Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કશ્મીરમાં પોલીસે બે ત્રાસવાદી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો

02:54 AM Jun 23, 2023 | Vipul Pandya


જમ્મુ-કશ્મીરના અનંતનાગ જિલ્લામાં પોલીસે ત્રણ આતંકી સહિત 11 લોકોની ધરપકડ કરીને ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે ત્રાસવાદી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. 


જમ્મુ અને કશ્મીર પોલીસે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા શખ્સો પાસેથી હથિયાર, દારૂગોળો તથા કેટલીક વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે, જૈશ સંગઠનના ત્રાસવાદીઓ અનંતનાગ જિલ્લાના શ્રીગુફવાડા અને બિજબેહારા વિસ્તારોમાં હુમલો કરવાની તજવીજમાં છે. જેને  પગલે પોલીસે અનેક ચેકપોસ્ટ ખાતે કડક જાપ્તો ગોઠવી દીધો હતો, અને શ્રીગુફવાડાના એક સ્થળે કરાયેલી નાકાબંધી સ્થળે એક મોટરબાઈક સવાર અને તેની સાથે બેઠેલા વ્યક્તિએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ જવાનોએ તરત જ એમનો પીછો કર્યો હતો અને એમને પકડી લીધા હતા.

પકડાયેલા લોકોની તપાસ કરતાં તેમની પાસેથી બે પિસ્તોલ, કારતૂસોનો પટ્ટો અને દારૂગોળો મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન અબ્બાસ આહ ખાન, ઝહૂર આહ ગોજુરી અને હિદાયતુલ્લા કુતાય નામ સામે આવ્યા છે. તેઓએ સ્વીકાર્યું હતું કે, તેઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા છે અને તેમના સાથીઓ પાકિસ્તાન સ્થિત આકાઓની સૂચના મુજબ, શ્રીગુફવાડામાં પોલીસો પર હુમલો કરવાની તૈયારીમાં છે. પોલીસે ત્યારબાદ એમના વધુ બે સાગરિતની પણ ધરપકડ કરી હતી.