Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાતી ભાષાની મીઠાશને આત્મસાત્ કરાવતા ઘણા શબ્દો આજે થઈ રહ્યા છે અલિપ્ત

10:16 AM Apr 17, 2023 | Vipul Pandya

બે-ત્રણ દિવસ પહેલા વર્તમાનપત્રમાં સમાચાર હતા કે, કોઈ એક શહેરમાં “મુશળધાર” વરસાદ પડ્યો છે. વાંચીને આનંદ થયો. ખબર નહીં કેમ દિવસ દરમિયાન મને મળેલા એક યુવકને પુછાઈ ગયું કે “છાપામાં વરસાદ વિશે વાંચ્યું?” એણે તુરંત જ જવાબ આપ્યો કે, “હા ફલાણા શહેરમાં મુશળધાર વરસાદના સમાચાર મેં પણ વાંચ્યા.” 
તેના જવાબ આપ્યા બાદ મારાથી સહેજ પુછાઈ ગયું કે, “આ મુશળધાર શબ્દનો અર્થ ખબર છે.” એણે માથું ખંજવાળ્યું અને મને ખ્યાલ આવ્યો કે, “મુશળ” શબ્દ એને માટે અજાણ્યો હતો. પછી મેં એને તો એનો અર્થ સમજાવ્યો પણ એ પછી આખો દિવસ મારા મનમાં વિચાર પડઘાતો રહ્યો કે, આપણી ભાષાના વૈભવ સાથે જોડાયેલા મુશળ, સાંબેલું, વાડો, ઘંટી, મોભ, નળીયા, મેડીયું, સેઢો, હરોતરા, પાનથ, થાળું, તાંસળું કલાડું, ચૂલો વગેરે જેવાં ગુજરાતી ભાષાની મૂળ તાકાતને અને મીઠાશને આત્મસાત્ કરાવતા કેટકેટલા શબ્દો આપણા રોજબરોજના જીવનમાંથી અલિપ્ત થઈ રહ્યા છે.
પહેલાના જમાનામાં ગામડાના પ્રત્યેક ઘરની ઓસરીમાં અનાજ ખાંડવા માટેનો ખાનીયો રહેતો. તેમાં અનાજ નાખીને જે સાધન વડે અનાજને કુટવામાં આવતું તેને સાંબેલું કહેતા. લાકડાનું બનેલું આ સાંબેલું લગભગ ત્રણ ચાર ફૂટની ઉંચાઈવાળું વજનદાર અને દરેક ઘરમાં રહેતું એ જમાનાનું અનિવાર્ય સાધન હતું. ચોમાસામાં ધોધમાર વરસાદ પડે તો તેને ગામડાના લોકો “સાંબેલાધાર” કે પછી “મુશળધાર” વરસાદ કહેતા. આજે કદાચ એ શબ્દોમાંના કેટલાક શબ્દો તો વ્યવહારમાં વપરાતા જોયાં છે પણ એ અને એવા વૈભવશાળી શબ્દોના અર્થો જાણનારા લોકો તો હવે સ્મરણવિશ્વમાં જ સચવાયા છે.