Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

National Teacher’s Day-બાઢડાપરાના શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગરનું સન્માન

03:14 PM Sep 04, 2024 |

National Teacher’s Day : રાષ્ટ્રીય શિક્ષક દિવસ
**
અમેરેલીના નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગર જેમણે બાઇક પર હરતી ફરતી શાળા બનાવી
**
“હું શિક્ષણમાં ઇનોવેટિવ કામ કરતો હતો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ મને એ કામ માટે પ્રેરણા અને ઊર્જા આપી”
**
“પ્રવેશોત્સવ એ ગુજરાત સરકારનો સફળ કાર્યક્રમ છે, બાળકના જીવનનો તે ઉત્તમ ઉત્સવ છે”
**

National Teacher’s Day-શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે પ્રયત્નશીલ ચંદ્રેશકુમારનું આજના ખાસ દિવસે ગુજરાત સરકાર દ્વારા સન્માન કરાયું. 

“પંખીડા તું ઉડીને જાજે ગામે ગામ રે…ગામના બાળકોને કહેજે ભણવા આવો રે..મારા દેશના બાળકો તમે ભણવા આવો રે.. વહેલા આવો, નિયમિત આવો, રોજે આવો રે..દેશના બાળકો રે તમે ભણવા આવો રે….” ગુજરાતના પ્રસિદ્ધ લોકગીતને શૈક્ષણિક લોકજાગૃતિ માટે આ રીતે ઉપયોગમાં લઇને, અમરેલીની બાઢડાપરા પ્રાથમિક શાળાના કાર્યકારી મુખ્ય શિક્ષક ચંદ્રેશકુમાર ભોલાશંકર બોરીસાગરે શિક્ષણ ક્ષેત્રે નવીનતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ચંદ્રેશકુમારે આવા અનેક નવીન પ્રયોગોથી બોરિંગ અને કષ્ટદાયક જણાતા શિક્ષણકાર્યમાં નવા પ્રાણ ફૂંકીને તેને રસપ્રદ બનાવ્યું છે.

આ પ્રયોગોની હકારાત્મક અસર બાળકોના ઘડતરમાં જોવા મળી રહી છે અને શિક્ષણ ક્ષેત્રમાં તેમના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે તેમને નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 આપવામાં આવશે.

આ વર્ષે દેશભરમાંથી કુલ 50 શિક્ષકોને એવોર્ડ આપવામાં આવશે, જેમાં ગુજરાતમાંથી ચંદ્રેશકુમાર બોરીસાગર અને આણંદની વડાલા સ્થિત હાઈસ્કુલના શિક્ષક વિનય શશિકાન્ત પટેલની પસંદગી કરવામાં આવી છે.

“ગાયન, વાદન અને અભિનયથી હું શિક્ષણ સરળ બનાવું છું”

સંગીતની સાધના કરતા ચંદ્રેશકુમારે શિક્ષણ કાર્ય માટે કરેલા તેમના પ્રયોગો વિશે જણાવતા ક્હયું, “હું સંગીતમાં રસ ધરાવું છું અને સંગીતના માધ્યમથી શિક્ષણકાર્યને સરળ બનાવી દઉં છું. મેં બાઇક પર હરતી ફરતી શાળા બનાવીને ગીતોના માધ્યમથી શિક્ષણકાર્ય માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમાં સ્થાનિક લોકગીતોનો ઉપયોગ શિક્ષણના ગીતો તરીકે કર્યો હતો. વર્ગખંડમાં પણ સંગીતના ઉપયોગથી બાળકોને સમજાવવામાં ઘણી સફળતા મળી છે. ગાયન, વાદન અને અભિનયથી હું શિક્ષણ સરળ બનાવું છું કારણ કે સંગીત એ ગહન વિષયને સહજ બનાવી દે છે.”

“રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી સોનાનો સૂરજ ઉગ્યો”

રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મહત્વ અંગે જણાવતા ચંદ્રેશકુમારે જણાવ્યું કે, “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020થી સોનાનો સૂરજ ઉગ્યો છે. આ નીતિમાં ચેપ્ટર 4.7 અંતર્ગત કલાના માધ્યમથી અધ્યયનને આનંદપ્રદ બનાવવાની વાત છે. ચેપ્ટર 4.8માં રમતગમતના માધ્યમથી શિક્ષણ અને બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની વાત કરવામાં આવી છે. આ અભિગમથી હું જે ઇનોવેટિવ કાર્ય કરતો હતો તેને આગળ લઇ જવા માટે મને નવી ઊર્જા અને પ્રેરણા મળી છે. ભારતના સાંસ્કૃતિક મૂલ્યોને સાથે લઇને બાળકોના વર્તમાન અને ભવિષ્યને નિર્ધાર કરવાની દિશામાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ”

કેરમબોર્ડની કુકરીઓ અને વૃક્ષની ડાળીઓ પર મૂળાક્ષર, શાળા પરિસરમાં સ્પીકર પર વાગે અંગ્રેજી કવિતા

બાઢડાપરા પ્રાથમિક શાળાના પરિસરમાં ભાષાને સાંભળીને શીખવાના અભ્યાસ તરીકે, વર્ગખંડની બહાર સ્પીકર પર અમુક સમયે અંગ્રેજી કવિતાઓ વગાડવામાં આવે છે. એ કવિતાઓ સાંભળીને બાળકો અંગ્રેજી ભાષા વધુ સારી રીતે શીખી રહ્યા છે. તે સિવાય વૃક્ષની ડાળીઓ અને કેરમની કુકરીઓ પર મૂળાક્ષરો લખીને નવીન પ્રયોગો કરવામાં આવ્યા છે. આ મૂળાક્ષરો બાળકોની નજરમાં પડે તો તેમના મસ્તિષ્કમાં તે સરળતાથી અંકિત થાય છે અને તે શીખવામાં પણ તેમને રસ પડે છે. બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ અને હોમવર્કમાં લેખન અને વાંચન સાથે સાંભળીને બોલવાનું અને અભિનયનું કાર્ય પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના આ પ્રયોગોથી સારા પરિણામો જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો _VADODARA : મોટા ગરબા આયોજકો પૂર પીડિતોની સહાય માટે આગળ આવ્યા