Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જ્ઞાનવાપી કેસમાં SC નો મહત્વનો નિર્ણય, શિવલિંગની કાર્બન ડેટિંગ અંગે આપ્યા મોટા આદેશ

07:06 PM May 19, 2023 | Dhruv Parmar

વારાણસીમાં વિશ્વનાથ મંદિરની નજીક બનેલી જ્ઞાનવાપી મસ્જિદમાં કથિત રીતે શિવલિંગ મળી આવ્યું હતું. હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે આ નિર્ણય અંગે વિચાર કરવાની જરૂર છે. હાઈકોર્ટના નિર્ણય બાદ સોમવારથી શરૂ થઈ રહેલી શિવલિંગની કાર્બન ડેટિંગ સામે મસ્જિદ સમિતિએ વાંધો ઉઠાવ્યો હતો. હવે આ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે.

હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ કમિટી વતી એડવોકેટ હુઝેફા અહમદી દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચે તેની સુનાવણી કરી હતી. હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી દીધી છે. 12 મેના રોજ અલાહાબાદ હાઈકોર્ટે કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક સર્વેનો આદેશ આપ્યો હતો.

કથિત શિવલિંગ મળ્યું હતું

જણાવી દઈએ કે 16 મે, 2022 ના રોજ સર્વે દરમિયાન જ્ઞાનવાપીમાં કથિત શિવલિંગ મળ્યું હતું. હિન્દુ પક્ષે અગાઉ વારાણસી કોર્ટમાં તેની કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક સર્વેની માગણી કરી હતી. જોકે ત્યાર બાદ કોર્ટે તેને ફગાવી દીધી હતી. હાલમાં કાર્બન ડેટિંગ ક્યારે થશે? એની તારીખ હજુ નક્કી થવાની બાકી છે, પરંતુ આ ટેકનિકની ચર્ચા ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી થઈ રહી છે.

શું છે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ?

તમને જણાવી દઈએ કે વર્ષ 1991 માં સ્થાનિક પૂજારીઓ દ્વારા જિલ્લા કોર્ટમાં પ્રથમ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં મસ્જિદમાં પૂજા માટે પરવાનગી માંગવામાં આવી હતી. આ પૂજારીઓનો દાવો છે કે ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિરના કેટલાક ભાગોને તોડીને ત્યાં મસ્જિદ બનાવી હતી. આ મુદ્દાને લઈને વારાણસીના વકીલ વિજય શંકર રસ્તોગીએ પણ જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી અને કહ્યું કે મસ્જિદનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે. આ પછી તેમણે પુરાતત્વ વિભાગ દ્વારા મસ્જિદનો સર્વે કરાવવાની માંગ કરી હતી.

મુસ્લિમ પક્ષ તરફથી ઉગ્ર વિરોધ

તમને જણાવી દઈએ કે એપ્રિલ 2021 માં ASIને સર્વે કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે આ અરજીનો સખત વિરોધ કર્યો હતો. હવે આ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહી છે. આ મામલાની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સોમવારે કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ અંગે મુસ્લિમ પક્ષ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુક્યો છે અને કહ્યું છે કે હવે તેના પર વિચાર કરવાની જરૂર છે.

આ પણ વાંચો : મોટી ફાંદ વાળા પોલીસ કર્મીઓ થઈ જાઓ સાવધાન, નહીંતર થઈ જશે ટ્રાન્સફર