VADODARA : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) અને સ્પેઇનના વડાપ્રધાનની વડોદરા (VADODARA VISIT) ની સંભવિત મુલાકાતને કેન્દ્ર સ્થાને સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીએ અહીં કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજી પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. અધિક મુખ્ય સચિવએ સર્વ પ્રથમ વડોદરા શહેરમાં ચાલી રહેલી પૂર્વ તૈયારી નિહાળી અને બાદમાં કલેક્ટર કચેરી ખાતે ઉક્ત બેઠક યોજી હતી. પ્રારંભે સ્થાનિક ઉચ્ચ અધિકારીઓએ ગુલપુષ્પ આપી દયાનીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શહેરમાં શાનદાર સ્વાગત કરવામાં આવશે
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે થઇ રહેલી કામગીરીની વિસ્તૃત વિગતો બેઠકમાં પ્રસ્તુત કરી હતી. તેમણે એવી વિગતો આપી હતી કે, વડાપ્રધાનઓનું શહેરમાં શાનદાર સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ અને અન્ય સ્થળોએ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થકી ગુજરાતના વારસાને રજૂ કરાશે.
પોલીસ કમિશનરે બંદોબસ્તની બાબતો રજૂ કરી
કલેક્ટર બિજલ શાહ દ્વારા જણાવાયું કે, વડાપ્રધાનના ટાટાએર બસ અને લક્ષ્મીવિલાસ પેલેસ ખાતેના કાર્યક્રમો સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે ૬૦થી વધુ અધિકારીઓને સાંકળીને ૨૦ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અન્ય જિલ્લામાંથી પાંચ નાયબ કલેક્ટરોની ફાળવણી કરવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ દ્વારા કાર્યક્રમ સ્થળની વિગતો, ત્યાં થનારા સંભવિત આયોજનની તલસ્પર્શી વિગતો જાણકારી મેળવાઇ હતી. પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે બંદોબસ્તની બાબતો રજૂ કરી હતી.
તમામ અધિકારીઓ હાજર રહ્યા
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, નાયબ કલેક્ટર ભાર્ગવ ડાંગર, પ્રોટોકોલ પ્રભાગમાંથી સંકેતસિંહ વાઘેલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો — VADODARA : વારસિયા મોબ લિંચિંગ કેસમાં 4 આરોપીઓ રિમાન્ડ પર