Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PANCHMAHAL : ઘોઘંબાના ખેડૂતો પડકારજનક સ્થિતિનો સામનો કરી ડુંગર ઉપર ખેતી કરવા મજબુર બન્યા

02:06 PM Jul 29, 2024 | Harsh Bhatt

PANCHMAHAL જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઘોઘંબા તાલુકામાં વર્ષોથી ખેડૂતો હટકે પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. અહીં આવેલી તમામ જમીન ડુંગરાળ જેવી સ્થિતિમાં ઢોળાવ વાળી હોવાથી ખેડૂતો માત્ર ચોમાસામાં તુવેર મકાઈ અને કપાસનો પાક કરી ડુંગરાળ ખેતરો ઉપર ખેતી કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. જયારે સિંચાઇ માટેની સુવિધા ન હોવાના કારણે અન્ય ઋતુમાં અહીંના ખેડૂતો પોતાના પરિવારને લઈ રોજગારી માટે રાજ્યના અનેક શહેરીમાં જતા હોય છે જેના કારણે અહીંના બાળકોના અભ્યાસ ઉપર પણ અસર પડી રહી છે. અહીંના ખેડૂતોને ખેતી કરવા માટે બળદને ખાસ તાલીમ સજજ કરવા પડતા હોય છે કેમ કે અહીં ટ્રેક્ટર સહિતના યાંત્રિક ખેત ઓજારો ઉપયોગમાં લઈ શકાતા નથી જેથી માત્ર બળદ અને માનવ આધારિત જ ખેતી કરવામાં આવી રહી છે. ત્યારે આ ડુંગરાળ વિસ્તારમાં આવેલા નાના મોટા કોતર અને નદી પર ચેક ડેમો બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

PANCHMAHAL ના ઘોઘંબા તાલુકાના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં પથરાળ અને ડુંગરાળ ખેતરો આવેલા છે

PANCHMAHAL ના ઘોઘંબા તાલુકાના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં પથરાળ અને ડુંગરાળ ખેતરો આવેલા છે. આ વિસ્તારમાં વર્ષો થી ખેડૂતોને માત્ર ચોમાસાની ખેતી ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે જે કદાચ સામાન્ય બાબત માની શકાય. પરંતુ અહીંના ખેડૂતોને ખેતી માટે એક પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. પ્રથમ તો અહીં ઢોળાવ અને ડુંગરાળ વાળી જમીન હોવાથી ત્રાસી ખેડ કરી વાવેતર કરવું પડે છે જેથી ચોમાસામાં વરસાદી માહોલમાં બિયારણનું ધોવાણ ન થઈ જાય. બીજી તરફ ત્રાસી ખેડ માટે બળદોને ખાસ તાલીમ સજ્જ કરવા પડતા હોય છે અને જાતે પણ તાલીમ લેવી પડતી હોય છે. આ તમામ મહેનત પછી પણ ખેડૂતોને માત્ર મકાઈ,તુવેર અને કપાસની જ પાકની ખેતી થતી હોય છે.

ખેડૂતો માટે સિંચાઈ સુવિધાની માંગ

આ સિવાય શિયાળા અને ઉનાળામાં સિંચાઈ સુવિધા અભાવે ખેતી થઈ શકતી નથી જેથી અહીંના ખેડૂતો અને યુવાનોને ફરજિયાત પેટિયું રળવા માટે બહારગામ જવું પડે છે. ત્યારે આ ડુંગરાળ વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને અન્ય સીઝનમાં ખેતી કરી સ્થાનિક રોજગાર મળી શકે તે માટે સરકાર આ વિસ્તારમાં ખેડૂતો માટે સિંચાઈ સુવિધા ઉભી કરે એવી માંગણી કરી રહ્યા છે.

વરસાદથી ખેડૂતો મનોમન પસ્તાવો કરી રહ્યા

ઘોઘંબાના સરસવા ગામના આજુબાજુના ખેડૂતોએ પોતાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા નહિં હોવાની બાબતનું તારણ મેળવવા ખેડૂતોનું એક જૂથ બનાવ્યું છે. આ ખેડૂત જૂથ દ્વારા પોતાના વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં કેટલો વરસાદ વરસી રહ્યો છે જે માપવા માટે એક યંત્ર વસાવવામાં આવ્યું છે અને વરસાદ માપક યંત્ર થકી પોતાના વિસ્તારમાં વરસતા વરસાદનો અંદાજ મેળવી રહ્યા છે. આ અંદાજમાં જે વરસાદી પ્રમાણ જોવા મળી રહ્યું છે જે જાણી ખેડૂતો મનોમન પસ્તાવો પણ કરી રહ્યા છે. પોતાના જીલ્લા અને તાલુકાના અન્ય વિસ્તારો કરતાં પોતાના વિસ્તારમાં વધુ વરસાદ હોવા છતાં સિંચાઈ સુવિધા નથી જેનું મુખ્ય કારણ વરસાદી પાણી કાયમ કોતરો મારફતે વહી જતુ હોય છે અને જેનો યોગ્ય સંગ્રહ થતો નથી જેથી તેઓના વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે ચેક ડેમ બનાવવામાં આવે એવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે.

આ પણ વાંચો : Gandhinagar: અસમાજિક તત્વોએ હોટલમાં કર્યું અંધાધૂન ફાયરિંગ? પોલીસે આપી ઘટનાની સાચી વિગત