+

Bharuch Lok Sabha : 1989થી ભરુચ બેઠક પર ભાજપનો દબદબો

Bharuch Lok Sabha : ગુજરાત ફર્સ્ટનો લોકસભાનો લાઈવ સ્ટૂડિયો આજે દક્ષિણ ગુજરાતની એ ધરા પર પહોંચ્યો છે, જ્યાં આદિજાતી સમાજના મતદારોના આશીર્વાદ જેમને મળી જાય, સમજો તેમનો બેડો પાર થઈ…

Bharuch Lok Sabha : ગુજરાત ફર્સ્ટનો લોકસભાનો લાઈવ સ્ટૂડિયો આજે દક્ષિણ ગુજરાતની એ ધરા પર પહોંચ્યો છે, જ્યાં આદિજાતી સમાજના મતદારોના આશીર્વાદ જેમને મળી જાય, સમજો તેમનો બેડો પાર થઈ જાય, તે બેઠક એટલે ભરૂચ લોકસભા બેઠક (Bharuch Lok Sabha) ભાજપ કહે છે કે અબ કી બાર 400 પાર ત્યારે અહીની જનતા શા માટે એવું કહે છે કે મનસુખ ભાઈ સાતમી વાર…હવે તે પણ જાણીએ.

આ બેઠકનું રાજકીય તાપમાન વધુ ગરમાયું

ભરુચ બેઠકને ભાજપનો સુરક્ષિત કિલ્લો કહેવામાં આવે છે. ભાજપના મનસુખભાઈ વસાવાને સતત 6 ટર્મથી જનતાના આશીર્વાદ મળતા તેઓ હવે સાતમી વખત લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. જોકે હરીફ ઉમેદવાર તરીકે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાનમાં ઉતરતા આ ઉનાળે આ બેઠકનું રાજકીય તાપમાન પણ વધુ ગરમાયું છે.

ભરૂચ લોકસભા બેઠક વર્ષ 1989 થી ભાજપ પાસે

હવે આ બેઠકના રાજકીય રિપોર્ટ પર એક નજર કરીએ તો ભરૂચ લોકસભા બેઠક વર્ષ 1989 થી ભાજપ પાસે છે. ચંદુભાઈ દેશમુખ પછી મનસુખ વસાવાને સતત આ બેઠક પર જનતા આશીર્વાદ આપે છે. કોંગ્રેસના સ્વ. નેતા અહેમદભાઈ પટેલ 3 વખત આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 1962 થી 1984 સુધી આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી. મહત્વનું છે કે આદિવાસી સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકા આ બેઠક પર ભજવી જાય છે ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આ વખતની ચૂંટણીને કેવા દ્રષ્ટીકોણ સાથે જુએ છે તે પણ જાણીએ.

ભરૂચને ભવ્ય ભરૂચ બનાવ્યું

ગુજરાત ફર્સ્ટે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે ભરૂચ લોકસભા બેઠકમાં અનેક વિકાસના કામો થયા છે. નર્મદા નદી પર કેબલ બ્રિજ બનાવ્યો અને ટ્રાફિકની મોટી સમસ્યા હતી તે ભુતકાળ થઈ છે. તેમણે કહ્યું કે ભરૂચને ભવ્ય ભરૂચ બનાવ્યું છે અને ગેસ પાઈપ લાઈનથી લઈને ગામે ગામનો વિકાસ થયો છે તો સાથે શહેરને પણ સ્વચ્છ શહેર બનાવવાનો અવિરત પ્રયાસ કર્યો છે.

ભારતને વધુ સ્ટ્રોંગ ભાજપ જ કરી શકે છે

તેમણે કહ્યું કે એશિયાની સૌથી મોટી GIDC અંકલેશ્વરમાં છે અને ઉદ્યોગકારોને લગતા પ્રશ્નોને હલ કરવાનો સતત પ્રયાસ કર્યો છે. ઉપરાંત સ્થાનિકોને રોજગારી મળે તેવા પ્રયાસ કર્યા છે. પીવાના પાણીથી લઈ શિક્ષણ સુધીનો પ્રયાસ કરાયો છે. ડબલ એન્જિન સરકારનો જનતાને લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે ભરૂચને પ્રદૂષણ રહિત કરવાનો પ્રયાસ રહેશે. સાથે જ કહ્યું કે પ્રતિસ્પર્ધીને કોઈ દિવસ કમજોર ન સમજવો જોઈએ. ભાજપ રાષ્ટ્રનું હિત વિચારનારી પાર્ટી છે અને ભારતને વધુ સ્ટ્રોંગ ભાજપ જ કરી શકે છે. સામાન્ય લોકોની ચિંતા પ્રધાનમંત્રી કરે છે તથા ભાજપ સર્વાંગી વિકાસનો અભિગમ રાખે છે. નરેન્દ્રભાઈ મોદીનું સમગ્ર વિશ્વમાં નામ છે અને ભરૂચની જનતા મનસુખ વસાવાને ઓળખે છે.

ગમે તે ઋતુ હોય પણ અમે જનતાના કામ કર્યા છે

તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા મનસુખ વસાવાના વધતા કદમને અટકાવવા કયા મુદ્દાઓ ને લઈ જનતા વચ્ચે જવાના છે હવે તે પણ જાણીએ. ચૈતરભાઈ વસાવા સાથે સીધી વાત કરતાં તેમણે કહ્યું કે શક્તિનો ઉપયોગ સતત પ્રજાની સેવામાં કરવામાં આવી રહ્યો છે. મે અને મારી પત્નીએ રાજીનામુ આપ્યું હતું. 2015 થી અમે લોક સેવામાં છીએ અને ગમે તે ઋતુ હોય પણ અમે જનતાના કામ કર્યા છે. મારૂ કાર્યાલય ક્યારે બંધ નથી રહ્યું તેમ જણાવતાં ચૈતર વસાવાએ કહ્યું કે મને જનતા અને સલાહકારોએ ચૂંટણી લડવા કહ્યું છે. તેમણે કટાક્ષ કર્યો કે મારા કારણે મનસુખભાઈને ટિકિટ મળી છે. તેમણે કહ્યું કે ફૈજલભાઈ, મુમતાઝ બેન અમે બધા સાથે છીએ. ચૈતર વસાવાએ કહ્યું કે ને જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમે ભરૂચ લોકસભા જીતીશું.

કુલ 17 લાખ 18 હજાર 794 જેટલા મતદારો

કોઈ પણ કાર્યકર્તાને ધારાસભ્ય કે પછી સાંસદ બનાવવા પાછળ મતદારો પ્રમુખ સ્થાને રહે છે ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે ભરૂચ લોકસભા બેઠકમાં કુલ કેટલા મતદારો નવી યાદી મુજબ સામેલ થયા છે તો જણાવીએ કે અહીં પુરુષ મતદારોની સંખ્યા 8 લાખ 75 હજાર 104 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 8 લાખ 43 હજાર 607 સહિત કુલ 17 લાખ 18 હજાર 794 જેટલા મતદારો ભાવિ સાંસદનું ભવિષ્ય આ વખતે EVMમાં કેદ કરશે.

આદિવાસી સમાજના મતદારો ગેમ ચેન્જર

આ બેઠક પર આદિવાસી સમાજના મતદારો ગેમ ચેન્જર સાબીત થઈ જાય છે કારણ કે 30 ટકા જેટલા મતદારો માત્ર આદિવાસી સમાજના જ છે વધુમાં મુસ્લિમ સમાજના 25 ટકા, પાટીદાર સમાજના 12 ટકા, ક્ષત્રિય સમાજના 8 ટકા જ્યારે દલિત સમાજના 5 ટકા સહિત અન્ય 20 ટકા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે

ભરૂચ લોકસભા બેઠકના મતદાર

પુરુષ મતદાર 8,75,104
સ્ત્રી મતદાર 8,43,607
કુલ મતદાર 17,18,794

જ્ઞાતિવાદી સમીકરણ

આદિવાસી 30 ટકા
મુસ્લિમ 25 ટકા
પાટીદાર  12 ટકા
ક્ષત્રિય 8 ટકા
દલિત  5 ટકા
અન્ય 20 ટકા

આ વિધાનસભા બેઠકોનો સમાવેશ

ભરૂચ લોકસભા બેઠકની વાત કરતા હોઈએ ત્યારે જાણવું એ પણ જરૂરી બની જાય છે કે આ બેઠકમાં કુલ કેટલી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે તો કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર બેઠકના મતદારોના આશીર્વાદ મળતા જ ઉમેદવાર સંસદ ભવન સુધીની સફર સર કરી જાય છે.

વિધાનસભા પ્રમાણે ગણિત

કરજણ ભાજપ
ડેડિયાપાડા  AAP
જંબુસર ભાજપ
વાગરા ભાજપ
ઝઘડિયા ભાજપ
ભરૂચ ભાજપ
અંકલેશ્વર ભાજપ

ભરૂચ લોકસભા બેઠકનો સંપુર્ણ ચિતાર

તો આ હતો ભરૂચ લોકસભા બેઠકનો સંપુર્ણ ચિતાર. આ રીતે જ અમે તમને જણાવતા રહીશું લોકસભાની બાકી અન્ય બેઠકોનો મિજાજ.. આપ વાંચતા રહો ગુજરાત ફર્સ્ટ વેબસાઇટ…

આ પણ વાંચો—– Vadodara Lok Sabha : 1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે

આ પણ વાંચો—- Jamnagar Lok Sabha : આ બેઠક જે જીતે તે કેન્દ્રમાં બનાવે છે સરકાર

આ પણ વાંચો—- Anand Lok Sabha seat : 2014 બાદ મોદી લહેરમાં કોંગ્રેસના ગઢમાં કાંગરા ખર્યા

 

Whatsapp share
facebook twitter