VADODARA : વડોદરા પાલિકાના દક્ષિણ ઝોનમાં આજે બેઠક મળી હતી. આ બેઠકમાં પાલિકાના મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્ય યોગેશ પટેલ, તથા સ્થાનિક કોર્પોરેટરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં પાલિકાના મેયર, ડે. મેયર, ચેરમેન અને શાસકપક્ષના નેતા ગેરહાજર હતા. જેને લઇને ફરી એક વખત ભાજપની આંતરિક ટાંટિયાખેંચ બહાર આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ બેઠકમાં સ્થાનિક વિસ્તારોની મુદ્દાસર ચર્ચા કરવામાં આવી હોવાનું અને તેનું સત્વરે નિરાકરણ લાવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠકમાં ઝોનના 12 કોર્પોરેટર અને પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.
મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની જરૂર ન્હતી
આ બેઠક અંગે ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે, આ બેઠકમાં પાલિકાના અલગ અલગ વિભાગના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. અમારા મુખ્ય પ્રશ્નો રસ્તા પરના ખાડા પુરવા, ઝાડનું કટિંગ કરવાનું, જ્યાં પાણી ભરાયા છે ત્યાં માર્કિંગ કરવાનું, જીઆઇડીસીની સફાઇ કરવાના હતા. બેઠકમાં 12 કોર્પોરેટરો હાજર રહ્યા હતા. બધાના જે પ્રશ્નો હતા તેના નિકાલ માટેની આ બેઠક હતી. આમાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની જરૂર ન્હતી. અગત્યના અધિકારીઓ હાજર હતા. બાદમાં કમિશનરને બોલાવવામાં આવ્યા હતા, અને નાનામાં નાનાથી લઇને મોટા પ્રશ્નોના તાત્કાલિક નિકાલ માટે રજુઆત કરી હતી. આ બેઠક માંજલપુરના પ્રશ્નોને ઉકેલવા માટે અમે બોલાવતા હોઇએ છીએ. જે કોઇ કોન્ટ્રાક્ટરો વ્યવસ્થિત કામ નથી કરતા તેની પણ રજુઆતો કરી છે.
તે લોકોને દંડ કરવો જોઇએ
પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડે કહ્યું કે, પૂરના પાણી આવ્યા બાદ ઝોનની મિટીંગ રાખવામાં આવી હતી. ધારાસભ્ય યોગેશ પટેલના અધ્યક્ષસ્થાને મિટીંગ રાખવામાં આવી હતી. જે નાના પ્રશ્નો છે, ઝોનના, વરસાદી પાણી, સફાઇ, સ્ટ્રીટ લાઇટ, જીઆઇડીસીનો પ્રશ્ન હોય. ધારાસભ્યનું સુચન હતું કે, જ્યાં પાણી ભરાયા હતા ત્યાં માર્કિંગ થાય. તમામ કોર્પોરેટરે ભેગા મળીને બેઠક કરી છે. શહેરમાં જે કચરાની ગાડીઓ જઇ રહી છે, તેનો વિસ્તાર વહેંચી દો. અલગ અલગ વિસ્તારોમાંથી જાય, એક જ વિસ્તારોમાંથી ના લો. તે લોકોને દંડ કરવો જોઇએ.
રોડ પ્રોજેક્ટ અને ઝોન બંને ટીમો આ કામ માટે લાગી
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જણાવે છે કે, આજની બેઠક સાઉથ ઝોનની હતી. ધારાસભ્ય અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. પૂર બાદ સફાઇના ઝુંબેશ અને આરોગ્યના કેમ્પ થઇ ગયા છે. છતાં જંગલ કટિંગ, કીચડ સફાઇ, ચોમાસા બાદ ગેરુ-ચુનો મારવાનો, ડિવાઇડર પેઇન્ટીંગ કરવાનો, પેચવર્ક ફટાફટ પૂર્ણ થાય તે ઝડપથી થાય તે માટે સંકલનની એક મિટીંગ હતી. 7 – 8 દિવસમાં વરસાદ નહિ આવે તો કામગીરી પૂર્ણ થઇ જશે. આખા કોર્પોરેશનમાં 6 હજાર જેટલા ખાડા હતા. 5 હજાર ખાડા પૂરા કર્યા છે. રોડ પ્રોજેક્ટ અને ઝોન બંને ટીમો આ કામ માટે લાગી છે. ઘણી વખત વરસાદના કારણે કામ થઇ શકતું નથી. ત્રણ – ચાર દિવસમાં કામ પૂર્ણ થાય તેવો અમારૂ આકલન છે. તંત્રએ પૂરમાં રેસ્ક્યૂ કર્યું છે. એનડીઆરએફ અને આર્મીને પાલિકાએ બોલાવી છે. ફાયરના જવાનોએ જીવના જોખમે રેસ્ક્યૂ કર્યા છે. લોકોને શિફ્ટ કરવા માટે બસસેવા પણ શરૂ કરી હતી. અમારી રજુઆત બાદ સરકારે એનડીઆરએફ અને આર્મીની કોલમ મુકી હતી. જેથી રેસ્ક્યૂ કાર્ય વેગવંતુ બન્યું હતું.
આ પણ વાંચો — VADODARA : ભાજપનો જૂથવાદ સપાટી પર લાવતી ડિજીટલ પત્રિકા વાયરલ