Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Chhotaudepur: શું ગૃહપતિ બાળકોને માર મારતા હતા? ગુજરાત ફર્સ્ટે તપાસ માટે છાત્રાલયની લીધી મુલાકાત

10:32 PM Sep 12, 2024 |
  1. છાત્રાલયના ગૃહપતિ પર બાળકોને મારતા હોવાના આક્ષેપ
  2. બે દિવસ પહેલા આ ઘટનાનો વીડિયો થયો હતો વાયરલ
  3. ઘટનાની હકીકત જાણવા ગુજરાત ફર્સ્ટે લીધી છાત્રાલયની મુલાકાત

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલી ગજાનન કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓનો બે દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. નોંધનીય છે કે, છાત્રાલયના ગૃહપતિ તેઓને માર મારતા હોવાના આક્ષેપ સાથે રુદન સ્વરના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેની પુષ્ટિ કરવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ છાત્રાલયના બાળકોની મુલાકાતે પહોંચી હતી. આ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે.

શું ગૃહપતિ છાત્રાલયમાં નશો કરીને આવે છે?

ગુજરાત ફર્સ્ટ દ્વારા બાળકો સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. છાત્રાલયના ગૃહપતિ બાળકોને મારતા હોવાની વાત પર બાળકો અડગ રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ ગૃહપતિ છાત્રાલયમાં નશો કરીને આવતા હોવાની પણ વાત સામે આવી હતી. આ સાથે છાત્રાલયમાં બાળકોને અપાતા ભોજન પણ ગુણવત્તા વિહીન હોવાનો ઘટસ્ફોટ પણ બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ, જાણો તેમની કાર્યસિદ્ધિની વિગતો

કેમેરાની સામે છાત્રાલયના ગૃહપતિએ આ સમગ્ર ઘટનાને નકારી

સમગ્ર મામલાની હકીકત એવી છે કે, બે દિવસ પહેલા છાત્રાલયના કેટલાક બાળકો એ તેજગઢ ગામના સ્થાનિક દુકાનદારોને તેઓને ગૃહપતિ દ્વારા કનડગત કરતા હોવાની આપવીતી જણાવી હતી. જેને લઇ કેટલાક દુકાનદારો બાળકોની વ્હારે આવ્યા હતા અને આ આપવીતી જણાવતા બાળકોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. બાળકોને પુનઃ છાત્રાલયમાં મૂકવા ગયા હતા. પરંતુ ગૃહપતિ હાજર ન હોય કોઈ વાતચીત થઈ શકી ન હતી.

આ પણ વાંચો: ગુજરાત ભારતમાં સૌથી મોંઘું રાજ્ય; અહીં રહેવું હોય તો માસિક 50000 પગાર હોવો જોઈએ, જાણો શું કે છે સર્વે…

સ્થાનિક દુકાનદારો દ્વારા સમગ્ર હકીકતની વિગતો મેળવાઈ

આજે ફરી ગુજરાત ફર્સ્ટ બાળકોની મુલાકાતે પહોંચતા સ્થાનિક દુકાનદારો દ્વારા સમગ્ર હકીકતથી ટીમને વાકેફ કરાયા હતા. આ સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટ દ્વારા સંબંધિત અધિકારી આદિજાતિ વિકાસ આસિસ્ટન્ટ કમિશનરનો સીધો સંપર્ક કરાયો હતો. ત્યારે તેઓ દ્વારા પણ તટસ્થ તપાસ કરવાનો હુંકાર પણ ભર્યો હતો. હવે સવાલ એ ઉભા થાય છે કે, સરકાર દ્વારા કરોડો રૂપિયાનું ખર્ચ બાળકોના શિક્ષણ અને સાધનિક જરૂરિયાતો પાછળ ખર્ચવામાં આવે છે. બાળકોનો સમય અને શારીરિક શ્રમ બચે તેવા ઊંડા હેતુ સાથે ઠેર ઠેર છાત્રાલયની વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. બાળકોને છાત્રાલયમાં બે ટાઈમ ગુણવત્તા યુક્ત આહાર મળી રહે તેની પણ ચિંતા કરવામાં આવે છે. ત્યારે તેની નિગરાણી, અમલવારી અને યોગ્ય દેખરેખ ના અભાવ વચ્ચે પીસાતા માસુમ બાળકોને કહેવાતા ગુરુજીઓના ત્રાસનો ભોગ બનવું પડતું હોય તે કેટલી હદે વ્યાજબી કહેવાય? તેવા હાલ તો અનેક સણસણતા સવાલો ઊભા થઈ રહ્યા છે?

આ પણ વાંચો: VADODARA : ઉભરાતી ગટરને પગલે વેપારીઓનો ધંધો-રોજગાર જોખમમાં મુકાયો

રાજ્યની અન્ય છાત્રાલયોની પણ તપાસ થવી જોઈએ

નોંધનીય છે કે, બાળકો ગૃહપતિની બદલી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. હજી તંત્ર બે દિવસ બાદ પણ તટસ્થ તપાસ કરવામાં આવશે તેવો રાગ આલાપે છે! જવાબદારો દ્વારા માત્ર આ જ છાત્રાલય પૂરતું સીમિત નહીં રાખી જિલ્લાની અન્ય છાત્રાલયના બાળકોની શું પરિસ્થિતિ છે? તેનો ચિતાર પણ મંગાવવામાં આવે તેવી હાલના સમયની ઉગ્ર માંગ બનવા પામેલ છે. સ્વાભાવિક છે કે, અત્યારે આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ.

અહેવાલઃ તૌફીક શેખ, છોટાઉદેપુર