+

69th Filmfare Awards: ગુજરાતમાં પ્રથમવાર Filmfare Award નું આયોજન

ગુજરાતમાં પ્રથમવાર આયોજિત થનારા ૬૯મા ફિલ્મફેર એવોર્ડસ દ્વારા ગુજરાત દેશમાં ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ થશે. આ ૬૯મા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે રાજ્ય સરકારના સાહસ ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ…

ગુજરાતમાં પ્રથમવાર આયોજિત થનારા ૬૯મા ફિલ્મફેર એવોર્ડસ દ્વારા ગુજરાત દેશમાં ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ થશે. આ ૬૯મા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે રાજ્ય સરકારના સાહસ ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MOU કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ૨૦૨૨માં જાહેર કરેલી સિનેમેટીક ટુરીઝમ પોલિસીને પગલે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગો આકર્ષિત થયા છે. તેમાં આ ફિલ્મફેર એવોર્ડ-૨૦૨૪ નુ આયોજન વધુ એક સિમાચિન્હ બનશે. ગુજરાતમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ્સ આયોજિત થવા જઇ રહ્યા છે, તે સંદર્ભમાં આ MOU સાઈનીંગ અવસરે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, મુખ્યસચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસ નાથન, રાજ્ય સરકાર ના વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, પ્રવાસન સચિવ શ્રી હારિત શુક્લા, પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર ડૉ. સૌરભ પારધિ તેમજ ટાઇમ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વીનિત જૈન, વર્લ્ડવાઇડ મીડિયા પ્રા.લિ. ના સીઇઓ શ્રી દીપક લાંબા અને લોકપ્રિય હિંદી ફિલ્મ એક્ટર ટાઇગર શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. આ એમ ઓ યુ પર રાજ્ય સરકાર વતી પ્રવાસન નિગમ ના એમ.ડી સૌરભ પારઘી અને વર્લ્ડ વાઈડ મીડિયા વતી સી.ઈ.ઓ દિપક લાંબા એ હસ્તાક્ષર કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, ફિલ્મફેર એવોર્ડ્સ એ ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંના એક છે. આવા પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન રાજ્યમાં થવાથી મોટી સંખ્યામાં હસ્તીઓ, ફિલ્મ નિર્માતાઓ અને ઉદ્યોગ વ્યવસાયિકો ગુજરાત આવશે. મુલાકાતીઓનો આ પ્રવાહ રાજ્યમાં પ્રવાસન, હોટેલ બુકિંગ અને અન્ય પ્રવૃત્તિઓને વેગ આપશે, અને લોકલ ઈકોનોમી ને બુસ્ટ મળશે તથા એમ્પ્લોયમેન્‍ટ જનરેશન પણ થઈ શકશે. ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન સરળ બનાવશે. ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકો સાથે વતચીત અને વિચારોના આદાન-પ્રદાન કરવાની તેમજ ફિલ્મ પ્રોડક્શનમાં ન્યુ ટ્રેન્‍ડ, ટેકનોલોજી અને ટેકનિક્સ વિશે જાણવાની તક મળશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે આ સંદર્ભમાં સ્પષ્ટ મત દર્શાવ્યો કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના ફિલ્મ ઈન્‍ડસ્ટ્રી સુપેરે ચરિતાર્થ કરે છે.

રાજ્યમાં ફિલ્મફેર એવોર્ડ્સના આયોજનથી રાજ્યને ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ કરી શકાશે. તેનાથી ગુજરાતને સંભવિત ફિલ્મી લોકેશન તરીકે નોંધપાત્ર એક્સપોઝર અને પ્રમોશન મળશે. આ ઈવેન્ટ રાજ્યના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરશે, જે ફિલ્મ નિર્માતાઓને ગુજરાતનો ભવિષ્યના ફિલ્મ પ્રોજેક્ટ્સ માટે બેકડ્રોપ તરીકે ઉપયોગ કરવા માટે આકર્ષિત કરશે. તેના પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નોકરીની અસંખ્ય તકોનું સર્જન કરે છે. ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ નુ આયોજન થતાં ઇવેન્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટેશન, સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન પણ થશે.

આ ઇવેન્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને ગુજરાતના વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો દર્શાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. ગુજરાત કચ્છનું સફેદ રણ, સાબરમતી આશ્રમ અને દ્વારકા જેવા ઐતિહાસિક સ્થળોથી લઈને ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સમૃદ્ધ પ્રવાસન સ્થળો ધરાવે છે, અને ફિલ્મફેર એવોર્ડ્સ આ સ્થળોને હાઇલાઇટ કરશે, જે દેશ-વિદેશનાં પ્રવાસીઓને ગુજરાતના પ્રવાસન સ્થળોને વધુ એક્સપ્લોર કરવા માટે પ્રોસ્તાહિત કરશે. ફિલ્મફેર એવોર્ડ્સ જેવી પ્રતિષ્ઠિત ઈવેન્ટના આયોજન માટે રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને હોસ્પિટાલિટી સુવિધાઓનો વિકાસ કરવામાં રોકાણ કરશે. આ વિકાસકાર્યો માત્ર એવોર્ડ સેરેમની માટે જ નહિ, પરંતુ ગુજરાતના પ્રવાસન માળખામાં વૃદ્ધિ કરવામાં પણ ફાયદાકારક બનશે અને લાંબા ગાળે ગુજરાતને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવશે.

ગુજરાતમાં ૬૯મા ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ફિલ્મ નિર્માતાઓ અને ઉદ્યોગ વ્યવસાયિકો માટે રાજ્યના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રદર્શિત કરશે, જે ફિલ્મ નિર્માતાઓ માટે ગુજરાતને ફિલ્માંકન સ્થળ તરીકે પસંદ કરવા માટે પ્રોત્સાહન આપશે. તેનાથી ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ ગુજરાત પ્રત્યે આકર્ષિત થશે અને રાજ્યની ફિલ્મિંગ પ્રવૃત્તિઓને વેગ મળશે અને સિનેમેટિક ટુરિઝમમાં ફાળો આપશે. ગુજરાત સાથે આ ફિલ્મફેર એવોર્ડનું જોડાણ સિનેમેટિક ટુરિઝમ માટે એક શક્તિશાળી પ્રમોશનલ ટુલ એટલે કે સાધન તરીકે કામ કરશે. આ એવોર્ડ સેરેમની અને તેનું મીડિયા કવરેજ ગુજરાતની ફિલ્મ-ફ્રેંડલી નીતિઓ, ફિલ્મ નિર્માતાઓ માટે પ્રોત્સાહનો અને રાજ્ય દ્વારા ઓફર કરવામાં આવેલા અનન્ય અનુભવોને હાઇલાઇટ કરશે.

આ ફિલ્મફેર એવોર્ડ્સના માધ્યમથી ગુજરાત તેની સિનેમેટિક પ્રવાસન ક્ષમતાને અસરકારક રીતે પ્રદર્શિત કરી શકે છે, ફિલ્મ નિર્માતાઓને આકર્ષિત કરી શકે છે અને પોતાને ઇચ્છનીય ફિલ્માંકન સ્થળ તરીકે સ્થાપિત કરી શકે છે. ફિલ્મ નિર્માણ અને પ્રવાસન-સંબંધિત પ્રવૃત્તિઓમાં વધારો રાજ્યની સિનેમેટિક ટુરિઝમ પોલિસીના સમગ્રતયા વિકાસમાં ફાળો આપશે. ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લીમીટેડ વચ્ચે થયેલા આ MOU અવસરે ફિલ્મ નિર્માણ અને ફિલ્મ અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા નિર્માતાઓ, કલાકારો, કસબીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો – Gandhinagar : એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ ક્રમે, જામનગરનો ફાળો સૌથી વધુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter