- Gujarat – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતના નિર્માણમાં રાજ્ય સરકારનું વહિવટી તંત્ર અને કર્મયોગીઓ પાયા રૂપ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
——– - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત ગાંધીનગરમાં રૂપિયા ૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા-‘સ્પીપા’ના તાલીમ ભવનનું લોકાર્પણ કર્યુ
——– - મુખ્યમંત્રીશ્રી
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્મચારીઓને કર્મયોગી બનાવીને પ્રજાહિતના કામોમાં પોતીકાપણાની સંવેદના જગાવી છે
* સરકારના વિવિધ વિભાગોમાં અનેક કર્મયોગીઓ પોતે ઈનિશ્યેટીવ્ઝ લઈને પ્રજાના કામો સરળતાથી પાર પાડી ‘મારું છે અને મારે કરવાનું છે’ ના ભાવથી કાર્યરત છે.
* પ્રજા, પ્રશાસન અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે મળીને કાર્ય કરે તો કેવાં સારા પરિણામ મળી શકે તેનું ઉદાહરણ ગુજરાતે વાવાઝોડાની આપત્તિના મક્કમ પ્રતિકારથી પૂરું પાડ્યું છે.
——–
Gujarat ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે તેને વિકસિત ગુજરાતના નિર્માણથી સાકાર કરવામાં રાજ્ય સરકારનું વહીવટી તંત્ર અને કર્મયોગીઓ પાયારૂપ છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ સુશાસન અને પ્રજા કલ્યાણકારી યોજનાઓથી લોકોનો વિશ્વાસ સંપાદિત કર્યો છે અને તેથી સતત ત્રીજી વાર દેશની જનતાએ તેમને વડાપ્રધાન પદનું સેવા દાયિત્વ સોપ્યું છે. આવી પ્રજા કલ્યાણ યોજનાઓ અને સુશાસનની નીતિ-રીતિઓના લાભ લોકો સુધી, સામાન્ય માનવી સુધી સુપેરે પહોંચાડવામાં કર્મચારીઓનું યોગદાન મહત્વનું છે.
મુખ્યમંત્રીશ્રી ૩૬ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે ૭૫૬૩ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલા સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા “સ્પીપા” ના ગાંધીનગર કેમ્પસનું લોકાર્પણ કરતાં સંબોધન કરી રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૧માં તા. ૭ ઓક્ટોબરે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળીને ગુજરાતના વિકાસનો આલેખ બદલવાની સફળ શરૂઆત કરી હતી. આ સુશાસન સફળતાના ૨૩ વર્ષની ઉજવણી રાજ્યભરમાં ૭ ઓક્ટોબરથી વિકાસ સપ્તાહ તરીકે થઈ રહી છે.
Gujarat ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ- ખાતમુહૂર્તની શ્રૃંખલામાં ‘સ્પીપા’ના નવનિર્મિત અદ્યતન ભવનના ગાંધીનગરમાં લોકાર્પણ સાથે અમદાવાદના સ્પીપા ખાતે નિર્માણ થનારી નવીન ઓફિસર્સ હોસ્ટેલ બિલ્ડીંગનું ઈ-ખાતમુહૂર્ત પણ સંપન્ન કર્યુ હતું.
મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, વહિવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્રસચિવશ્રી અને સ્પીપાના ડાયરેક્ટર જનરલ શ્રી મોહમ્મદ શાહિદ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી વિજય ખરાડી સહિત ‘સ્પીપા’ ના વરિષ્ઠ અધિકારીઓ તાલીમાર્થી કર્મયોગીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
Gujaratના મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પ્રજાજીવનના સારા માટે, ભલા માટેની ખેવના અને ચિંતા કરી છે. એટલું જ નહિ, તેમણે સૌને સાથે રાખીને ચાલવાનો, સૌના સાથ સૌના વિકાસનો જે કાર્યમંત્ર આપ્યો છે તે વહિવટી પાંખ અને જન પ્રતિનિધિઓના સુચારુ સમન્વયથી સાકાર થયો છે.
પ્રજા, પ્રશાસન અને જનપ્રતિનિધિઓ સૌ સાથે મળીને જો કાર્યરત રહે તો કેવાં સારા પરિણામ મળે તેનું ઉદાહરણ આપણે વાવાઝોડાની કપરી સ્થિતિમાંથી હેમખેમ બહાર આવીને પૂરું પાડ્યું છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ સરકારી કર્મચારીઓને કર્મયોગી બનાવ્યા છે અને પ્રજાહિતના કામોમાં તેમની સંવેદના જગાવીને પ્રજા સાથે પોતીકાપણાનો ભાવ ઉજાગર કર્યો છે.
Gujarat સરકારના વિવિધ વિભાગોમાં સેવારત અનેક કર્મયોગીઓએ પણ પોતાની રીતે ઈનિશ્યેટીવ્ઝ લઈને જનહિત કામો સરળતાથી પાર પાડીને “મારું છે અને મારે કરવાનું છે” તેવો ભાવ પ્રેરિત કર્યો છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ ‘સ્પીપા’ જેવી ઉચ્ચ તાલીમ સંસ્થાઓથી કર્મયોગીઓનું કેપેસિટી બિલ્ડીંગ થયું છે ત્યારે આવી સંસ્થામાથી જે શીખે તેને ધરાતલ પર ઉતારવામાં આ કર્મયોગીઓ અવિરત કર્તવ્યરત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
Gujarat સરકારના બધા જ વિભાગોના કામોની અગત્યતા છે. કોઈપણ વિભાગમાં સેવારત અધિકારી-કર્મયોગી પોતાને સોંપાયેલા કામ કે ફરજ નિષ્ઠાથી નિભાવીને પ્રજાહિત કાર્યો દ્વારા વિકસિત ગુજરાતનું નિર્માણ કરશે જ એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્ય સચિવ શ્રી રાજકુમારે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થાનું આ ભવન માત્ર સિમેન્ટ-કોન્ક્રીટથી બનેલું બિલ્ડિંગ નથી, આ ભવનમાં રાજ્ય સરકારના કર્મયોગીઓને વિવિધ પ્રકારની તાલીમ આપીને તેમની અંદર “નાગરિક સેવાભાવ”ને ઉજાગર કરવામાં આવે છે. ગુજરાત સરકારના અનુભવી અને પ્રશિક્ષિત ઉચ્ચ અધિકારીઓ પણ કર્મયોગીઓને સરળતાથી તાલીમ આપી શકે તે માટે ગાંધીનગર ખાતે આ નવીન ભવન નિર્માણ પામ્યું છે.
ગાંધીનગર ખાતે સ્પીપાનું નવું સેન્ટર તૈયાર થતાં, ગાંધીનગરની આસપાસના વિસ્તારમાં આવેલી અનેક આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય સંસ્થાઓના નિષ્ણાત પ્રાધ્યાપકો પણ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે તાલીમ આપવા માટે આવી શકે તેવી સુગમતા રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગાંધીનગરમાં સ્પીપા કેમ્પસના આ નવનિર્મિત ભવનમાં ૧૯૦ની બેઠક વ્યવસ્થા સાથેનો એસેમ્બલી હોલ, ૧૦૦ની બેઠક વ્યવસ્થા સાથેનો સેમિનાર હોલ, ૫૦ની બેઠક વ્યવસ્થા ધરાવતા ૩ સ્કિલ ડેવલપમેન્ટ રૂમ, ૪ ફેકલ્ટી રૂમ, ૩ ડિસ્કશન રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત ૩૦ રૂમની નિવાસ વ્યવસ્થા તથા કેન્ટીન અને રિક્રિએશન એરિયા સહિતની સુવિધાઓ આ ભવનમાં ઊભી કરવામાં આવી છે.
સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થાના ડાયરેક્ટર જનરલ શ્રી મોહમ્મદ શાહિદે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ સ્પીપાની કામગીરી અને સિદ્ધિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી વિજય ખરાડીએ આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવે, સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા તેમજ રાજ્ય સરકારના વિવિધ અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ચ્યુઅલ માધ્યમથી ૫,૦૦૦ જેટલા તાલીમાર્થીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
આ પણ વાંચો–ગુજરાતના 11 સાવજો મા દુર્ગાની આરાધનામાં કરશે આઠમના ઉપવાસ