Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GCCI, GPCB અને GDMA દ્વારા સંયુક્ત રીતે પર્યાવરણની ચિંતા કરતા સેમિનારનું આયોજન

11:06 PM Apr 14, 2023 | Vipul Pandya

GCCI, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GDMA) દ્વારા સંયુક્ત રીતે CTE અને CCA માટે અરજી કરવા માર્ગદર્શન પૂરું પાડતી માર્ગદર્શિકા નું અનાવરણ, ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ XGN થકી ઓનલાઇન સેવાઓ નું લોન્ચિંગ તેમજ કાપડ ઉદ્યોગ થકી પ્રદૂષણની અસર અને તેના નિવારણ માટે વિવિધ નાવિન્યસભર તકનીકો વિશેના એક માહિતીપ્રદ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું.
GCCI, GPCB અને ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GDMA) ના સહયોગથી સંયુક્ત રીતે ઉદ્યોગો થકી પ્રદુષણ ના નિકાલ વિષય પર કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન CTE અને CCA માટે અરજી કરવા માર્ગદર્શન પૂરું પાડતી માર્ગદર્શિકા નું અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ XGN થકી ઓનલાઇન સેવાઓનું પણ લોન્ચિંગ થયું હતું. સાથે સાથે કાપડ ઉદ્યોગ થકી પ્રદૂષણની અસર અને તેના નિવારણ માટે વિવિધ નાવિન્યસભર તકનીકો ના ઉપયોગ વિશેનો સેમિનાર પણ ખુબ જ રસપ્રદ સાબિત થયો હતો.
ઉપરોક્ત કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન ના માનનીય મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત સરકારના વન, પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણ કુમાર સોલંકી IAS પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિકલ્પ નથી, પરંતુ એક ફરજ
મહેમાનોનું સ્વાગત કરતા GCCI ના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે સમય આવી ગયો છે કે જયારે આપણે ક્લાઈમેટ અવેરનેસ અને ક્લાઈમેટ પ્રોટેક્શન તરફ આગળ વધીએ અને આ એક પડકાર છે જેને સરકાર, ઉદ્યોગો, એનજીઓ અને કાનૂની સમુદાય સહિત તમામ હિસ્સેદારોએ સામૂહિક રીતે સંબોધિત કરવો પડશે. આપણા સૌ માટે આપણે આપણી ભાવિ પેઢીને પર્યાવરણ વિષયક શું વારસો સોંપી જઈશું તેનો વિચાર કરવાનો સમય આવી ગયો છે. હવે આ કોઈ વિકલ્પ નથી, પરંતુ એક ફરજ છે.
સાબરમતીમાં ટોક્સિક કચરાના નિકાલ અંગે ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે માત્ર ઉદ્યોગો જ જવાબદાર નથી અને પર્યાવરણીય પડકારનો સામનો કરવા માટે બધાજ સ્ટેકહોલ્ડર્સ ની એક સંયુક્ત સમિતિની રચના કરવાની જરૂર છે જેથી આ મુદ્દાઓને એક સામાન્ય મંચ દ્વારા સંબોધી શકાય તેમજ ઉકેલી શકાય.
તેમણે ઉલ્લેખ કર્યો કે COP26 અને COP 27 દરમિયાન માનનીય વડા પ્રધાનશ્રીએ તેઓની વિઝનમાં ટિપ્પણી કરી છે કે આપણે વર્ષ 2030 સુધીમાં કાર્બન નિર્ભરતામાં 50% ઘટાડો કરીશું અને વર્ષ 2070 સુધીમાં આપણે કાર્બન તટસ્થ બનીશું. આ માત્ર સામૂહિક પ્રયાસો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. . તેમણે ખાસ નોંધ લીધી કે આપણી પાસે એવી સરકાર છે જે તમામ હિતધારકોની ચિંતાઓ સાંભળવા અને તે પરત્વે કાર્યવાહી કરવા કટિબદ્ધ છે.
સાબરમતી નદીમાં પ્રદૂષણ ઘટાડવા પર ભાર મૂક્યો
જીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ પરીખે તેઓના થીમ સંબોધનમાં જીપીસીબી અને સીપીસીબી દ્વારા આપવામાં આવેલા વિવિધ ધોરણો અને માર્ગદર્શિકા નું સંપૂર્ણ પાલન કરીને ટકાઉ વિકાસ માટે ઉદ્યોગોની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. અમદાવાદ વિસ્તાર માટે ડીપ સી પાઈપલાઈન નાખવા નો ઉલ્લેખ કરીને તેઓએ ટિપ્પણી કરી હતી કે આ સંદર્ભે ડીપીઆર વર્ષ 2018 થી તૈયાર છે અને ઉદ્યોગોએ આ હેતુ માટે ભંડોળ પણ જમા કરાવ્યું છે. તેમણે સાબરમતી નદીમાં પ્રદૂષણ ઘટાડવા ડીપ સી પ્રોજેક્ટની તાકીદ પર ભાર મૂક્યો હતો.
તેમણે GPCB અને સરકારને ઓછામાં ઓછા એપ્રિલ 2024 સુધી જોખમી કચરાના ઉપયોગ માટેની હાલની વચગાળાની નીતિ લંબાવવા માટે વિનંતી કરી હતી અને તેના માટે વિવિધ કારણો દર્શાવ્યા હતા. તેમણે CEPI (કોમ્પ્રિહેન્સિવ એન્વાયર્નમેન્ટલ પોલ્યુશન ઇન્ડેક્સ) ની ગણતરી પરત્વે સમાધાનકારી અભિગમની જરૂરિયાત માટે અપીલ કરી હતી. ઉદ્યોગો વતી, તેઓએ વિનંતી કરી હતી કે GPCBએ TDS નોર્મ્સ માટે આગ્રહ ન રાખવો જોઈએ કારણ કે તે ટેકનો-ઈકો ફેઝીબલ નથી. તેમણે પર્યાવરણ ઓડિટ ના હેતુ માટે GPCB દ્વારા પર્યાવરણ ઓડિટરની ઓટો એલોટમેન્ટ ની સિસ્ટમ માટે અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે માનનીય મંત્રીને વિનંતી કરી કે તેઓ GCCI અને અન્ય હિસ્સેદારો ને આવા તમામ પર્યાવરણીય અને ઝેરી કચરા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંયુક્ત બેઠક માટે આમંત્રિત કરવા જોઈએ કે જેથી તમામ હિસ્સેદારો ના વિચારો જાણી આ બાબતે ચોક્કસ નિર્ણયો લઇ શકાય. તેમણે માનનીય મંત્રીઓને સરકારની “પર્યાવરણ સમિતિ”માં GCCI પ્રતિનિધિઓની નિમણૂક કરવા વિનંતી કરી જેથી આવા મંચમાં ઉદ્યોગોનો અવાજ રજૂ કરી શકાય. તેમણે નોટિફાઇડ એરિયામાં 100 કિમી વિસ્તારમાં સોલિડ વેસ્ટ સાઇટ પ્રદાન કરવા પણ વિનંતી કરી હતી.
પર્યાવરણ સુરક્ષા પરત્વે નૈતિક ફરજ
આ પ્રસંગે જીપીસીબીના ચેરમેન આર.બી. બારડ, આઈએએસ તેમજ  અરુણ કુમાર સોલંકી, IAS, અધિક મુખ્ય સચિવ, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર એ પણ પોતાના વિચારો વ્યક્ત કરતાં ખાસ ભાર મૂક્યો હતો કે ઔદ્યોગિક વિકાસ ની સાથે સાથે આપણા સૌની પર્યાવરણ સુરક્ષા પરત્વે પણ તેટલી જ નૈતિક ફરજ રહેલી છે તેમજ આ પરત્વે બધાજ સ્ટેકહોલ્ડર્સ એ જવાબદારીપૂર્વક ઔદ્યોગિક વિકાસ તેમજ પર્યાવરણ સુરક્ષા વચ્ચે સમન્વય સાધવા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
સંતુલન સાધવો પડશે
આ પ્રસંગે ખાસ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહેલ માનનીય કેબિનેટ મંત્રી, વન અને પર્યાવરણ,  મુળુભાઈ બેરા તેમજ અતિથિવિશેષ માનનીય રાજ્ય, વન અને પર્યાવરણ મંત્રી  મુકેશભાઈ પટેલે રાજ્યસરકારની પર્યાવરણ સંરક્ષણ પરત્વે પ્રતિબદ્ધતાની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પર્યાવરણ સુરક્ષા આપણા સૌની ભવિષ્યની પેઢી પરત્વેની નૈતિક ફરજ છે. સાથે સાથે ગુજરાત ઔદ્યોગિક વિકાસના માર્ગ પર તીવ્ર ગતિએ આગળ વધી રહેલ છે અને બધાજ સ્ટેકહોલ્ડર્સ માટે જરૂરી છે કે આપણે તમામ નાવીન્યતા સભર ઉપાયોનો અભ્યાસ કરી તેનો ત્વરિત અમલ કરી આ બાબતે સંતુલન સાધવા પ્રયત્નશીલ થવું પડશે. 
આ પ્રસંગે માનનીય મંત્રીશ્રી દ્વારા “કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ (C.T.E) અને એકીકૃત સંમતિ અને અધિકૃતતા (C.C.A) માટે અરજી કરવા માટે માર્ગદર્શન આપતી અત્યંત ઉપયોગી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. મંત્રીએ ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ XGN પર ઈ-સેવાઓ નું પણ લોન્ચિંગ કર્યું હતું. આ પ્લેટફોર્મ પર ગંદકીનું વહન કરતા વાહનો માટે ઈ-મેનિફેસ્ટ સિસ્ટમ, ઓનલાઇન સંમતિ માટે ના ઓર્ડર તેમજ ઓનલાઈન ડેટા અને વચગાળાની ચુકવણી માટે ઓનલાઈન મોડ્યુલનો ઉપયોગ વગેરેનો સમાવેશ થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.