Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

MP: ગુનામાં ડમ્પર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 13 જીવતા ભૂંજાયા, 16થી વધુ ગંભીર રીતે દાઝ્યા

08:49 AM Dec 28, 2023 | Vipul Sen

મધ્યપ્રદેશના ગુનામાં બુધવારે રાતે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. ગુનાથી આરોન જઈ રહેલી યાત્રીઓની ભરેલી એક બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસ પલટી હતી અને તેની ડીઝલની ટાંકી ફાટી જતા બસમાં આગ ભભૂકી ઊઠી હતી. આ આગમાં 13 મુસાફરો જીવતા સળગી જતા તેમના મોત થયા છે. જ્યારે 16 લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવાયા છે. માહિતી મુજબ, આ મુસાફરોમાંથી કેટલાકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા હોવાથી મોડી રાત સુધી તેની ઓળખ થઈ શકી ન હતી.

મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

આ દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ રાજ્યના સીએમ ડૉ. મોહન યાદવે શોક વ્યક્ત કર્યો અને તપાસના આદેશ આપ્યા છે. એવી માહિતી છે કે, દરરોજની જેમ, 32 સીટર બસ બુધવારે રાત્રે લગભગ 8 વાગ્યે ગુનાથી આરોન માટે રવાના થઈ હતી. બસ જિલ્લા મુખ્યાલયથી લગભગ 7 કિમી દૂર પહોંચી હતી, ત્યારે એક ડમ્પર સાથે બસની ટક્કર થઈ હતી. આ પછી બસ પલટી મારી હતી અને તેની ડીઝલની ટાંકી ફાટી હતી, જેના કારણે બસમાં આગ લાગી હતી. અકસ્માતની માહિતી મળતા ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસનો કાફલો અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘાયલોને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો થકી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અંધારાના કારણે બચાવ કાર્યમાં વિલંબ થયો હતો, જેથી મોડી રાત્રે પોલીસે ઘટના સ્થળે રોશની કરવા માટે ચાલતા વાહનમાં લાઇટની વ્યવસ્થા કરી હતી.

બસમાંથી એટલી બધી જ્વાળાઓ નીકળી રહી હતી કે બસની અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે પણ કોઈ જઈ શક્યું ન હતું. જે રૂટ પર બસ મુસાફરી કરી રહી હતી તે વિસ્તાર નિર્જન વિસ્તાર હતો. જ્યારે અકસ્માત થયો ત્યારે કેટલાક મુસાફરોએ બસની બહાર આવી ગયા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ મુસાફરોએ ફોન કરીને પોલીસને જાણ કરી હતી. કેટલાક મુસાફરોએ બસના દરવાજા અને બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

મુખ્યમંત્રીએ આર્થિક સહાયની જાહેરાત કરી

મુખ્યમંત્રી ડો. મોહન યાદવે બસ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. તેમ જ વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવાની સૂચના આપવામાં આવી છે.

 

આ પણ વાંચો – દેશમાં સબ વેરિયન્ટ JN.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં..