Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આતંકીઓને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં IPS અરવિંદ નેગીની ધરપકડ

12:45 PM Apr 18, 2023 | Vipul Pandya

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા એક એસપી રેંકના  IPS અધિકારીની આંતકીઓને ગુપ્ત માહિતી આપવાના આરોપ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ કેડરના IPS અધિકારી અરવિંદ દિગ્વિજય નેગીની  UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેમના પર  પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાને ગુપ્ત માહિતિ અને ગુપ્ત દસ્તાવેજો આપ્યાનો આરોપ છે. 

અરવિંદ નેગી કોણ છે?
અરવિંદ દિગ્વિજય નેગી 2011 બેચના હિમાચલ પ્રદેશ કેડરના IPS અધિકારી છે. તેમને વીરતા પુરસ્કાર વડે સન્માનિત પણ કરવામાં આવ્યા છે. હુર્રિયત ટેરર ફન્ડિંગ કેસની તપાસ બાદ તેમના સરાહનીય કામ બદલ પોલીસ મેડલથી સન્માનિત પણ કરાયા હતા. પહેલા તેઓ NIAમાં જ એસપી તરીકે તહેનાત હતા, જ્યાં આ કેસની તપાસ શરુ થયા બાદ તેમની કેડરમાં પરત મોકલવામાં આવ્યા હતા. તેઓ NIAમાં 11 વર્ષ અને ત્રણ મહિના સુધી ડેપ્યુટેશન પર રહ્યા હતા. તેમનો સમાવેશ એવા અધિકારીઓમાં થાય છે જેમણે NIAમાં સૌથી લાંબો કાર્યકાળ પૂર્ણ કર્યો છે.  

આ કેસ શું છે?
શિમલાના એડિશનલ એસપી રહી ચુકેલા અરવિંદ નેગીએ લશ્કર-એ-તૈયબાના એક ઓવર ગ્રાઉન્ડ વર્કરને ગુપ્ત દસ્તાવેજો સોંપ્યા હતા. આ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ એટલે એવા લોકો જે લશ્કર-એ-તોયબાને દેશભરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં મદદ કરે છે. આ કેસમાં NIA દ્વારા 6 નવેમ્બર 2021ના રોજ એફઆઇઆર નોંધવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે એનઆઇએના કેટલાક ગુપ્ત દસતાવેજો લીક કરવામાં નેગીની ભૂમિકા મહત્વની હતી. 

અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ
NIA દ્વારા અત્યાર સુધીમાં આ કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય અરવિંદ નેગીના નિવાસ સ્થાન પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર NIAની ટીમ બે દિવસથી શિમલામાં હતી. આ દરમિયાન નેગીની પૂછપરછ પણ ચાલુ રહી. આખરે શુક્રવારે NIA નેગીની ધરપકડ કરીને દિલ્હી લઈ ગઈ હતી.