+

કેનેડામાં સડક પર ઉતર્યા ભારતીય વિદ્યાર્થીઓ, નકલી ઓફર લેટરના આરોપસર ગમે તે ઘડીએ કરાઇ શકે છે ડિપોર્ટ

કેનેડામાં ફરજિયાત ભારત પરત ફરવા મજબૂર કરાયેલા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પર “બનાવટી ઓફર લેટર્સ દ્વારા પ્રવેશ” લેવાનો આરોપ છે. તેમાંથી મોટાભાગના…

કેનેડામાં ફરજિયાત ભારત પરત ફરવા મજબૂર કરાયેલા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પર “બનાવટી ઓફર લેટર્સ દ્વારા પ્રવેશ” લેવાનો આરોપ છે. તેમાંથી મોટાભાગના પંજાબ રાજ્યના છે. હવે આ વિદ્યાર્થીઓ સંભવિત ડિપોર્ટેશન (દેશ નિકાલ) સામે કેનેડાના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વિદ્યાર્થીઓનો વિરોધ ચાલી રહ્યો છે. તેઓ કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) ની મુખ્ય કચેરીની બહાર, મિસીસૌગાના એરપોર્ટ રોડ પર 29 મેથી “અનિશ્ચિત સમયના ધરણા” માટે ભેગા થયા છે.

પંજાબના લવપ્રીત સિંહને 13 જૂનના રોજ કેનેડાથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ટૂંક સમયમાં ડઝન વધુ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા..વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને ડર છે ટુંક સમયમાં આ જ રીતે તેમને પણ ભારત પરત ફરવા મજબુર કરવામાં આવશે.મહત્વપૂર્ણ છે કે દર વર્ષે 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ પંજાબમાંથી અન્ય દેશોમાં, મુખ્યત્વે કેનેડામાં સ્થળાંતર કરી રહ્યા છે. લવપ્રીત સપ્ટેમ્બર 2017માં લેમ્બટન કોલેજમાં મેનેજમેન્ટનો અભ્યાસ કરવા મિસીસૌગા આવ્યો હતો. તેમના ટ્વીટમાં, તેણે કહ્યું કે તેના એજન્ટે તેને અગાઉ જે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો ત્યાં રિપોર્ટ ન કરવા કહ્યું હતું. બાદમાં તેને અન્ય કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. લવપ્રીતને પાછળથી જાણવા મળ્યું કે તેના ઈમિગ્રેશન પત્રો બનાવટી હતા અને કોલેજની સિસ્ટમમાં તેની કોઈ માહિતી નથી. તેમણે કહ્યું કે ઘણા ટ્રાવેલ એજન્ટ આ રીતે વિદ્યાર્થીઓને છેતરે છે.

વિદ્યાર્થીઓએ કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરનો સંપર્ક કર્યો છે, જેમણે તેમને ખાતરી આપી છે કે તેઓ આ બાબતે તપાસ કરશે. જોકે, CBSA એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને છેતરપિંડીથી” પ્રવેશ અપાયો છે. દરમિયાન, પંજાબ એનઆરઆઈ બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે EAM એસ જયશંકરને પત્ર લખીને આ મામલે તેમની મદદ માંગી છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિર્દેશને પગલે કેનેડામાંથી બળજબરીથી પરત મોકલવામાં આવતા લગભગ 700 વિદ્યાર્થીઓના મુદ્દાને ઉકેલવા પંજાબના એક મંત્રીએ સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખ્યો હતો. ધાલીવાલે કહ્યું કે ટ્રાવેલ એજન્ટોની છેતરપિંડીથી આ વિદ્યાર્થીઓ કેનેડાની ખોટી કોલેજોમાં ફસાયા છે. ધાલીવાલે કેન્દ્ર સરકાર પાસે તેમના વતન પરત ફરવાનું રોકવા અને કેનેડાની સરકાર પાસેથી આ વિદ્યાર્થીઓને વર્ક પરમિટ અપાવવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

આ ઉપરાંત ભટિંડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે વિદેશ મંત્રી ડૉ.જયશંકરને સેંકડો એવા પંજાબી વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવા વિનંતી કરી છે જેઓ એજન્ટની છેતરપિંડીને કારણે ડિપોર્ટેશનની સંભાવનાનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અગાઉ લગભગ 700 વિદ્યાર્થીઓને આ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો અને આ પછી 200 વધુ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) એ ખુલાસો કર્યો છે કે આ વિદ્યાર્થીઓને એક અધિકૃત એજન્ટ – એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસીસ, જલંધર દ્વારા નકલી દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા હતા. આ એજન્ટે નામાંકિત કોલેજમાં ભણવા માટે આ વિદ્યાર્થીઓને નકલી એડમિટ કાર્ડ આપ્યા હતા અને આ માટે તેમની પાસેથી 16થી 20 લાખ રૂપિયા લીધા હતા. આ વિદ્યાર્થીઓ કેનેડા પહોંચ્યા કે તરત જ ત્યાંના સત્તાવાળાઓ દ્વારા તેમને જાણ કરવામાં આવી કે તેમનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે.

Whatsapp share
facebook twitter