+

સ્ત્રીના ચારિત્ર્યનો માપદંડ એના કપડાં અને પુરુષ નગ્ન ફોટોગ્રાફ પડાવે તો!

આપણે સહુ એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં સ્ત્રીના ચારિત્ર્યના માપદંડો એટલે એની નેકલાઈન કેટલી ડીપ છે અને એની હેમલાઈન કેટલી લાંબી છે એના પરથી માપવામાં આવે છે. જો સિગરેટ પીતી હોય અને શરાબનો ગ્લાસ હાથમાં રાખે તો બોલ્ડ. પીંક ફિલ્મમાં બહુ સરસ રીતે કહેવાયું છે કે, શરાબ અને સિગરેટ હાથમાં હોય એટલે એ સ્ત્રી અવેલેબલ છે એ માનવું જ ઘૃણાસ્પદ છે. સ્ત્રીના મોઢેથી નો મીન્સ નો...નીકળે અને એને સામેનો પુર
આપણે સહુ એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં સ્ત્રીના ચારિત્ર્યના માપદંડો એટલે એની નેકલાઈન કેટલી ડીપ છે અને એની હેમલાઈન કેટલી લાંબી છે એના પરથી માપવામાં આવે છે. જો સિગરેટ પીતી હોય અને શરાબનો ગ્લાસ હાથમાં રાખે તો બોલ્ડ. પીંક ફિલ્મમાં બહુ સરસ રીતે કહેવાયું છે કે, શરાબ અને સિગરેટ હાથમાં હોય એટલે એ સ્ત્રી અવેલેબલ છે એ માનવું જ ઘૃણાસ્પદ છે. સ્ત્રીના મોઢેથી નો મીન્સ નો…નીકળે અને એને સામેનો પુરુષ સમજે એ વાતને હજુ સદીઓ થઈ જવાની છે.  
વાત ભલે વાંચવામાં આકરી લાગે પણ હકીકત એ જ છે કે, સ્ત્રીઓની કપડાંની પસંદગી તમારા કેરેક્ટરનું સર્ટિફિકેટ છે. જ્યારે પુરુષ નગ્ન થઈને ફરે કે ફોટોગ્રાફી કરે પણ એના કેરેક્ટર અંગે સ્ત્રીઓ જેટલી ચર્ચા નથી થતી. ભારતીય સમાજ આ રીતે જ જીવવા ટેવાયેલો છે. સમય પ્રમાણે થોડા વર્ગમાં કદાચ બદલાવ આવ્યો હશે. પરંતુ, થોડોકેય ઉઘાડો ડ્રેસ પહેરીને કોઈ યુવતી કે બાળકી જતી હોય તો એની સામે આંખો ફાડીફાડીને જોનારા લોકોની કમી નથી. એવા કેટલાંય મિત્રો છે જે એમની દીકરીઓને ઘરેથી ફુલ ડ્રેસમાં મોકલે છે અને પાર્ટીમાં જાય ત્યારે એને કહે છે કે, તને ગમતાં કપડાં પહેરી આવ. એક બહેનપણીએ તો નિખાલતાપૂર્વક કહેલું કે, મારી દીકરી ટૂંકા કપડાં પહેરીને કાર સુધી જાય અને વોચમેન એને ભૂખાળવી નજરે જોતો હોય કે સોસાયટીમાં બેઠેલાં કે અવર જવર કરતાં લોકો એને ટીકીટીકીને જુવે એના કરતાં થોડું ધ્યાન રાખવું સારું. આ ધ્યાન રાખવું એટલે સ્પષ્ટપણે દીકરી એકલી ઘરે હોય તો કોઈ જાણીતું કે અજાણ્યું વ્યક્તિ એને ખોટી રીતે સ્પર્શ ન કરી જાય કે કંઈ અણછાજતું એની સાથે ન બને એની તકેદારી.  
કોઈ સ્ત્રી કરિયરમાં કોઈ ગોડફાધર વગર આગળ આવી હોય કે ઉચ્ચ સ્થાને પહોંચી હોય તો પણ એના માટે ઘસાતું બોલનારાઓની કમી નથી. દરેક વ્યક્તિની મંઝિલે પહોંચવાની સફર એ વ્યક્તિ પોતે પસંદ કરતી હોય છે. એમાં તમે બોલવાવાળા કોણ? કોઈની ટીકા કરવા માટે કે નીચા પાડવા માટે કેરેક્ટર એસેસિનેશન સૌથી બેસ્ટ હથિયાર છે. આ હથિયાર બિન્ધાસ્ત વાપરવામાં આવે છે. પુરુષને ખુલ્લે આમ એકથી વધુ સ્ત્રીઓ સાથે સંબંધ હોય તો પણ એના વિશે વાત કરીને લોકો ભૂલી જશે. પણ સ્ત્રી નજરમાં રહેશે એને લોકો રાખશે.  
રણવીરસિંહનું ન્યૂડ ફોટોશૂટ વાયરલ થયું એ પછી ટીના નંદિની શાહ નામના વાચકે એક તસવીર મોકલી. સોશિયલ મીડિયા પર આવેલી આ તસવીરમાં દીપિકા પાદુકોણની ક્લીવેજ અને ટૂંકો ડ્રેસ છે એને બીજી તરફ રણવીરસિંહનો ન્યૂડ ફોટો. જેમાં લખ્યું છે, સ્ત્રીની નેકલાઈન અને હેમલાઈન સામે લોકોને સવાલો થાય છે પણ પુરુષ કંઈ પહેર્યા વગર બેઠો હોય તો પણ એની સામે કોઈને કંઈ વાંધો નથી પડતો.  
આપણે આ સમાજ રચનામાં જીવીએ છીએ અને એને સ્વીકારીને રહીએ છીએ. મૂળ પ્રોબ્લેમ આપણી અંદર રોપવામાં આવેલી માનસિકતાનો છે. તમે સેલિબ્રિટી છો, તમે એક્ટ્રેસ છો, તમે ધનવાન છો તો કેટલાંક ટૂંકા કપડાં અને ઉઘાડા ડ્રેસ લોકો સ્વીકારી લે છે. પરંતુ, તમે સિમ્પલ હોટેલમાં સહેજ પણ ટૂંકી ચડ્ડી કે ટ્યૂબ ટોપ પહેરીને જાવ તો લોકો જોવાના જ છે. આ માનસિકતા મુંબઈ કે બીજા મેટ્રો સિટીઝમાં ઓછી જોવા મળે છે. પણ સર્વસામાન્ય રીતે ભારતમાં આ રીતે જ લોકો જોવે છે અને કમેન્ટ કરે છે.  
આનો ઉકેલ શું? આનો ઉકેલ એક જ છે આજની પેઢીને શિક્ષણ આપો ત્યારે દીકરાઓને ખાસ સમજાવો કે, બાળકી, યુવતી કે સ્ત્રી એક વ્યક્તિ છે. એને ફક્ત ને ફક્ત જેન્ડર અલગ છે એ કારણે જુદી રીતે ન જુઓ. નજર સાફ રહે એવા સંસ્કારો આપવામાં આવે તો ઘણું બધું અટકી જાય. આપણે ત્યાં દીકરી મોટી થાય એટલે તરત જ એના ઉપર બહાર આવવા જવાના સમયથી માંડીને અમુક પ્રકારના કપડાં પહેરવાની પાબંદીઓ આવી જાય છે. અલબત્ત આ સર્વસામાન્ય પરિવારોની વાત છે. કેટલાંક અપવાદો જોવા મળે છે. દીકરીને પ્રતિબંધો આવે છે પણ સામી બાજુ એવા કેટલા દીકરા છે જેને મા-બાપ બાજુમાં બેસાડીને એવું શીખવે છે કે, કોઈની દીકરી સામે ગંદી નજરે જોવું એ સારા સંસ્કાર નથી. કેટલા મા-બાપ સ્ત્રીઓને માન આપવું કે સન્માન જાળવવું જોઈએ એવું શીખવે છે? દીકરીને મર્યાદામાં રહેવાનું શીખવવામાં આવે છે તો દીકરાને પણ કેટલીક વાતો શીખવવી જરુરી છે. દીકરીને જ સંસ્કારી નથી બનાવવાની હોતી દીકરો પણ સંસ્કારી હોવો એટલો જ જરુરી છે.
jyotiu@gmail.com
Whatsapp share
facebook twitter