Lok Sabha Election : લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહીં છે. અત્યારે ચૂંટણી પહેલા નેતાઓ અને અધિકારીઓ પોતાની પાર્ટી બદલીને બીજી પાર્ટીઓ પણ જઈ રહ્યાં છે. ખાસ કરીને અત્યારની વાત કરવામાં આવે તો ભાજપનું પડલું ભારે હોય તેવું લાગી રહ્યું છે. આજે, 24 માર્ચ રવિવારના રોજ ભૂતપૂર્વ એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા અને YSR કોંગ્રેસ પાર્ટીના નેતા વરપ્રસાદ રાવ વેલાગપલ્લી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયાં છે.
ભાજપમાં જોડાયો તેનો મને ગર્વ છેઃ આરકેએસ ભદૌરિયા
તમને જણાવી દઈએ કે, 2024ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેની હાજરીમાં બંને નેતાઓએ ભાજપનું સભ્યપદ લીધું છે. આ પ્રસંગે વરપ્રસાદ રાવ વેલ્લાપલ્લીએ કહ્યું કે તેઓ ભાજપમાં જોડાયા છે તેનો તેમને ગર્વ છે. તેમણે પીએમ નરેન્દ્ર મોદીની કાર્યશૈલીના વખાણ પણ કર્યા હતાં. આ સાથે આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે, મોદીજીના નેતૃત્વમાં ભારતના લોકોમાં નવો આત્મવિશ્વાસ છે અને સેનામાં સુરક્ષાના દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે મોદીજીનું અદ્ભુત નેતૃત્વ વિકસિત ભારત બનાવવામાં મદદ કરશે.
તેમણે વાયુસેનાના પ્રમુખ તરીકે સેવા આપી છે
આ દરમિયાન અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું કે, પૂર્વ એરફોર્સ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા અને વારા પ્રસાદ રાવનું દૂનિયાની સૌથી મોટી પાર્ટીમાં સ્વાગત છે. તેમણે કહ્યું કે ભદૌરિયાજીને યુનિફોર્મમાં જોઈને તેમને ઘણી પ્રેરણા મળતી હતી. નોંધનીય છે કે, ભદૌરિયા 2019 થી 2021 સુધી વાયુસેનાના પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા હતાં. તેમના વિશે વધુ વાત કરવામાં આવે તો ભદૌરિયા મૂળ આગ્રા જિલ્લાના બાહ તહસીલના રહેવાસી છે.
ગાઝિયાબાદ બેઠક પરથી મળી શકે છે ટિકિટ
ઉલ્લેખનીય છે કે, તેમણે એરફોર્સ ચીફ રહીને તેમની નેતૃત્વ ક્ષમતાના ઘણા ઉદાહરણો આપ્યા હતા.અત્યારે એવી પણ ચર્ચાઓ ચાલી રહીં છે કે, ભાજપ ગાઝિયાબાદ લોકસભા સીટ પરથી આરકેએસ ભદૌરિયાને ટિકિટ આપી શકે છે. કારણ કે પશ્ચિમ ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ અને મેરઠ બેઠકો માટે ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. ભાજપે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) લઈને મોટા ભાગની બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પરંતુ આ બેઠકો પર નામ જાહેર કરવાના બાકી છે.
આરકેએસ ભદૌરિયાની દીકરી પાયલટ છે
તમને જણાવી દઈએ કે, ભદૌરિયાએ ભારતીય વાયુસેનામાં 40 વર્ષ સુધી કામ કર્યું છે. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરિત થઈને જ રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો છે. રાકેશ કુમાર સિંહ ભદૌરિયાની દીકરી પાયલટ છે. તેમનો પરિવાર છેલ્લા ઘણા દાયકાઓથી સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલો છે. તેમના પિતા સૂરજપાલ સિંહ એરફોર્સમાં માસ્ટર વોરંટ ઓફિસર હતા અને કાકા સંતોષ સિંહ પણ એરફોર્સમાં કામ કરતા હતા. બીજા કાકા દેશપતિ સિંહ રેલ્વે વિભાગમાં કામ કરતા હતા, કાકા અરવિંદ સિંહ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવતા હતા.