કે અરેરે..આ બ્રિજ વાગે એ પહેલા નમો..એવું કહીને સાવ સુઇ ગયા…
તંત્ર સર્જીત પૂરે વડોદરાને ડૂબાડ્યું
વડોદરા દિવ્યભાસ્કરના તંત્રી મનિષ પંડ્યાએ પણ ભાસ્કર ઇનસાઇટમાં તંત્ર સર્જીત પૂરે વડોદરાને ડૂબાડ્યું તેવો લેખ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં વિશ્વામિત્રી પાઠળ 15 વર્ષમાં 5.75 કરોડનો ખર્ચ પણ પૂરને ટાળવા કોઇ આયોજન નહી તેમ લખાયું છે અને નેતાઓ પર લોકોનો રોષ હોવાનું જણાવ્યું છે. તેમણે લખ્યું છે કે આ પૂર કુદરતી આફત ઓછું અને તંત્ર અને સરકારની બેદરકારી વધુ હતી.
મંત્રીએ જવાબ આપવાનું ટાળ્યું
વડોદરાના અગ્રણી અખબાર સંદેશે લખ્યું છે કે વિશ્વામિત્રી નદી બાબતે અત્યાર સુધી કેમ ધ્યાન ના આપ્યું તેનો સવાલ કરાતા મંત્રીએ જવાબ આપવાનું ટાળ્યું હતું. અડધું વડોદરા હજી પણ પાણીમાં ગરકાવ છે અને લોકોને રોજીંદી ચીજવસ્તુની હાલાકી પડી રહી છે.
આ પણ વાંચો-—VADODARA : પૂરની સ્થિતીમાં ત્રણ દિવસમાં 28 ગામમાંથી 8144 લોકોનું સ્થળાંતર
પૂર કુદરતી નહી પણ કોર્પોરેશન સર્જીત
સંદેશે પોતાના અહેવાલમાં લખ્યું છે કે વડોદરામાં પાણી કેમ ઓસરતા નથી પૂર કુદરતી નહી પણ કોર્પોરેશન સર્જીત છે. શહેરના 13 તળાવ અને 80થી વધુ નાળા ગાયબ થઇ ગયા છે. સોલિડ વેસ્ટ નાખીને કોતરો પુરી દીધા છે. 2 દિવસથી શહેરીજનો જે વેદના વેઠી રહ્યા છે તેના માટે શહેરમાં થયેલું આડેધડ બાંધકામ, આયોજન વિનાનો વિકાસ અને સંપૂર્ણ મિસમેનેજમેન્ટ જવાબદાર છે.
સત્તા સંગઠન વડોદરાના પૂરમાં ચત્તાપાટ
વડોદરાના અગ્રણી અખબાર લોકસત્તાએ પણ 2 મંત્રીએ જે રીતે વડોદરાની મુલાકાત લીધી તેની તસવીરો પ્રસિદ્ધ કરી ઝાટકણી કાઢી છે અને લખ્યું છે કે સત્તા સંગઠન વડોદરાના પૂરમાં ચત્તાપાટ…ખુબ જ વેધક રીતે આ વાક્ય લખીને મંત્રીઓ સુઇ ગયા તે તસવીર પ્રસિદ્ધ કરાઇ છે.
શહેર શાંઘાઇ ન બની શક્યું પણ વેનિસ બની ગયું
લોકસત્તા અખબારે વડોદરાની સ્થિતીનો એક લાઇનમાં તાગ આપી દીધો હતો કે શહેર શાંઘાઇ ન બની શક્યું પણ વેનિસ બની ગયું.
આ પણ વાંચો-—VADODARA : અલકાપુરી ગરનાળુ આજે પણ જળમગ્ન
વડોદરાના અગ્રણી પત્રકારોએ સમગ્ર મામલે શું કહ્યું…વડોદરાના લોકોનો શું રોષ ..તે નિહાળો નીચે આપેલા વીડિયોમાં