Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

NARMADA : આજથી માં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા શરૂ, અનેક સુવિધાઓ તૈયાર

06:29 PM Apr 08, 2024 | PARTH PANDYA

NARMADA : આજથી શરૂ થયેલી માં નર્મદા (NARMADA PARIKRAMA) ની ઉત્તરવાહીની પરિક્રમા ૮મી મે, ૨૦૨૪ સુધી ચાલશે. પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રહેશે. પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા દ્વારા રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ, શ્રદ્ધાળુઓ માટે વિસામો, પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુૂઓ માટે સુવિધાની કામગીરી કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી કેટલાંક સૂચનો કર્યા હતા.

ભાવિકો વહીવટી તંત્રને પુરતો સહયોગ આપશે વિશ્વાસ

નર્મદા જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા નર્મદા પરિક્રમાને લઇને તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા શરૂ કરે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરીને જાય તેવો વહીવટી તંત્રનો પ્રયાસ છે. વહીવટી તંત્ર દ્વારા પુરતી માત્રામાં નાવડીઓની સુવિધા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી, છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડીંગ રૂમ, કન્ટ્રોલરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવિકો પણ વહીવટી તંત્રને પુરતો સહયોગ આપશે તેેવો તંત્રને વિશ્વાસ છે.

અંતિમ ઘડી સુધી તંત્ર દ્વારા કામગીરીની સમીક્ષા

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નર્મદા પરિક્રમા સમયે અનેક મુશ્કેલીઓને શ્રદ્ધાળુઓએ સામનો કરવો પડ્યો હતો. જેને લઇને તંત્રએ અનેક વખત નીચુ જોવા જેવું થયું હતું. પરંતુ આ વખતે શ્રદ્ધાળુઓને મહત્તમ સુવિધાઓ આપી શકાય તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. અને અંતિમ ઘડી સુધી જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા કામગીરીની સમીક્ષા હાથ ધરાઇ છે. હવે શ્રદ્ધાળુઓનો અનુભવ કેવો રહે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો — VADODARA : કારમાં ઠાંસીઠાંસીને ભરેલો દારૂનો જથ્થો ઝડપાયો