Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યના ગરીબ-મઘ્યમવર્ગીય પરિવાર માટે આયુષ્યમાન કાર્ડ આશીર્વાદરૂપ: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

09:24 AM Apr 21, 2023 | Vipul Pandya

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સંયુક્ત વડાપ્રધાન જન આરોગ્ય-મા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1.41 કરોડ લાભાર્થીઓએ આયુષ્યાન કાર્ડ કઢાવીને 5 લાખનું સુરક્ષા વીમા કવચ પોતાના પરિવારને અપાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતના અંદાજિત 80 લાખ કુટુંબો એટલે કે, 4 કરોડ વ્યક્તિઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવા એક નવી પહેલ “આપ કે દ્વાર-આયુષ્માન” પણ આરંભવામાં આવી છે. 
આ પહેલ હેઠળ સોમવારની સ્થિતિએ ગુજરાતના અંદાજિત 1.43 કરોડ લોકોનું વ્યક્તિગત આયુષ્માન કાર્ડ કાઢીને, ગુજરાત આ કામગીરીમાં પણ સમગ્ર દેશમાં ચોથા ક્રમે છે. જ્યારે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત દાવા ચૂકવણીમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમાંકે છે. આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના કોઇપણ જરૂરિયાતમંદ ગરીબ કે મધ્યમવર્ગીય દર્દીને સારવાર ખર્ચના કારણે દેવાદાર બનવું ન પડે તે માટે આયુષ્યમાન કાર્ડ આશીર્વાદરૂપ છે. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત 6 દિવસના સમયગાળામાં સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત 67,257 જેટલા લાભાર્થીઓએ  આયુષ્યમાન કાર્ડ કઢાવીને લાભ મેળવ્યો છે. 
“PMJAY-MA” યોજના અંતર્ગત રાજ્યની 1875 સરકારી અને 737 ખાનગી હોસ્પિટલોમાં 2612 જેટલી આરોગ્ય સેવાઓ અને સર્જરીની સારવાર આપવામાં આવી રહી છે. તા.11 જુલાઇ, 2022ની સ્થિતિએ ગુજરાત 5363 કરોડની દાવા નોંધણી સાથે સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે હતું. જરૂરિયાતમંદ પ્રજાની સારવાર માટે વર્ષ 2018થી અત્યાર સુધીમાં કુલ 29.7 લાખ દાવાઓ નોંધાયેલ છે, જે માટે કુલ રકમ રૂ. 5363 કરોડનો આર્થિક બોજો રાજ્ય સરકારે ઉપાડ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ નિયત માપદંડો ધરાવતા રાજ્યના પરિવારો સરકારી હોસ્પિટલો જ નહીં પરંતુ શ્રેષ્ઠ અને અગ્રગણ્ય ગણાતી ખાનગી હોસ્પિટલોમાં અનુભવી ડોક્ટરો પાસેથી પણ સારવારનો નિ:શુલ્ક લાભ મેળવી શકે છે. 
વળી સરકારી હોસ્પિટલો પણ યોજના અંતર્ગત વધુમાં વધુ દાવાઓ નોંધાય તથા વધુમાં વધુ લાભાર્થીઓ પોતાની નજીકના સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે પ્રેરાય તે માટે રાજ્ય સરકાર દ્વારા “ગ્રીન કોરિડોર”ની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં આ યોજના અંતર્ગત સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર તેમજ ખર્ચાળ બિમારીઓ માટે કુલ 2681 જેટલી નિયત પ્રોસીજરો/ઓપરેશનોનો લાભ મળવાપાત્ર છે. લાભાર્થીઓને હોસ્પિટલમાં સારવાર લેવા માટે મુશ્કેલી ન સર્જાય તે માટે તમામ સંલગ્ન હોસ્પિટલમાં “પ્રધાનમંત્રી આયુષ્માન મિત્ર’ની નિમણૂંક પણ કરવામાં આવી છે.
આજે રાજ્ય સહિત દેશના અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે “PMJAY-MA” યોજના આશિર્વાદરૂપ  સાબિત થઇ છે અને હજારો-કરોડો ગરીબ કુટુંબોના મુખે બહોળી પ્રસિદ્ધિ પામતી જાય છે.