ભારતની G20 અધ્યક્ષતા હેઠળ એજ્યુકેશન વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક ગુરૂવારે યોજાઇ હતી. બેઠકના બીજા દિવસે કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સુભાષ સરકારે ઇન્ટ્રોડક્ટરી સેશનને સંબોધિત કર્યું હતું. બીજા દિવસે કુલ 4 સત્રો આયોજિત કરવામાં આવ્યા. બેઠકમાં G20 સભ્ય દેશો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના 60થી વધુ પ્રતિનિધિઓએ હિસ્સો લીધો હતો. ભુવનેશ્વરમાં આયોજિત એજ્યુકેશન વર્કિંગ ગ્રુપની બેઠકમાં વિગતવાર ચર્ચાઓની વિવિધ તકો ઊભી થાય તેવી અપેક્ષા છે.
ઘોષણાપત્રના ઝીરો ડ્રાફ્ટ અંગે ચર્ચા
બેઠકના બીજા દિવસે સુભાષ સરકારે વૈશ્વિક સહયોગમાં રહેલી શક્તિ વિશે વાત કરી. તેમણે કહ્યું કે G20એ આપણને યાદ અપાવ્યું છે કે વિશ્વ એક મોટો પરિવાર છે, જેમાં સહયોગ અને સહિયારા વિચારોમાં સમાજના સૌથી મહત્વપૂર્ણ પડકારોને પહોંચી વળવાની ક્ષમતા રહેલી છે. ત્યારબાદ બેઠકના પહેલા સત્રમાં G20 શિક્ષણ મંત્રીઓના ઘોષણાપત્રના ઝીરો ડ્રાફ્ટ અંગે ચર્ચા કરવામાં આવી. પહેલા સત્રમાં બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાના સહ-અધ્યક્ષોએ પોતપોતાના વિચારો શેર કર્યા.
બીજા સત્રમાં પણ G20 શિક્ષણ મંત્રીઓની ચર્ચા
ત્યારબાદ બીજા સત્રમાં પણ G20 શિક્ષણ મંત્રીઓના ઘોષણાપત્રના ઝીરો ડ્રાફ્ટની ચર્ચાને આગળ વધારવામાં આવી. ત્રીજા સત્રમાં વર્કિંગ ગ્રુપ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. આ પહેલા, બુધવારે ‘ભવિષ્યના કાર્યના સંદર્ભમાં આજીવન શીખવા માટે ક્ષમતા નિર્માણ’ વિષય પર એક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેન્નઈ અને અમૃતસરમાં યોજાયેલી પાછલી બે વર્કિંગ ગ્રુપની બેઠકોનો આગળનો હિસ્સો છે, જેનો ઉદ્દેશ શિક્ષણ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર બદલાવ લાવવા માટે નવા વિચારો અને નીતિઓ પર ચર્ચા કરવાનો અને તેને લાગુ કરવાનો છે.
સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
ચર્ચાઓ ઉપરાંત, ત્રણ દિવસીય બેઠકમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ સામેલ છે, જેમાં પારંપરિક ઓડિસી નૃત્યની રજૂઆત પણ કરવામાં આવશે. પ્રતિનિધિઓને ઓડિશાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરવાની તેમજ રાજ્યના ઇતિહાસ અને તેની પરંપરાઓ વિશે વધુ જાણકારી મેળવવાની તક પ્રાપ્ત થશે. કાર્યક્રમના છેલ્લા દિવસે પ્રતિનિધિઓ કોણાર્ક મંદિરની મુલાકાત લેશે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ સાઇટ પોતાની સ્થાપત્ય ભવ્યતા અને જટિલ મૂર્તિકલા માટે પ્રસિદ્ધ છે. આ મંદિર રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે અને એક લોકપ્રિય પર્યટન સ્થળ પણ છે.