Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યનો પ્રથમ કિસ્સો: માલધારી મહિલાએ પશુ ઓલાદના રજિસ્ટ્રેશન માટે દરખાસ્ત રજૂ કરી

11:26 AM Aug 26, 2023 | Vipul Pandya
અહેવાલ–નાથુ આહિર, જામનગર
  • ગુજરાતના બકરી વર્ગની એક નવી પશુ ઓલાદના રજિસ્ટ્રેશન અંગેની પ્રોફાઇલ જામનગર જિલ્લાના જામજોધપુર ખાતેથી રાજ્ય સરકારને મોકલાઇ
  • જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામના માલધારી મહિલા લાખીબેન ભરવાડ દ્વારા જિલ્લામાં જોવા મળતી ભગરી બકરીની ઓલાદની માન્યતા માટેની અરજી કરાઈ
  • કોઇ માલધારી મહિલાએ પશુ ઓલાદના રજિસ્ટ્રેશન માટે દરખાસ્ત રજૂ કરી તેવો આ રાજ્યનો પ્રથમ કિસ્સો
  • ભગરી બકરીને માન્યતા મળતાની સાથે જ આ દશમી નવી ઓલાદ તરીકે રાજ્યના પશુધન વૈવિધ્યમાં ઉમેરો કરશે
ગુજરાતમાં વધુને વધુ નવી પશુ ઓલાદો સામે આવી રહી છે.જામનગર (Jamnagar) જિલ્લામાં જોવા મળતી ભગરી નામની બકરીની ઓલાદ રાજ્યની નવી પશુ ઓલાદ હોઇ સહજીવન સંસ્થા દ્વારા આ બકરીના કેરેકટરાઇઝેશનની કામગીરી પુર્ણ થતા તેના રજિસ્ટ્રેશન માટેની એપ્લીકેશન પ્રોફાઈલ તૈયાર કરીને નવી ઓલાદ તરીકે માન્યતા માટે પશુપાલન વિભાગને સુપ્રત કરવામાં આવી છે. ભગરી બકરીની માન્યતા માટે ભરવાડ સમાજની મહિલાઓ આગળ આવી છે અને લાખીબેન ખોડાભાઇ ભરવાડ દ્વારા પોતાના નામથી આ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે,. ગુજરાત રાજયમાં અને કદાચ સમગ્ર દેશમાં આ પ્રથમ ઘટના છે, કે જેમાં કોઈ પશુ ઓલાદની માન્યતા માટે કોઇ માલધારી સમુદાયની મહિલા દ્વારા અરજીકર્તા તરીકે દરખાસ્ત રજૂ કરવામાં આવી હોય. લાખીબેન ભરવાડ દ્વારા આ અરજી રાજયના પશુપાલન નિયામક ગાંધીનગર ખાતે રજૂ કરવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્વારા આ દરખાસ્ત નેશનલ બ્યુરો ઓફ એનીમલ જીનેટીક્સ રીસોર્સીસને મોકલવામાં આવશે.
રાજ્યમાં કુલ ર૭ પશુ ઓલાદો માન્યતા પ્રાપ્ત
ગુજરાતમાં છેલ્લા દશકમાં કુલ દશ નવી પશુ ઓલાદો શોધી કાઢવામાં આવી છે, તે પૈકી નવ પશુ ઓલાદોને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા નવી પશુ ઓલાદ તરીકે માન્યતા આપી દેવામાં આવી છે. રાજ્યમાં કુલ ર૭ પશુ ઓલાદો માન્યતા પ્રાપ્ત છે. ભગરી બકરીની માન્યતા મળવાથી ગુજરાતની માન્યતા પ્રાપ્ત પશુ ઓલાદોની સંખ્યા ર૮ પર પહોંચશે.

છેલ્લા બે વર્ષથી ભગરી બકરી પર સંશોધન ચાલી રહ્યુ હતુ
ઉલ્લેખનીય છે કે સહજીવન સંસ્થા દ્રારા ભરવાડ માલધારીઓને સાથે રાખીને છેલ્લા બે વર્ષથી ભગરી બકરી પર સંશોધન ચાલી રહ્યુ હતુ, જેમાં બ્રિડ પ્રોફાઇલ તૈયાર કરવા માટેની જરૂરી ટેકનીકલ માહિતી એકત્ર કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકામાં રહેતા ભરવાડ સમુદાયના માલધારીઓ દ્વારા ભગરી બકરીનો ઉછેર કરવામાં આવે છે અને આ ત્રણ તાલુકામાં ભગરીની સંખ્યા ૧૭,૨૦૦ જેટલી છે.

અરજી કરવામાં આવી હોય તેવી આ સૌ પ્રથમ ઘટના
દેશમાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા અત્યાર સુધી કુલ ૨૧ર પશુ ઓલાદોને માન્યતા આપવામાં આવી છે. પરંતુ કોઇ માલધારી મહિલા દ્વારા પોતાની પશુ નસ્લની રાષ્ટ્રીય માન્યતા માટે પહેલ કરવામાં આવી હોય કે અરજી કરવામાં આવી હોય તેવી આ સૌ પ્રથમ ઘટના છે. જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામના માલધારી મહીલા લાખીબેન ખોડાભાઇ ભરવાડ દ્વારા સમુદાય તરફથી એપ્લીકટ (અરજીકર્તા) તરીકે જવાબદારી લીધી છે. બ્રિડ ડીસ્ક્રીપ્ટર બનાવવાની પ્રક્રિયામાં મુખ્ય સંશોધક તરીકે સહજીવનના પૂર્વ કર્મચારી ડો.શેરસિંહ ચૌહાણ, નરેન્દ્ર નંદાણીયા રહ્યા હતા, તેમજ જામનગર જિલ્લાના પશુપાલન વિભાગના સ્થાનિક અધિકારીશ્રીઓ અને પશુ ચિકિત્સકો દ્વારા સહયોગ કરવામાં આવ્યો હતો.અને આ પ્રોફાઇલ રાજયના પશુપાલન નિયામક ડો.ફાલ્ગુનીબેન ઠાકરને રૂબરૂમાં રજૂ કરવામાં આવી હતી. નિયામક દ્વારા આ દરખાસ્ત એન.બી.એ.જી.આર. કરનાલ ને ફોરવર્ડ કરવામાં આવશે. ભગરી બકરીને રાષ્ટ્રીય માન્યતા મળવાથી આ બકરીના સંરક્ષણ, નસલ સુધારણા તેમજ માલધારીઓના આજીવિકા સબંધી વિવિધ યોજનાકીય લાભો માલધારીઓને મળી શકશે. સહજીવન સંસ્થા દ્વારા રાજ્યમાં કુલ નવ નવી પશુ ઓલાદો શોધી કઢાઇ હતી હવે ભગરી બકરીને માન્યતા મળવાથી આ દસમી નવી ઓલાદ તરીકે રાજ્યના પશુધન વૈવિધ્યતામાં ઉમેરો કરશે તેમ સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેકટર રમેશ ભટ્ટી દ્વારા જણાવાયુ છે.

ભગરી ઓલાદની બકરીની લાક્ષણિકતાઓ
ભગરી ઓલાદની બકરીનું નામ તેના ચામડીના વિશેષ રંગ પરથી પડ્યું છે.તેનું માથું, ગરદન, ખભો અને ક્યારેક આગળના પગ સુધીનો ચામડીનો રંગ ભૂખરા સફેદ રંગનો હોય છે અને તેનો ખભાથી પાછળનો ભાગ કાળા રંગનો હોય છે.
ભગરી બકરી દૂધ અને માંસ એમ દ્વિહેતુ માટે ઉપયોગી છે
ભગરી બકરીનું દિવસનું સરેરાશ દૂધ ઉત્પાદન ૮૦૦ ગ્રામથી ૩ લીટર જેટલું હોય છે તથા તેના વેતરનું દૂધ ઉત્પાદન ૯૨ કિ.ગ્રા. થી ૭૦૦ કિ.ગ્રા. જેટલું હોય છે.