- સ્વીડનમાં નોંધાયો મંકીપોક્સનો પ્રથમ કેસ
- સંક્રમિત વ્યક્તિ આફ્રિકાથી આવ્યો હતો
- મંકીપોક્સ અંગે WHOએ ઈમરજન્સી જાહેર કરી છે
- WHOએ વૈશ્વિક આરોગ્ય ઈમરજન્સી જાહેર કરી છે
- આફ્રિકન દેશ કોંગોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે
- 13 દેશમાં મંકપોક્સના કેસમાં સતત વધારો
- 2022 કરતા વધુ ગંભીર અને જીવલેણઃ WHO
- અમેરિકા અને કેનેડામાં પણ ચેતવણી જાહેર
Beware of Mpox : કોરાના બાદ હવે એક નવા રોગે વૈશ્વિક સ્તરે હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. જીહા, અમે અહીં મંકીપોક્સની વાત કરી રહ્યા છીએ. જેને લઇને હવે WHO એ પણ ચિંતા વ્યક્ત કરી છે અને તેને વૈશ્વિક આરોગ્ય ઇમરજન્સી જાહેર કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, સ્વીડનમાં Mpox (મંકીપોક્સ)નો પહેલો કેસ 15 ઓગસ્ટે નોંધાયો છે, જે આફ્રિકા બહારનો પહેલો કેસ હોવાનું મનાય છે. આ સમાચાર એક દિવસ પહેલા, વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) આ રોગને વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યા પછી આવ્યા છે. સ્વીડિશ પબ્લિક હેલ્થ એજન્સી દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે ચેપગ્રસ્ત વ્યક્તિ આફ્રિકાના એવા વિસ્તારમાં ગયા હતા, જ્યાં આ રોગ મોટી સંખ્યામાં ફેલાયેલો છે.
સ્વીડનમાં Mpox ના પ્રથમ કેસની પુષ્ટિ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને Mpox ના વધતા જોખમ વિશે ચેતવણી આપી હતી અને હવે આફ્રિકાની બહાર Mpox ના પ્રથમ કેસની પુષ્ટિ સ્વીડનમાં થઈ છે. માત્ર એક દિવસ પહેલા, વિશ્વ આરોગ્ય સંસ્થાએ 2 વર્ષમાં બીજી વખત આ રોગને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. સ્વીડિશ પબ્લિક હેલ્થ એજન્સીના ડાયરેક્ટર જનરલ ઓલિવિયા વિગઝેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ચેપગ્રસ્ત વ્યક્તિને આફ્રિકાના એવા ભાગમાં રહેતા હતા જ્યાં આ રોગ વ્યાપક છે. સ્વીડનના આરોગ્ય મંત્રીએ કહ્યું, ‘સ્વીડનમાં ક્લેડ-1 નામના Mpox ના વધુ ગંભીર પ્રકારનો કેસ હોવાની પુષ્ટિ થઈ છે.’
Mpox વાયરસનો પ્રસાર
Mpox વાયરસ લોકોને નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે. આફ્રિકાના કોંગો વિસ્તારમાં આ રોગ વધુ ગંભીર હોવાનું માનવામાં આવે છે, અને આ રોગ આસપાસના દેશોમાં ફેલાઈ રહ્યો છે. WHOએ આ માટે આરોગ્ય કટોકટી જાહેર કરી છે. WHOએ આફ્રિકા અને અન્ય ખંડોમાં રોગના ફેલાવાની સંભાવના વિશે પણ ચેતવણી આપી છે. અમેરિકા અને કેનેડા સહિતના અન્ય દેશોમાં પણ મંકીપોક્સના કેસ નોંધાયા છે. આ દેશોએ પણ આ રોગને લઈને ચેતવણી જાહેર કરી છે અને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. આફ્રિકામાં Mpoxના 17,000 થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 517 લોકોના મૃત્યુ થયાં છે, જે ગયા વર્ષની સરખામણીએ 160 ટકા વધુ છે. આ આંકડા આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા આપવામાં આવ્યા છે.
Mpox ના લક્ષણો
Mpoxના લક્ષણો શીતળા જેવા હોય છે, જેમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને ફોલ્લીઓનું ઉમેરો થાય છે. આ ફોલ્લીઓ સામાન્ય રીતે ચહેરા પર શરૂ થાય છે અને પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓ, શરીરના પ્રવાહી, દૂષિત પદાર્થોના સીધા સંપર્કમાં આવતા ફેલાય છે. તે સિવાય આ શ્વાસના ટીપાંથી અથવા અડવાથી પણ ફેલાઈ શકે છે. આ લક્ષણો સામાન્ય રીતે 2 થી 4 અઠવાડિયા સુધી રહે છે, અને આ રોગ સામાન્ય રીતે હળવો હોય છે. જોકે, કેટલાક લોકોમાં લક્ષણો વધુ ગંભીર હોઈ શકે છે, જેને તબીબી સંભાળની જરૂર પડી શકે છે. ખાસ કરીને બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં આ રોગનું જોખમ વધુ હોય છે.
આપણે શું સાવચેતી રાખી શકીએ?
- વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા.
- બીજા લોકોથી થોડું અંતર રાખવું.
- જ્યારે ભીડવાળા વિસ્તારમાં જાઓ ત્યારે ખાસ માસ્ક પહેરવું.
- જો કોઈ વ્યક્તિને મંકીપોક્સના લક્ષણો હોય તો તેનાથી દૂર રહેવું.
- જો તમને મંકીપોક્સના લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી.
આ પણ વાંચો: વિશ્વ ઉપર કોરોના બાદ હવે MPOX નો પડછાયો, 15000 થી વધુ કેસ 460 થી વધુ મોત; લાદવી પડી EMERGENCY