VADODARA : વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ (VADODARA CYBER CRIME POLICE) દ્વારા ગેરકાયદેસર પાર્સલ પકડાયું હોવાના બહાને વીડિયો કોલ કરીને ડિજીટલ એરેસ્ટ કરનારા ગુનામાં આરોપીઓને મુંબઇથી દબોચી લેવામાં આવ્યા છે. આરોપીઓ દ્વારા ભોગ બનનારને વીડિયો કોલમાં ડરાવીને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા. આખરે આ મામલે બે લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડ્રગ્સ, લેપટોપ, મોબાઇલ, કપડાં સહિતની વસ્તુઓ ગેરકાયદેસર મળી આવ્યું
સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, તાજેતરમાં વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, તેઓને મુંબઇની કુરીયર કંપનીમાંથી ફોન આવ્યો હતો. અને કહ્યું કે, તેમના નામે એક પાર્સલ બેંકોક જઇ રહ્યું છે. તે પાર્સલમાં ડ્રગ્સ, લેપટોપ, મોબાઇલ, કપડાં સહિતની વસ્તુઓ ગેરકાયદેસર મળી આવી છે. જે બાદ ફરિયાદીને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું જણાવીને ફોન આવ્યો હતો. અને પાર્સલ અંગે વિગતવાર પુછપરછ કરવામાં આવી હતી. ઓનલાઇન એપ્લીકેશન થકી આવેલા વીડિયો કોલમાં નિવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સની મદદથી તપાસ કરીને મુંબઇથી આરોપીઓને દબોચી લેવાયા
જે બાદ ફરિયાદીને એજન્સીના નકલી બનાવેલા લેટરો મોકલીને તેને વિશ્વાસ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગઠિયાઓએ ડરાવવા માટે કહ્યું કે, જ્યાં સુધી આ ઇન્વેસ્ટીગેશન ચાલશે ત્યાં સુધી ફરિયાદીના ખાતામાં જેટલા રૂપિયા છે, તે તથા ફરિયાદીની મિલકતના અમુક ટકા રકમ આરોપીઓની એકાઉન્ટમાં જમા કરાવવા કહ્યું હતું. અને જો તેમ નહીં કરે તો ડિજીટલ એરેસ્ટ કરવા જણાવ્યું હતું. આખરે ફરિયાદીએ રૂ. 32.50 લાખ આરોપીઓને એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. બાદમાં આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સની મદદથી તપાસ કરીને મુંબઇથી આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આરોપીઓને બે દિવસના રિમાન્ડ મંજુર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અગાઉ પોલીસે 2 આરોપીઓને દબોચ્યા હતા.
આરોપીઓ દ્વારા બેંક એકાઉન્ટને સહ આરોપીઓને વેચી દેવામાં આવ્યું
ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે ઇબનુસિયાદ પી. અબ્દુલ (રહે. નવી મુંબઇ) અને અસરફ અલ્વી (રહે. નવી મુંબઇ) ની ધરપકડ કરી છે. બંને રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બંને આરોપીઓ કંપનીના ડાયરેક્ટર છે. તેના નામે બેંકનું ખાતું ખોલાવવામાં આવ્યું છે. આ ખાતામાં રૂ. 7.50 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા બેંક એકાઉન્ટને સહ આરોપીઓને વેચી દેવામાં આવ્યું હતું. જેના અનુસંધાને તેમને કમિશન મળ્યું હતું.
આ પણ વાંચો — VADODARA : પાલિકા કમિશનરની અવર-જવર વેળાએ અવરોધ ઉભો કરનાર સામે ફરિયાદ