Baps Hindu Mandir : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. તેઓ બુધવારે 14 ફેબ્રુઆરીના રોજ અબુધાબીમાં બનેલા પહેલા હિન્દુ મંદિર ( Baps Hindu Mandir)નું ઉદ્ઘાટન કરશે. દિલ્હીમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરનાર સંસ્થા BAPSએ તેનું નિર્માણ કર્યું છે. આ મંદિરની બંને બાજુ ગંગા અને યમુનાનું પવિત્ર જળ વહી રહ્યું છે, જેને ભારતમાંથી મોટા કન્ટેનરમાં લાવવામાં આવ્યું છે. મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગંગાનું પાણી જ્યાં વહે છે તે બાજુએ ઘાટ આકારનું એમ્ફી થિયેટર બનાવવામાં આવ્યું છે. મંદિરના ઉદ્ઘાટન સમારોહની પળેપળની માહિતી આપ સુધી પહોંચાડવા ગુજરાત ફર્સ્ટ પણ યુએઇ પહોંચ્યું છે.
હિન્દુસ્તાની કારીગરીનું પ્રતીક
મંદિરમાં ગંગા અને યમુનાના પવિત્ર જળ ઉપરાંત રાજસ્થાનના ગુલાબી સેંડસ્ટોન અને ભારતથી પથ્થરો લાવવા માટે ઉપયોગમાં લેવાયેલા લાકડીના બોક્સથી બનાવેલા ફર્નિચરનો ઉપયોગ પણ મંદિરમાં કરવામાં આવ્યો છે. અબુ ધાબીમાં આવેલું આ મંદિર પ્રથમ હિંદુ મંદિર છે, જે દેશના વિવિધ ભાગોના યોગદાનથી બનેલું આર્કિટેક્ચરલ અજાયબી છે અને હિન્દુસ્તાની કારીગરીનું પ્રતીક છે.
મંદિરની બંને બાજુએ ગંગા-યમુનાના પાણી
આ ઐતિહાસિક મંદિરની બંને બાજુએ ગંગા-યમુનાના પાણીને વહેવા પાછળનો વિચાર તેને વારાણસીના ઘાટ જેવો બનાવવાનો છે, જ્યાં લોકો બેસી શકે છે, ધ્યાન કરી શકે છે અને ભારતમાં બનેલા ઘાટની યાદો તેમના મગજમાં તાજી થઈ જાય છે. જ્યારે ભક્તો પ્રવેશ કરશે, ત્યારે તેઓ પાણીના બે પ્રવાહો જોશે જે પ્રતીકાત્મક રીતે ભારતની ગંગા અને યમુના નદીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ‘ત્રિવેણી’ સંગમ બનાવવા માટે, મંદિરની સંરચનામાંથી પ્રકાશનું કિરણ આવશે જે સરસ્વતી નદીને પ્રતિબિંબિત કરશે. અહીં ઘાટ પર બેસી સંધ્યા આરતીનો લાભ ભક્તો લઇ શકશે.
મંદિરની વિશેષતાઓ
આ હિંદુ મંદિર લગભગ 27 એકર જમીન પર બનેલું છે, જે દુબઈ-અબુ ધાબી શેખ જાયદ હાઈવે પર અલ રહબા પાસે આવેલું છે. મંદિરને બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા બનાવવામાં આવ્યું છે. રાજસ્થાન અને ગુજરાતના કુશળ કારીગરો દ્વારા 25,000 થી વધુ પથ્થરના ટુકડાઓમાંથી કોતરવામાં આવેલા મંદિરના આગળના ભાગમાં રેતીના પથ્થર પર આરસની ઉત્કૃષ્ટ કોતરણી છે. મંદિર માટે ઉત્તર રાજસ્થાનથી ગુલાબી પથ્થરનો મોટો જથ્થો અબુ ધાબી લાવવામાં આવ્યો છે.
ભારતમાંથી કન્ટેનરમાં લાવેલા પથ્થરો
મંદિરના નિર્માણ માટે 700 થી વધુ કન્ટેનરમાં બે લાખ ઘનફૂટથી વધુ ‘પવિત્ર’ પથ્થર લાવવામાં આવ્યો છે. ગુલાબી સેંડસ્ટોન ભારતમાંથી લાવવામાં આવ્યા છે. પથ્થરની કોતરણી ત્યાંના શિલ્પકારો દ્વારા કરવામાં આવી છે અને તેને અહીંના શ્રમિકો દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. આ પછી કલાકારોએ અહીં ડિઝાઇન ફાઇનલ કરી છે.
મંદિરના દરેક ખૂણામાં ભારતનો એક ભાગ છે
અબુધાબીમાં જે લાકડાના બોક્સ અને કન્ટેનરમાં પથ્થરો લાવવામાં આવ્યા હતા તેનો ઉપયોગ મંદિરમાં ફર્નિચર બનાવવા માટે કરવામાં આવ્યો છે. મંદિરમાં પ્રાર્થના હોલ, કાફેટેરિયા, કોમ્યુનિટી સેન્ટર વગેરેમાં રાખવામાં આવેલું ફર્નિચર પત્થરો લાવવા માટે વપરાતા બોક્સ અને કન્ટેનરના લાકડામાંથી બનાવવામાં આવું છે. મંદિરના દરેક ખૂણામાં ભારતનો એક ભાગ છે.
2019 થી મંદિર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે
આ મંદિરનું નિર્માણ કાર્ય 2019થી ચાલી રહ્યું છે. મંદિર માટે જમીન સંયુક્ત આરબ અમીરાત દ્વારા દાનમાં આપવામાં આવી છે. 2017માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. UAEમાં વધુ ત્રણ હિન્દુ મંદિરો છે જે દુબઈમાં આવેલા છે. અદ્ભુત સ્થાપત્ય અને કોતરણી સાથે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું, BAPS મંદિર ગલ્ફ પ્રદેશનું સૌથી મોટું મંદિર હશે.
મંદિરની કોતરણીમાં બંને દેશોની સંસ્કૃતિ રાખવામાં આવી
અલગ અલગ 14 સંસ્કૃતિમાંથી શીખવાલાયક મુલ્યો લેવાયા છે. મંદિરની કોતરણીમાં બંને દેશોની સંસ્કૃતિ રાખવામાં આવી છે. ઉપરાંત 12 જ્યોતિર્લીંગ અને ભગવાન જગન્નાથની યાત્રાની પણ કોતરણી છે. મંદિરની અંદર ઇટાલીયન કારીગરી છે. અહીં અક્ષરધામની જેમ જ સ્ટીલ કે સળીયાનો ઉપયોગ કરાયો નથી. 25 હજાર પથ્થરો જોડીને આ વિરાટ મંદિર આકાર પામ્યું છે. મંદિરનો એક સ્તંભ પીલર ઓફ પીલર કહેવાય છે જેમાં 1400 નાના સ્તંભ છે. તેને તૈયાર કરતાં 12 કારીગરોને 1 વર્ષનો સમય લાગ્યો હતો. મંદિરમાં વ્હાઇટ માર્બલનો ઉપયોગ કરાયો છે.
55 ડિગ્રી ગરમી સુધી અસર નહીં થાય
જ્યારે મંદિરની ડિઝાઇન થઇ રહી હતી ત્યારે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું કે મંદિરમાં જ્યારે દર્શનાર્થીઓ આવશે અને તેઓ ચાલીને જશે અને પરિસરની પરિક્રમા કરશે ત્યારે ગરમીની સિઝનમાં કેવી વ્યવસ્થા હશે ત્યારે વિચાર કરીને નેનો ટાઇલ્સનો ઉપયોગ કરાયો છે જ્યાં 55 ડિગ્રી ગરમી સુધી અસર નહીં થાય. મંદિરની પાછળ કોમ્યુનિટી સેન્ટર અને સભાગૃહ બનાવાયું છે જ્યાં ઉત્સવોની ઉજવણી થઇ શકશે. અહીં વરસાદનું વાતાવરણ છે. છેલ્લા 5 વર્ષથી અહીં આવો વરસાદ ન હતો પણ આજે વાતાવરણ ખુલ્લું થયું છે. ભારતમાંથી હજારો સ્વયંસેવકો અને સંતો પહોંચ્યા છે.
સવારે પોણા નવ વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠા પ્રારંભ
આવતીકાલે 14 ફેબ્રુઆરીએ સવારે પોણા નવ વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠા પ્રારંભ થશે. દોઢ કલાક સુધી આ પ્રાણ પ્રતિષ્ઠા ચાલશે. સાંજે લોકાર્પણ થશે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટનની સભામાં હાજર રહેશે. તેઓ સંયુક્ત આરબ અમીરાતની બે દિવસીય મુલાકાતે આજથી અબુ ધાબી પહોંચી ગયા છે. 2015થી ગલ્ફ દેશની આ તેમની સાતમી મુલાકાત છે અને છેલ્લા આઠ મહિનામાં તેમની ત્રીજી મુલાકાત છે.
આ પણ વાંચો—UAE : 14 ફેબ્રુઆરીએ PM MODI કરશે BAPS હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ