અહેવાલ – ઉદય જાદવ
ગતિશીલ ગુજરાતમાં સુરત જિલ્લાની એક એવી પ્રાથમિક શાળા કે જે શાળાના વિદ્યાર્થીઓ વર્ગ ખંડમાં નહી પરંતુ બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે,શાળાના ઓરડાઓ જર્જરિત થતાં વિદ્યાર્થીઓ વર્ગ ખંડની બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે,કઈક આવી જ દશા છે ઓલપાડના સાંધીએર ગામની પ્રાથમિક શાળાની,તંત્રના પાપે શાળાના વિદ્યાર્થીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે,આટલું ઓછું હોય તેમ વધુમાં જિલ્લા પંચાયત દ્વારા દાનમાં મળેલી જમીન ઉપર બનેલી શાળા તોડી જમીન ગ્રામપંચાયતને ફાળવી દેવાતાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે.
રાજ્યના શિક્ષણ વિભાગનું સૂત્ર છે સૌ ભણે સૌ આગળ વધે..સૂત્ર ખૂબ સુંદર છે પરંતુ સુરત જિલ્લામાં આજ સૂત્રના ધજાગરા ઉડાવતા દૃશ્યો સામે આવ્યા છે..જી..હા..વાત છે ઓલપાડના સાંધીએર પ્રાથમિક શાળાની..આ દ્રશ્યો છે સાંધીએર પ્રાથમિક શાળાના,કે જ્યાં વિદ્યાર્થીઓ શાળાના વર્ગ ખંડમાં નહી પરંતુ વર્ગ ખંડની બહાર બેસીને અભ્યાસ મેળવી રહ્યા છે,પ્રાથમિક શાળાના ૩ ઓરડાઓ છેલ્લા ઘણા સમયથી હર્જરિત અવસ્થામાં છે,ઓરડાના સ્લેબમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે જેને કારણે ઓરડા છેલ્લા ઘણા સમયથી બંધ અવસ્થામાં છે,આ અંગે શાળાના આચાર્ય,શિક્ષકો દ્વારા તંત્રને અનેક વખત જાણ કરવામાં આવી છે પરંતુ ઘોર નિંદ્રામાં પોઢેલા તંત્રને શાળાના શિક્ષકોની રજૂઆત નહી સંભળાતા તેનો સીધો ભોગ શાળાના વિદ્યાર્થીઓ બની રહ્યાં છે,તંત્રના પાપે અને વર્ગ ખંડના અભાવે શાળાના વિદ્યાર્થીઓ વર્ગ ખંડની બહાર બેસી શિક્ષણ મેળવી રહ્યા છે,અનેક વખતની રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નહી કરાતા લોકો ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાથમિક શાળામાં ૧થી ૮ ધોરણ કાર્યરત છે જેમાં કુલ ૧૫૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે,સાંધીએર પ્રાથમિક શાળાની હાલની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે,શાળામાં પહેલેથી જ ઓરડાની ઘટ છે તેવામાં ૩ ઓરડાઓ છેલ્લા ૬ મહિનાથી જર્જરિત અવસ્થામાં બંધ છે,શાળામાં ઓરડાના અભાવે શિક્ષકોએ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે ખૂબ તકલીફ પડી રહી છે,બાળકોનો અભ્યાસ નહી બગડે તે માટે શિક્ષકો દ્વારા એક જ ઓરડામાં બે ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવાની નોબત ઉભી થઈ છે તો અન્ય ધોરણના વિદ્યાર્થીઓને વર્ગ ખંડની બહાર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે,ઓરડાના અભાવે શાળાના બાળકોની સાથે સાથે શિક્ષકો પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે ખૂબ દુઃખની વાતતો એ છે શાળાની આટલી દયનીય સ્થિતિ તંત્ર ને કેમ નથી દેખાતી?હાલ શાળામાં ૫ ઓરડાની ઘટ છે ત્યારે વહેલી તકે તંત્ર શાળાને ઓરડાઓ ફાળવે તેવી માંગ શાળાના શિક્ષકો કરી રહ્યા છે.
શાળાના ઓરડાની ઘટ વચ્ચે જિલ્લા પંચાયતે શાળાની જમીન ગ્રામપંચાયતને પંચાયત ભવન માટે ફાળવી દેવાતાં ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો છે,આઝાદી પહેલા શાળા બાંધવા માટે આ જમીન દાનમાં આપી હતી ત્યારે શાળાના વર્ગ ખંડો તોડી ત્યાં પંચાયત ભવન બનાવી દેવાતાં લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો છે,હાલ પ્રાથમિક શાળામાં ઓરડાઓની ઘટ છે,શાળાના વિદ્યાર્થી ઓરડાની બહાર શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે ત્યારે શાળાની જમીન ઉપર પંચાયત ભવન બનાવી દેવાતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે,શાળાના બાળકોને અગવડ નહી પડે અને બાળકોને સારું શિક્ષણ મળે રહે તે માટે વહેલી તકે કોઈ જગ્યા ફાળવી નવા ઓરડા બનાવવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે,આ મામલે ગામના જાગૃત નાગરિકે બાળકોના અભ્યાસ કરતાં ગ્રામપંચાયતના ભવનને આપતી પ્રાથમિકતાને લઈને હાઈ કોર્ટમાં અરજી પણ કરી છે.
ઓલપાડ તાલુકાના ઐતિહાસિક સાંધીએર ગામમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે,મહત્વનું છે કે મહાત્મા ગાંધી દાંડી કૂચ દરમિયાન સાંધીએર ગામ ખાતે રોકાયા હતા,આ સિવાય પણ ગામમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલાં છે ત્યારે આવા ગામમાં શિક્ષણનું સ્તર નીચે જતાં તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે,સાંધીએર ગામની પ્રાથમિક શાળામાં બાળકો વર્ગ ખંડની બહાર ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે,ગતિશીલ ગુજરાત અને સુરત સ્માર્ટ સિટીમાં વિદ્યાર્થીઓની આવી કફોડી હાલત ખરેખર એક ચિંતાનો વિષય બન્યો છે,તંત્રએ વહેલી તકે આ શાળાની મદદે આવવું જોઈએ જેથી શાળાએ અભ્યાસ કરવા આવતા ગરીબ આદિવાસી બાળકોને પાયાનું ઉચ્ચ કોટિનું શિક્ષણ મળી રહે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.