Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પેરેન્ટિંગની વ્યાખ્યા બદલવાનો સમય આવી ગયો છે?

10:27 PM Apr 16, 2023 | Vipul Pandya

દીકરાએ સગી જનેતાને પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરી નાખી.  
સ્કૂલમાં જતાં બાળકના દફતરમાંથી શરાબની બોટલ મળી આવી.  
હાઈસ્કૂલમાં જતાં ટીનેજરના ખિસ્સામાંથી ઈ સિગાર મળી આવી.  
ટીનેજરે મિત્રો સાથે હુક્કાપાર્ટી કરી.  
બાળકો મોબાઈલમાંથી માથું ઊંચું નથી કરતાં.  
જમતી સમયે જો બાળકને મોબાઈલ ન મળે તો એ એક કોળિયો મોઢામાં નથી નાખતું.  
કુમળી વયના બાળકને પોર્ન ફિલ્મો જોવાની લત લાગી ગઈ છે.  
મોબાઈલ નહીં મળે એવું કહેતાં જ દીકરીએ પોતાની જાતને હર્ટ કરી.  
સાથે બેઠાં હોય ત્યારે પણ સંતાનો મોબાઈલમાં જ રચ્યાપચ્યા રહે છે.  
આ પ્રકારના સમાચારોનો કોઈ જ અંત નથી.  
એક ઘાતક બનાવ બને અને એની ચર્ચા થવા માંડે છે. એના વિશે મંતવ્યો લેવાય છે. સરવાળે આ તમામ ચર્ચાઓ કે મંતવ્યો મા-બાપ અને નવી પેઢી એનામાં ઉતારે તો જ કંઈક સારા પરિણામો મળવાની શક્યતા છે. અત્યારે જે સ્માર્ટ વર્લ્ડ છે એના કરતાં પણ અનેકગણી સ્માર્ટ દુનિયા આવવાની છે. અત્યારે જે ગેજેટ્સ છે એના કરતાં વધુ સવલતોવાળા ફોન, ટીવી વગેરે આવવાનું છે. આ દુનિયા સાથે જ આપણે જીવવાનું છે તો પછી વર્તમાનમાં કેટલીક વાતો ઉમેરવા જેવી છે.  
અત્યારનું પેરેન્ટીંગ સૌથી વધુ ચેલેન્જિંગ છે. બાળકો જ નહીં મા-બાપ પણ ફોનના એડિક્ટ થઈ ગયા છે. બાળકોનો ઉછેર આ સ્માર્ટ ફોન અને એડિક્શનની  દુનિયામાં કેટલાંક ફેરફાર કરવા ખૂબ જ જરુરી બની ગયા છે. સંતાનને જન્મ આપ્યા પછી એનો ઉછેર કેવી રીતે કરવો એ બહુ જ જવાબદારીભર્યું કામ છે. દરેકે દરેક ઘરની એક સામાન્ય સમસ્યા છે કે, કોઈપણ ઉંમરનું બાળક હોય એ મોબાઈલ ફોન કે લેપટોપ, ટેબલેટ ઉપર વધુ સમય ગાળે છે. આ સમસ્યા શા માટે સર્જાઈ રહી છે અને એનો ઉકેલ શું હોય શકે?   
અમદાવાદના જાણીતા સાઈકિયાટ્રીસ્ટ અને ડી એડિક્શન એક્સપર્ટ ડૉ. કલરવ મિસ્ત્રી બહુ સવિસ્તર આ વિશે વાત કરે છે. ડૉ. કલરવ કહે છે, છેલ્લા દસ-પંદર વર્ષથી પરિવારોનો સિનારીયો બદલાઈ ગયો છે. અગાઉ સંયુક્ત પરિવારો હતા. હવે વિભક્ત પરિવારો છે. અગાઉ કમ સે કમ માતા બાળકની સાથે રહેતી. હવેના સમયમાં મા-બાપ બંને નોકરી કરતા થયા. હેક્ટીક શેડ્યુલ અને ઓફિસના બોજામાં મા-બાપ બેમાંથી કોઈ બાળકને પૂરતો સમય નથી આપી શકતાં એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. મા-બાપ સમય નથી આપી શકતાં ત્યારે ઘણીવાર મોંઘી ગિફ્ટ આપીને પોતાનું ગિલ્ટ દૂર કરવા પ્રયાસ કરે છે.  
ડૉ. કલરવ કહે છે, આજની જનરેશનને અમે X Generation તરીકે ઓળખીએ છીએ. એમને એટલું બધું એક્સપોઝર મળે છે કે, કુમળી વયનું માનસ નક્કી નથી કરી શકતું કે એના માટે સારું શું છે અને ખરાબ શું છે. વર્ચ્યુઅલ વર્લ્ડ અને રિયલ વર્લ્ડ વચ્ચે એ ભેદ પારખી નથી શકતું. એટલે જ એ હિંસક બની જાય છે. મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા,   ગેઈમ્સનું આદિ બની જાય છે. જો ત્રણેક કલાકથી વધુ સમયમાં બાળક એના અભ્યાસમાં મદદરુપ ન થાય એવું સર્ફિંગ કે કે ગેમ રમતું હોય તો એ ચિંતાજનક બાબત છે. એવી જ રીતે વયસ્ક પણ ત્રણ કલાકથી વધુ બિઝનેસ કે ઓફિસના કામ માટે ફોનનો કે ટેબલેટનો ઉપયોગ કરતાં હોય તો એ પણ રેડ સિગ્નલ છે. બાળકની સાથે લાંબો સમય ન રહી શકો તો પણ જેટલો સમય હોવ એટલો સમય એના વર્તન ઉપર સતત નજર રાખવી જરુરી છે. મહેમાનો કે વડીલોની હાજરીમાં એ તમારી સાથે તોછડું વર્તન કરે, કોઈ સવાલનો સરખો જવાબ ન આપે તો પણ એ ચિંતાજનક બાબત છે.  
મા-બાપ કરતાં આજની જનરેશનના બાળકો એની સ્કૂલમાં શિક્ષકો સાથે વધુ રહે છે. આથી બાળકના ટીચરની નાનામાં નાની વાતને સાંભળીને એને ગંભીરતાથી લેવી જોઈએ. ડૉક્ટર કલરવ કહે છે, અશક્ય કશું જ નથી. બસ બાળકને એના મિત્રની જેમ ટ્રીટ કરવાનો આ સમય છે. એને ઓર્ડર કરવો કે એને બધાંની વચ્ચે ઉતારી પાડવાથી ઉલટું તમે જ તમારાં બાળકને નુકસાન કરો છો. એ કદાચ તમારી નજીક આવતું હશે તો પણ તમારા અપમામનજનક કે ટકટકભર્યાં વર્તનથી એ તમારાથી અંતર જાળવવા માંડશે. સંતાન અને મા-બાપ વચ્ચે ખાઈ બને એ પહેલાં એના ઉપર પુલ બાંધવો ખૂબ જ જરુરી છે. ઉંમરને અનુરુપ વર્તન ન થાય ત્યારે આ પુલ બંધાઈ જાય તો બહુ વાંધો આવતો નથી.  
સ્કૂલ કે કોલેજમાં જતાં ટીનેજર બાળકો  માટે પોતાની ચેટ હિસ્ટ્રી છૂપાવવી, ડાર્ક વેબ દ્વારા ગેરકાયદે ચીજો મંગાવવી આ બધું બહુ સામાન્ય થઈ ગયું છે. બાળક માટે પોઈન્ટ ઓફ નો રીટર્ન જેવી પરિસ્થિતિ આવે એ પહેલાં એના મા-બાપે જ સમજવું જરુરી છે. મા-બાપનું ન માને ત્યારે એને સાયકોલોજિસ્ટ, સાઈકિયાટ્રીસ્ટ કે કાઉન્સેલર પાસે લઈ જવું વધુ બહેતર છે. આજની જનરેશનના બાળક પાસે ઈન્ફર્મેશનનો ધોધ છે. એને માહિતી અને જ્ઞાન વચ્ચેનો ફરક નથી ખબર પડતી. ત્યારે જ એ પોતાની જાતને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની દુનિયામાં રોકી નથી શકતો. આપણને પાણીની ફોર્મ્યુલા ગૂગલમાથી મળી જવાની છે કે, હાઈડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ મળે એટલે H20 પાણી બને છે. પણ તરસ ગૂગલ નથી સમજાવી શકવાનું. તરસને તો અનુભવવી જ પડે. 
પેરેન્ટીંગની દુનિયા પણ કંઈક આવી જ છે. સમય ન આપી શકાય ત્યારે જેટલો સમય આપો એ ક્વોલિટી ટાઈમ આપો. બાળકનો ફોન મૂકાવતાં પહેલાં પોતાનો ફોન અને ગેજેટ્સ મૂકવાની આદત કેળવવાની જરુર છે. આજે કેટલાંય બાળકો પોતાની વાત કહેવા, વ્યક્ત કરવા માગતા હોય છે પણ મા-બાપ ફોનમાં માથું નાખીને એની સાથે વાત કરે છે. આંખમાં આંખ મિલાવીને  મતલબ કે આઈ કોન્ટેક્ટ સાથે વાત કરનારા મા-બાપની સંખ્યા ઘટી રહી છે.  
બેસ્ટ સાઈકિયાટ્રીસ્ટનો ગ્લોબલ એક્સલન્સ એવોર્ડ મેળવનારા ડૉક્ટર કલરવ મિસ્ત્રી કહે છે, બાળકનો ઈગો, એનામાં આવતાં હોર્મોનલ ચેન્જીસથી માંડીને એના ઝીણાં ઝીણાં વર્તનનું અવલોકન કરવું જરુરી છે. એના મૂડ સ્વીંગ્સથી માંડીને તમામ ચીજોને ધ્યાને રાખીને એની સાથે મા-બાપે વર્તન કરવું જોઈએ. વર્કિંગ કપલ કે બિઝી રહેતાં મા-બાપમાંથી સિત્તેર ટકા પેરેન્ટ્સ પોતાના કામને ઘરમાં ભૂલી શકે એમ છે. ત્રીસેક ટકા મા-બાપને તમે હેક્ટીક કે બિઝી કે જવાબદારીભરી નોકરી કે બિઝનેસના વર્ગમાં મૂકી શકો. પણ સિતેર ટકા મા-બાપ ધારે તો એના સંતાનને આ ગેજેટ્સની દુનિયાની વચ્ચે સરસ રીતે ઉછેરી શકે એમ છે. એડીક્શન ન છૂટે એવી વાતમાં દમ નથી. એની સાથે વાતો કરવી, સમય પસાર કરવો, વાર્તાઓ કરવી, એની પેઢીની વાતો સાંભળવી, યોગ, પ્રાણાયામ, કસરતથી માંડીને વાચન તરફ બાળકને કેળવી શકાય તો કોઈ સમસ્યા થાય જ નહીં. અથવા તો સમસ્યા હોય તો એને કેટલાંક પ્રયાસોથી ટાળી શકાય છે.  
હવે એવો સમય આવી ગયો છે કે, ઘરોમાં શૂ રેકની પાસે એક મોબાઈલ રેક બનાવવી જોઈએ. ઘરમાં આવ્યા પછી ગેજેટ્સને ત્યાં મૂકી દેવાના. ઈમરજન્સી સિવાય ફોનને અડકવાનો પણ નહીં આવો નિયમ ઘરમાં આવી જાય તો ઘણી બધી સમસ્યાઓ નિવારી શકાય એમ છે. અમારા ઘરમાં નિયમ છે વધુ મહેમાનો એકઠાં થાય અને જો મોબાઈલમાં વ્યસ્ત હોય તો અમારો અને મહેમાનોના મોબાઈલ અમે બાસ્કેટમાં રાખીએ છીએ. જે વસ્તુઓના વપરાશને આપણે ટાળી શકીએ એમ ન હોય ત્યારે સારા ભવિષ્ય માટે એનો અતિરેક થતો અટકાવી જ શકાય એ વાતમાં બે મત નથી.