Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Heat Wave Alert : રાજસ્થાનમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ! 49 ડિગ્રી પહોંચ્યું તાપમાન

08:20 AM May 24, 2024 | Hardik Shah

Heat Wave Alert : સમયાંતરે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. પણ આ વર્ષે તો ગરમી (Heat) એ તમામ રેકોર્ડ્સ (Records) તોડવાનું શરૂ કરી દીધુ છે. દેશના ઘણા વિસ્તારોમાં ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દિવસેને દિવસે તાપમાન (Temperature) વધી રહ્યું છે. ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી હીટવેવ (heat wave) ને કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યાં મહત્તમ તાપમાન 49 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. હાલમાં ઉત્તર ભારતમાં ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી.

હીટવેવની ચેતવણી જારી

દેશમાં ગરમી એવી છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3થી 4 દિવસ વધુ ગરમી રહેશે. હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે હીટવેવની ચેતવણી જારી કરી છે. જણાવી દઇએ કે, રાજસ્થાનમાં ગરમીનું મોજું એવું છે કે હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે હીટવેવ એલર્ટ (Rajasthan Weather Update) જારી કર્યું છે. આ સાથે રાજ્યમાં આગામી 3-4 દિવસ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 22 મે, બુધવારે રાજ્યમાં ઘણી જગ્યાએ મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો. રાજ્યમાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું.

IMDનું રેડ એલર્ટ

દેશનું સૌથી ગરમ શહેર રાજસ્થાનનું બાડમેર હતું, જ્યાં ગુરુવારે મહત્તમ તાપમાન 48.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હીટવેવને કારણે બાલોત્રા-જાલોર જિલ્લામાં 4-4 અને જેસલમેરમાં એક વ્યક્તિનું મોત થયું છે. જયપુર હવામાન કચેરીના ડિરેક્ટર રાધે શ્યામ શર્માએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષેપથી કોઈ રાહતની અપેક્ષા નથી. IMDએ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને યુપીમાં 4 દિવસ માટે હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આજનું હવામાન

દિલ્હી NCR, હરિયાણા અને ચંદીગઢમાં હીટવેવથી લઈને ગંભીર હીટવેવની સ્થિતિ રહેશે. આજે રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં ગરમીના કારણે લોકો પરેશાન થશે. આ રાજ્યોમાં 27 મે સુધી હીટ વેવ ચાલુ રહેવાની સંભાવના છે.

રાત્રિના તાપમાનમાં થશે વધારો

હવામાન વિભાગમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મે મહિનાના બાકીના દિવસોમાં રણવાસીઓને ગરમીમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. આગામી દિવસોમાં સૂર્યદેવની ગરમી હજુ વધુ અસહ્ય બની શકે છે. કારણ કે તાપમાનનો પારો 1-2 ડિગ્રી વધુ વધી શકે છે. આ સમયગાળા દરમિયાન, રાજસ્થાનના તમામ ભાગોમાં રાત્રિઓ સામાન્ય કરતાં વધુ ગરમ રહેશે.

આ વિસ્તારોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો હતો

ગુરુવારે રાજસ્થાન, યુપી, પંજાબ, હરિયાણા, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં 16 સ્થળોએ મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ નોંધાયું હતું. રાજસ્થાનના ચુરુમાં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી, ફલોદીમાં 47.8 ડિગ્રી અને જેસલમેરમાં 47.2 ડિગ્રી નોંધાયું હતું. મધ્યપ્રદેશના ગુનામાં મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી, ગુજરાતના અમદાવાદમાં 45.9, ઉત્તર પ્રદેશના ઓરાઇમાં 45.0, પંજાબના ભટિંડા અને હરિયાણાના સિરસામાં 45.4 ડિગ્રી નોંધાયું હતું.

આરોગ્ય વિભાગની અપીલ

આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ઉનાળાની ઋતુમાં જો તેઓને કોઈપણ પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેની અવગણના ન કરવી. સમયાંતરે પાણી પીતા રહો. જો સમસ્યા વધુ વકરી રહી છે તો વહેલી તકે તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર પર પહોંચીને સારવાર કરાવો.

આ પણ વાંચો – Ahmedabad: ગરમીએ તોડ્યો 127 વર્ષનો રેકોર્ડ, જાણો આગામી દિવસોમાં ક્યાં પહોંચશે તાપમાન ?

આ પણ વાંચો – Heat Alert : આ તો ગરમીનું ટ્રેલર હતું…! અંગ દઝાડતી ગરમી તો હવે પડશે, તાપમાનમાં થશે 3 થી 4 ડિગ્રીનો વધારો