VADODARA : લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા દ્વારા આયોજિત ક્ષેત્રીય સંમેલનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (GUJARAT CM BHUPENDRA BHAI PATEL) આવતીકાલ તા.૨૯.૦૯.૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે ખુલ્લું મુકશે. લઘુ ઉદ્યોગ ભારતી રાષ્ટ્રનું સૌથી મોટું ઔદ્યોગિક સંગઠન છે જે ઉદ્યોગહિત થકી રાષ્ટ્રહિતના મંત્ર સાથે છેલ્લા ૨૯ વર્ષથી સંપૂર્ણ ભારત વર્ષમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગોના હિતાર્થે કાર્ય કરી રહ્યું છે.
મોટી સંખ્યામાં પોલીસ જવાનોની તૈનાતી
આવતીકાલે મુખ્યમંત્રી શહેરની મુલાકાતે આવનાર હોવાથી તેમના આગનમ અને વિદાયના રૂટ પર પોલીસ દ્વારા રીહર્સલ કરવામાં આવ્યું હતું. જેને પગલે સવાર સવારમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોની તૈનાતી જોવા મળી હતી. જેને પગલે લોકો વિચારતા થઇ ગયા હતા. જો કે, બાદમાં મુખ્યમંત્રીના કોન્વોયનું રીહર્સલ હોવાનું જાણ્યા બાદ જ તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
કાર્યક્રમ આવતીકાલે 11 વાગ્યાથી શરૂ થશે
વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જગ્યાએથી લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલ 500થી વધુ મેમ્બરો ઉપસ્થિત રહેવાના છે. લઘુ ઉદ્યોગ ભારતી ક્ષેત્રીય સંમેલન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લઘુ ઉદ્યોગકારો માટે મોટી જાહેરાત કરી શકે છે. આ કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગોમાં પડતી મુશ્કેલીઓ અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમ આવતીકાલે 11 વાગ્યાથી શરૂ થશે અને દિવસભર યોજાશે.
અગ્રણીઓ ઉપસ્થિત રહેશે
આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્તા,લઘુ ઉદ્યોગ ભારતી રાષ્ટ્રીય અધ્યક્ષ ઘનશ્યામભાઈ ઓઝા, ગુજરાત અને રાજસ્થાનના પ્રભારી બળદેવભાઈ પ્રજાપતિ, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, ઇશ્વરભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ સજ્જન,વડોદરા જિલ્લા પ્રમુખ વિરલભાઈ ચૌધરી, સંદીપભાઈ શાહ સહિત ગુજરાતના સૂક્ષ્મ,લઘુ અને મધ્ય ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો — VADODARA : આજના સમયમાં અંગ્રેજોના જમાના જેવી સજા ટોક ઓફ ધી ટાઉન બની