Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ખીચડીનો આ રીતે કરો વઘાર, ભૂખ ઓછી લાગી હશે તો પણ પેટ ભરીને ખાશો

06:58 PM Apr 23, 2023 | Vipul Pandya

પહેલાના જમાનામાં લોકો દરરોજ ખીચડી ખાતા હતા અને એટલે જ કદાચ આપણા વડીલો આજે પણ સ્વસ્થ છે. મોટાભાગના લોકો ખીચડી ત્યારે જ ખાય છે જ્યારે તેમને કંઈક હલકું ખાવાનું મન થાય એટલે કે ભૂખ ઓછી લાગે અથવા કોઈ બીમાર હોય અને તેમના મોંનો સ્વાદ બગડતો હોય. પરંતુ જો આવી રીતે મસાલેદાર ખીચડી બનાવશો, તેની સુગંધથી જ ઘરમાં જેને નહીં ભાવતી હોય તેની પણ ભૂખ ચોક્કસથી વધી જશે. તો આવો જાણીએ તમારો સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેને જાળવી રાખે તેવી સ્વાદિષ્ટ મસાલાદેર ખીચડી બનાવવાની આ રેસીપિ..
મસાલા ખીચડી બનાવવા માટે સામગ્રી : 
બાસમતી ચોખા 100 ગ્રામ
મગની દાળ 50 ગ્રામ
લીલા વટાણા 1/2 કપ
કોબીજ 1⁄2 કપ ઝીણાં સમારેલા
કેપ્સિકમ 1/4 કપ ઝીણાં સમારેલા
બટાકા 1 નંગ ઝીણું સમારેલું
ટામેટા 2 ઝીણાં સમારેલા
ઘી 2-3 ચમચી
કોથમીર થોડી જીણી સમારેલી
જીરું 1/2 નાની ચમચી
હીંગ ચપટી
હળદર પાવડર 1/4 નાની ચમચી
આદુ 1/2 ઇંચનો ટુકડો જીણો સમારેલો
લીલા મરચા 2 બારીક સમારેલા
લાલ મરચું પાવડર 1/4 ચમચી
ગરમ મસાલો 1/4 નાની ચમચી
મીઠું સ્વાદ મુજબ
7 કાળા મરીના દાણા
2 લવિંગ 
મસાલા ખીચડી બનાવવાની રીત : 
  • મસાલા ખીચડી બનાવવા માટે સૌથી પહેલા બાસમતી ચોખા અને મગની દાળને સારી રીતે ધોઈ લો અને 1 કલાક સુધી પાણીમાં પલાળીને રાખો. અડધા કલાક પછી કૂકરમાં ચોખા, દાળ અને અઢી કપ પાણી ઉમેરીને ઉકળવા માટે મુકો.
  • 1 સીટી વાગે ત્યાં સુધી તેને કુક થવા દો. પછી, ગેસ બંધ કરો અને કૂકરનું પ્રેશર જતું રહે ત્યાં સુધી તેમાં જ ચોખા અને દાળને પાકવા દો. 
  • હવે એક પેનમાં 2 મોટા ચમચા ઘી લઈ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીને શેકી લો. પછી તેમાં હીંગ, હળદર, આદુ, લીલાં મરચા, મરીના દાણાં અને લવિંગને પણ સાંતળો. હવે આ મસાલામાં બટાકા ઉમેરો અને તે સહેજ ક્રન્ચી થાય ત્યાં સુધી ફ્રાય કરો. આ પછી કોબીજ અને વટાણાને શેકેલા બટાકામાં 1 મિનિટ સુધી ક્રન્ચી થાય ત્યાં સુધી પકાવો. પછી કેપ્સિકમ અને ટામેટાં ઉમેરી 1 મિનિટ માટે ફ્રાય કરો.
  • બધું શાક શેકાઈ જાય પછી તેમાં મીઠું, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરી બધી વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં 1 કપ પાણી ઉમેરી તેને ઉકળવા દો. તે જ સમયે, કૂકરમાં દાળ ચોખાની ખીચડી બરાબર ચડી ગઈ હશે. જયારે પ્રેશર કૂકરની હવા નીકળી જાય એટલે ચેક કરી લો કે દાળ અને ચોખા બરાબર પાકી ગયા છે કે નહીં.
  • શાકભાજીમાં વધુ 1 કપ પાણી ઉમેરીને ઉકળવા દો. જ્યારે તે ઉકળે ત્યારે તેમાં દાળ અને ચોખાની ખીચડી ઉમેરીને મિક્સ કરો.
  • ખીચડી વધારે ઘટ્ટ લાગે તો તેમાં થોડું વધારે પાણી ઉમેરી તેને હલાવી 2 મિનિટ સુધી પકાવો.
  • હવે સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી છાશ અને પાપડ ઉમેરી ગરમા ગરમ સર્વ કરો.